News of Friday, 6th June 2025
ડેવિડ બેકહામને 'સર'નો ખિતાબ મળશે : કિંગ ચાર્લ્સ III દ્વારા ફૂટબોલ અને સેવાકાર્ય બદલ નાઈટહૂડથી સન્માનિત કરાશે!
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનનું નામ કિંગના બર્થડે ઓનર્સ લિસ્ટમાં સામેલ : ૨૦૦૫થી યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર : ટેક્સ વિવાદના પડછાયા બાદ આખરે બ્રિટિશ સન્માનનો તાજ

લંડન : બ્રિટિશ ફૂટબોલ જગતના દિગ્ગજ અને વૈશ્વિક આઇકન ડેવિડ બેકહામને હવે સત્તાવાર રીતે 'સર'ના ખિતાબથી નવાજવામાં આવશે. તેમના શાનદાર ફૂટબોલ કારકિર્દી અને માનવતાવાદી ચેરિટી કાર્યને બિરદાવતા, આગામી સપ્તાહે કિંગ ચાર્લ્સ III દ્વારા તેમને પ્રતિષ્ઠિત નાઈટહૂડ (Knightood) એનાયત કરવામાં આવશે, તેવી જાહેરાત શુક્રવારે કરવામાં આવી હતી. આ સમાચારથી તેમના ચાહકોમાં અને રમતગમત જગતમાં ખુશીનો માહોલ છે.
કિંગના બર્થડે ઓનર્સ લિસ્ટમાં નામ:
રિપોર્ટ્સ અનુસાર, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ફૂટબોલ કેપ્ટનનું નામ કિંગ્સ બર્થડે ઓનર્સ લિસ્ટમાં સામેલ થવાનું છે. આ ખિતાબ મળ્યા બાદ ડેવિડ બેકહામ 'સર ડેવિડ બેકહામ' તરીકે ઓળખાશે, અને તેમની પત્ની વિક્ટોરિયા, જે ભૂતપૂર્વ સ્પાઇસ ગર્લ્સ પોપ ગ્રુપના સભ્ય છે, તેમને 'લેડી બેકહામ' તરીકે ઓળખવામાં આવશે. અગાઉ, માન્ચેસ્ટર યુનાઇટેડ ખાતે બેકહામના ભૂતપૂર્વ મેનેજર એલેક્સ ફર્ગ્યુસન અને બ્રિટિશ ટેનિસ મહાન એન્ડી મુરે જેવા રમતગમતના મહાનુભાવોને પણ આ ખિતાબ મળી ચૂક્યો છે.
ફૂટબોલ અને સમાજ સેવાનું સમન્વય:
૫૦ વર્ષીય ડેવિડ બેકહામ ઇંગ્લેન્ડ માટે ૧૧૫ આંતરરાષ્ટ્રીય મેચો રમ્યા છે, તેમજ માન્ચેસ્ટર યુનાઇટેડ અને રીઅલ મેડ્રિડ જેવી હાઇ-પ્રોફાઇલ ક્લબ્સ માટે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. હાલમાં તેઓ યુએસ ટીમ ઇન્ટર મિયામીના પ્રમુખ અને સહ-માલિક છે, અને સેલ્ફોર્ડ સિટીના પણ સહ-માલિક છે.
બેકહામની નાઈટહૂડ માટેની લાંબા સમયની દોડ હતી. તેમને ૨૦૦૩ માં ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (OBE) ના અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા - જે બ્રિટનની ઓનર્સ સિસ્ટમમાં એક નીચો એવોર્ડ છે. તેમની પત્ની વિક્ટોરિયાને પણ ફેશન ઉદ્યોગમાં સેવાઓ માટે પાછળથી સમાન એવોર્ડ મળ્યો હતો.
આ નાઈટહૂડ ફક્ત તેમની રમતગમતની સિદ્ધિઓ માટે જ નથી, પરંતુ તેમના નોંધપાત્ર ચેરિટી કાર્યને પણ માન્યતા આપે છે. ડેવિડ બેકહામ ૨૦૦૫ થી યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર તરીકે કાર્યરત છે, અને ગયા મહિને ટાઇમ મેગેઝિનના પરોપકારના ૧૦૦ સૌથી પ્રભાવશાળી નેતાઓની યાદીમાં તેમનું નામ સામેલ કરાયું હતું. તેઓ ધ કિંગ્સ ફાઉન્ડેશનના સત્તાવાર રાજદૂત પણ છે, જે શિક્ષણ કાર્યક્રમો અને "યુવાનોને પ્રકૃતિની વધુ સારી સમજ મળે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો" ને સમર્થન આપે છે.
લાંબા સમયથી પ્રતીક્ષા અને ભૂતકાળનો વિવાદ:
૨૦૧૨ના ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે લંડનને જીતવામાં મદદ કર્યા પછી બેકહામ નાઈટહૂડ મેળવવાની અણી પર હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ અગાઉના અહેવાલો અનુસાર, યુકેના અધિકારીઓએ કથિત કર ટાળવાની યોજનામાં તેમની સંડોવણીને કારણે તેમના નામાંકન પર લાલ ઝ્વજ મૂક્યો હતો. જોકે, ત્યારબાદ તેમને આ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, અને હવે આખરે તેમને બ્રિટિશ સન્માનનો સર્વોચ્ચ ખિતાબ એનાયત થવા જઈ રહ્યો છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
