<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

કાશ્મીર ખીણમાં સલામત સફરનું નવું પ્રકરણ : કટરાથી શ્રીનગર સુધી વંદે ભારત દોડી : અભેદ્ય સુરક્ષા કવચ તૈનાત

આતંકના ઓથાર હેઠળ ધબકતા ખીણમાં શાંતિ અને પ્રગતિની આશાનું કિરણ : રેલવે પ્રોટેક્શન ફોર્સના કમાન્ડો ચોવીસ કલાક કરશે ટ્રેનની સુરક્ષા : ૭ જૂનથી ટિકિટ બુકિંગ શરૂ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના ઇતિહાસમાં આજે સુવર્ણ અક્ષરોમાં અંકિત થવા જેવો દિવસ છે. વર્ષોથી જોયેલું એક સ્વપ્ન આજે સાકાર થયું છે – વંદે ભારત એક્સપ્રેસ હવે કટરાથી શ્રીનગર સુધી દોડશે. આ સાથે જ, સમગ્ર ભારત એક રેલવે લાઇનથી જોડાઈ જશે, જ્યાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીની મુસાફરી હવે શક્ય બનશે. જો કે, સંવેદનશીલ ક્ષેત્ર હોવાથી મુસાફરોની સુરક્ષાને લઈને મનમાં સવાલ ઉઠે તે સ્વાભાવિક છે, પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ વંદે ભારત ટ્રેનને એક અભેદ્ય કિલ્લાની જેમ સુરક્ષિત કરવામાં આવી છે.
ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ્વે લાઇન, જે અનેક પડકારોને પાર કરીને તૈયાર થઈ છે, તેના પર દોડનારી આ અત્યાધુનિક ટ્રેનની સુરક્ષાની જવાબદારી રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના વિશેષ કમાન્ડો યુનિટ – CORAS (Commando for Railway Security) ના જવાનો સંભાળશે. આ કમાન્ડો આધુનિક હથિયારો અને બુલેટ પ્રૂફ જેકેટથી સજ્જ હશે, જે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેશે.
ટ્રેનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન કમાન્ડોની હાજરી સ્પષ્ટપણે જોવા મળી હતી, જે સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતા દર્શાવે છે. અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે દરેક વંદે ભારત ટ્રેનમાં ૧૫ જેટલા તાલીમબદ્ધ કમાન્ડો અને એક ઓબ્ઝર્વર તૈનાત કરવામાં આવશે. આ ટીમ ટ્રેનની મુસાફરી દરમિયાન સતત પેટ્રોલિંગ કરશે અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખશે, જેથી મુસાફરોની સલામતી સંપૂર્ણપણે સુનિશ્ચિત કરી શકાય. આ વિશેષ સુરક્ષા એકમો કાશ્મીર ખીણના સંવેદનશીલ બડગામ વિસ્તાર અને રિયાસી જિલ્લાના કટરા ખાતે પોતાની ફરજ બજાવશે.
જમ્મુ અને કાશ્મીરમાં, ખાસ કરીને નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં અત્યંત જોખમી સુરક્ષા કામગીરીનો બહોળો અનુભવ ધરાવતી CORAS ટીમની રેલવે સુરક્ષામાં આ પ્રથમ મોટી તૈનાતી છે. આ નિર્ણય સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન થયા બાદ, હવે સામાન્ય નાગરિકો પણ આ ટ્રેનમાં મુસાફરીનો લાભ લઈ શકશે. ૭ જૂનથી IRCTC ની વેબસાઈટ અને અન્ય પ્લેટફોર્મ પર ટિકિટ બુકિંગ શરૂ થઈ જશે. રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે શરૂઆતમાં આ ટ્રેનો શ્રી માતા વૈષ્ણો દેવી કટરા અને શ્રીનગર વચ્ચે દોડશે. હાલમાં જમ્મુ તાવી સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકાસ કાર્ય ચાલી રહ્યું હોવાથી આ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેનો અઠવાડિયામાં છ દિવસ દોડશે અને મંગળવારનો દિવસ ટ્રેનની જાળવણી માટે રાખવામાં આવ્યો છે.
આ અત્યાધુનિક ટ્રેનો માત્ર પોતાની ઝડપ માટે જ જાણીતી નથી, પરંતુ તે કાશ્મીરના પડકારજનક વાતાવરણને ધ્યાનમાં રાખીને પણ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના કટરા અને શ્રીનગર વચ્ચેની આ મહત્વકાંક્ષી વંદે ભારત ટ્રેન સેવાનો શુભારંભ કરાવ્યો હતો, જે ખીણના વિકાસ અને જોડાણની દિશામાં એક મોટું પગલું છે. કમાન્ડોની સુરક્ષા સાથે, હવે મુસાફરો પણ નિર્ભય બનીને આ ઐતિહાસિક સફરનો આનંદ માણી શકશે.

 

(10:21 PM IST)