News of Friday, 6th June 2025
અટકળો નો અંત : વડાપ્રધાન મોદી G7 સમિટમાં હાજરી આપશે : કેનેડાના PM માર્ક કાર્નીએ ફોન પર આમંત્રણ આપ્યું : ભારતે સંબંધોમાં નવી ઊર્જાની આશા વ્યક્ત કરી
આલ્બર્ટાના કનાનાસ્કિસ ખાતે ૧૫-૧૭ જૂનના રોજ યોજાશે G7 સમિટ : PM મોદીએ કાર્નીને તાજેતરની ચૂંટણી જીત બદલ અભિનંદન પાઠવ્યા : પરસ્પર સન્માન અને સહિયારા હિતો પર ભાર મૂક્યો

નવી દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી કે તેઓ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથે ટેલિફોનિક વાતચીત બાદ આ મહિને યોજાનારી G7 સમિટમાં ભાગ લેશે. કેનેડા દ્વારા આયોજિત આ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય શિખર સંમેલન આલ્બર્ટાના કનાનાસ્કિસ રિસોર્ટમાં ૧૫ થી ૧૭ જૂન દરમિયાન યોજાવા જઈ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ કરીને માહિતી આપી હતી. તેમણે લખ્યું, "કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીનો ફોન આવતા મને ખુશી થઈ. તેમને તાજેતરની ચૂંટણી જીત બદલ અભિનંદન પાઠવ્યા અને આ મહિનાના અંતમાં કનાનાસ્કિસમાં યોજાનારી G7 સમિટ માટેના આમંત્રણ બદલ તેમનો આભાર માન્યો."
વડાપ્રધાન મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, "પરસ્પર સન્માન અને સહિયારા હિતો દ્વારા બંધાયેલા ગતિશીલ લોકશાહી દેશો તરીકે, ભારત અને કેનેડા નવી ઊર્જા સાથે મળીને કામ કરશે. સમિટમાં અમારી મુલાકાતની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું."
કેનેડા સરકાર, જેનું નેતૃત્વ વડાપ્રધાન માર્ક કાર્ની કરી રહ્યા છે, તે આ વર્ષની G7 સમિટની યજમાની કરી રહી છે. આ સમિટ વૈશ્વિક આર્થિક સ્થિતિ, ભૂ-રાજકીય પડકારો અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વિશ્વના સાત મોટા અર્થતંત્રોના નેતાઓને એક મંચ પર લાવશે. વડાપ્રધાન મોદીની આ સમિટમાં હાજરી ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની સાથે, વૈશ્વિક મુદ્દાઓ પર ભારતના પ્રભાવને પણ વધુ દૃઢ બનાવશે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
