<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

એકલતા અનુભવતા લોકોને મળશે અનોખો વિકલ્પ : WhatsAppએ લોન્ચ કર્યું નવું ફીચર: જાણો વિગત

યુઝર્સ પોતાનું પર્સનલ AI ચેટબોટ બનાવી શકશે. યુઝર્સ પસંદગી મુજબ આ ડિજિટલ સાથીનો સ્વભાવ, ભૂમિકા અને અવતાર નક્કી કરી શકશે

નવી દિલ્હી :WhatsApp ટૂંક સમયમાં એક એવું ફીચર લાવી રહ્યું છે જે યુઝર્સને પોતાનો AI ચેટબોટ બનાવવાની મંજૂરી આપશે, જે વર્ચ્યુઅલ ફ્રેન્ડની જેમ વાત કરશે. યુઝર્સ પસંદગી મુજબ આ ડિજિટલ સાથીનો સ્વભાવ, ભૂમિકા અને અવતાર નક્કી કરી શકશે.

એકલતા  અનુભવતા લોકોને કોઈ એવી વ્યક્તિ જોઈતી હોય છે જે તેમની વાત સાંભળે, હવે તે લોકો પાસે એક અનોખો વિકલ્પ હશે. એક AI મિત્ર જે હંમેશા સાથે રહેશે, તે પણ યુઝરની પસંદગી મુજબ. Meta ટૂંક સમયમાં WhatsApp પર એક નવું ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેનાથી યુઝર્સ પોતાનું પર્સનલ AI ચેટબોટ બનાવી શકશે. આ ચેટબોટ એક એવો વર્ચ્યુઅલ સાથી હશે, જે યુઝર્સે આપેલી માહિતીના આધારે વાત કરશે, તેમને મદદ કરશે અને સમય પસાર કરવા માટે મજાની વાતચીત પણ કરશે.

 

 

આ નવી ફીચરની સૌથી ખાસ વાત એ છે કે યુઝર્સે આ AI મિત્રનું આખું પાત્ર જાતે નક્કી કરી શકશે, કે તેનો સ્વભાવ કેવો હોવો જોઈએ, તે શાંત હોવો જોઈએ, ધીમેથી બોલે છે? કે પછી ઉત્સાહી અથવા એક પ્રેરણાદાયક સાથી જે પ્રેરણા આપે છે? જો યુઝર ઇચ્છો તો તેને સ્ટડિ પાર્ટનર પણ બનાવી શકશે જે અભ્યાસમાં મદદ કરે છે અથવા એક કોચ જે યુઝરને દિવસના આયોજનમાં માર્ગદર્શન આપી શકે. યુઝર્સ તેને એક ચહેરો, અવતાર પણ આપી શકશે જેને જાતે પસંદ કરી શકાશે અથવા તેને AIની મદદ વડે બનાવી શકાશે. આનો અર્થ એ છે કે હવે યુઝર્સ પાસે 24 કલાક તેમની પસંદગીનો 'વર્ચ્યુઅલ મિત્ર' હશે.

 

આ સુવિધાનું નામ "Create an AI" છે જે હાલમાં કેટલાક Android વપરાશકર્તાઓને બીટા વર્ઝનમાં ટ્રાઇ કરવાની તક મળી છે. આવનારા સમયમાં, તે દરેક યુઝર માટે ઉપલબ્ધ થશે. આ ટૂલમાં, યુઝર 1,000 અક્ષરો સુધીનું વર્ણન આપી શકે છે કે તેની પાસે કયા પ્રકારનું AI હોવું જોઈએ. જેમ કે યુઝરના પર્સનલ AIની ભૂમિકા શું હોવી જોઈએ, તેણે કયા સ્વરમાં વાત કરવી જોઈએ અને તેનો હેતુ શું હોવો જોઈએ. મેટા તેમાં કેટલાક પ્રિ-સેટ ટેમ્પ્લેટ્સ પણ પ્રદાન કરશે, જેમ કે “મિત્ર”, “ગાઈડ”, “કોચ” અથવા “મેન્ટર”, જે યુઝર્સ માટે ચેટબોટ બનાવવાનું વધુ સરળ બનાવશે.

 

 

એકવાર આ ડિજિટલ મિત્ર તૈયાર થઈ જાય, પછી યુઝર તેને ફક્ત પોતાની ચેટમાં રાખી શકે છે અથવા તેને ઇચ્છા અનુસાર અન્ય લોકો સાથે શેર પણ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો યુઝરને AI ચેટબોટ કોઈ ભાષા શીખવામાં મદદ કરે છે, તો તેને સ્ટડિ ગ્રુપમાં મોકલી શકાય છે. બીજી બાજુ, જો AI મિત્ર કોઈ વ્યક્તિગત સાથી છે જે યુઝરની લાગણીઓને સમજે છે, તો યુઝર તેને ફક્ત પોતાની માટે જ રાખી શકે છે.

 

 

જોકે મેટાએ હજુ સુધી આ ફીચર લોન્ચની તારીખ જાહેર કરી નથી, પરંતુ અહેવાલો અનુસાર, તે આગામી અઠવાડિયામાં વધુ લોકો માટે ઉપલબ્ધ થઈ શકે છે. એકલતા એક સામાન્ય લાગણી છે, પરંતુ ટેકનોલોજી હવે આમાં પણ તમને મદદ કરવા માટે તૈયાર છે. વોટ્સએપનું આ નવું ફીચર ફક્ત ટેકનોલોજીને લોકોન નજીક નહીં લાવે, પરંતુ લોકોના માનસિક સ્વાસ્થ્ય અને ઉત્પાદકતામાં પણ મદદરૂપ થઈ શકે છે

 

(12:18 PM IST)