News of Friday, 6th June 2025
26/11 મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા : દિલ્હી કોર્ટે ન્યાયિક કસ્ટડી 9 જુલાઈ સુધી લંબાવી : ખરાબ સ્વાસ્થ્યને લઈ તિહાર જેલ પાસે રિપોર્ટ માંગ્યો
મુખ્ય કાવતરાખોર ડેવિડ હેડલીનો નિકટનો સાથી રાણા એપ્રિલમાં અમેરિકાથી પ્રત્યાર્પણ હેઠળ ભારત લવાયો હતો : 166 લોકોના જીવ લેનારા 2008ના ભયાનક હુમલાનો કેસ ફરી ચર્ચામાં

નવી દિલ્હી, [જૂન ૬, ૨૦૨૫]: 26/11 મુંબઈ હુમલાના મુખ્ય આરોપીઓ પૈકીના એક તહવ્વુર હુસૈન રાણાની ન્યાયિક કસ્ટડી દિલ્હીની એક કોર્ટે શુક્રવારે 9 જુલાઈ સુધી લંબાવી છે. અગાઉ આપવામાં આવેલી ન્યાયિક કસ્ટડીની મુદત પૂરી થતાં, રાણાને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે સ્પેશિયલ જજ ચંદર જીત સિંહે આ આદેશ આપ્યો હતો. દરમિયાન, રાણાના વકીલે તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતાં, ન્યાયાધીશે 9 જૂન સુધીમાં તિહાર જેલ પાસેથી રાણાના સ્વાસ્થ્ય અંગેનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે, જે આ હાઈ-પ્રોફાઈલ કેસમાં નવો વળાંક દર્શાવે છે.
અમેરિકાથી પ્રત્યાર્પણ અને કેસની પૃષ્ઠભૂમિ
26/11ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોર ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીના નજીકના સાથી તહવ્વુર રાણાને આ વર્ષે એપ્રિલમાં અમેરિકાથી પ્રત્યાર્પણ હેઠળ ભારત લાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે 4 એપ્રિલ, 2025 ના રોજ ભારત પ્રત્યાર્પણ સામેની તેમની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી, જેના બાદ તેનો ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો બન્યો હતો. કોર્ટે ગયા મહિને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા.
મુંબઈ હુમલાનો ભયાનક ઈતિહાસ
નોંધનીય છે કે, 26 નવેમ્બર, 2008 ના રોજ, 10 પાકિસ્તાની આતંકવાદીઓના એક જૂથે દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ કરીને શહેરના રેલ્વે સ્ટેશન, બે લક્ઝરી હોટલ અને એક યહૂદી કેન્દ્ર સહિત અનેક સ્થળોને નિશાન બનાવ્યા હતા. લગભગ 60 કલાક સુધી ચાલેલા આ ભયાનક હુમલામાં 166 નિર્દોષ લોકો માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા. આ હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું અને ભારતની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા. તહવ્વુર રાણા જેવા આરોપીઓની ધરપકડ અને તેમના પર ચાલતી કાયદાકીય કાર્યવાહી ન્યાયની સ્થાપના માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તિહાર જેલના સ્વાસ્થ્ય રિપોર્ટ બાદ આ કેસમાં વધુ શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
