News of Friday, 6th June 2025
ગુજરાતના સૌથી મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ : ૬ મહિનામાં રૂ. ૧૪૪૫ કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સથી પોલીસ પણ ચોંકી ઉઠી! મુખ્ય ભેજાબાજો હાથવેતમાં!
કીરાટ જાદવાણી, મિત ખોખર અને મયુર ઇટાલિયા સહિતના આરોપીઓની ધરપકડ : લોન આપવાના બહાને ડોક્યુમેન્ટ મેળવી બેનામી બેંક એકાઉન્ટ ખોલાવી કરોડોનું કૌભાંડ : RBL બેંકના ૮૯ ખાતા સામેલ : દેશવ્યાપી કનેક્શન ખુલતા ખળભળાટ

સુરત, ૬ જૂન: ગુજરાતમાં સાયબર ફ્રોડની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે, પરંતુ સુરત પોલીસે તાજેતરમાં એક એવા મહાકૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેને પગલે પોલીસતંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું છે. પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં ૧૬૪ બેંક એકાઉન્ટ મળી આવ્યા છે, જેમાંથી માત્ર ૬ મહિનાના ટૂંકા ગાળામાં ૮૯ બેંક એકાઉન્ટ દ્વારા કુલ રૂપિયા ૧૪૪૫ કરોડના શંકાસ્પદ વ્યવહારો થયાનું સામે આવ્યું છે. આ ૮૯ ખાતા પૈકી મોટાભાગના, એટલે કે ૮૯ એકાઉન્ટ RBL બેંક ના હોવાનું બહાર આવ્યું છે, જ્યારે અન્ય ૭૫ બેંક એકાઉન્ટની ઝીણવટભરી તપાસ હજુ ચાલુ છે.
કૌભાંડનો ભાંડાફોડ કેવી રીતે થયો?
આ ચોંકાવનારો ભાંડાફોડ સુરત પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન થયો હતો. એક મોપેડને રોકવામાં આવતા તેની તપાસ કરતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ભેજાબાજો લોકોને બેંક લોન આપવાના બહાને તેમના જરૂરી દસ્તાવેજો (ડોક્યુમેન્ટ્સ) મેળવી લેતા હતા. બાદમાં, લોકોને જાણ કર્યા વિના અથવા તો બેંક એકાઉન્ટ નહીં ખુલે તેવું કહીને તેમના નામે ગુપ્ત રીતે બેંક ખાતા ખોલાવી નાખતા હતા. એકવાર ખાતા ખુલી જાય પછી, બેંક એકાઉન્ટ ધારકની જાણ બહાર, આ ખાતાઓમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા.
ગુજરાતથી દેશવ્યાપી કૌભાંડના તાર:
આ કૌભાંડ માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, પરંતુ તેના તાર દેશવ્યાપી હોવાનું પણ સામે આવ્યું છે. આ કેસમાં સુરત પોલીસે અત્યાર સુધીમાં કીરાટ જાદવાણી, મિત ખોખર અને મયુર ઇટાલિયા સહિતના આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, દિવ્યેશ વિનીત અને 'રિચ પે આઈડી ધારક' નામના આરોપીઓ આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર હોવાનું અને તેઓ હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાનું મનાય છે.
હાલ, સુરતની ઉધના પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે, અને પોલીસ સૂત્રો દ્વારા એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ તપાસમાં હજુ પણ અનેક મોટા ખુલાસા થઈ શકે છે, જે આ સાયબર ફ્રોડની વ્યાપકતા અને જટિલતાને વધુ સ્પષ્ટ કરશે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
