<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

કશ્‍મીરના લોકો માને છે અમારૂ જીવન ભારતમાં જ સંભવ : સંજય ભાવસાર

સુંદર દુનિયા બનાવવા માટે, સુંદર જીવન જીવતા, સુંદર મથામણનું નામ એટલે ‘વિશ્વગ્રામ' * મહાત્‍મા ગાંધી, વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણના સિદ્ધાંતો ઉપર વિશ્વગ્રામ કામ કરી રહ્યું છે. * કશ્‍મીરની ઇકોસિસ્‍ટમમાં ભૂતાન ટુરિઝમનું મોડલ જો અપનાવાય તો ટુરિઝમ એક મોટી સંભાવના છે. * ૨૦૧૭ થી સ્‍નેહ સંગીત યાત્રા ગુલઝર અહેમદ ગનાઈ સાથે લગભગ આપણે ૪૮ જેટલા કાર્યક્રમો કર્યા. બહુ જ પ્રેમનો સંદેશો સંગીત દ્વારા આપીએ છીએ. * ઓપરેશન સિંદૂર ઉરીમાં લગભગ ૫૦૦ થી પણ વધારે ઘરો ડેમેજ થયા છે. ત્‍યારે વિશ્વગ્રામ ૧૨૦ જેટલા પરિવારોને રાશન આપશે જયારે સરહદી વિસ્‍તારની સ્‍કૂલોમાં બાળકોને સ્‍પોર્ટસ કીટ આપશે. * નવી ભાષા આપણે શીખતા નથી એટલે લોકો પુસ્‍તકોથી કદાચ દૂર થઈ રહ્યા છે.

રાજકોટ, તા.૩૦ : તાજેતરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને વિશ્વગ્રામ સંસ્‍થાના સંજયભાઈ ભાવસાર સાથેના સંવાદનો પોડકાસ્‍ટ રજુ થયો હતો. સંજયભાઇનો રસનો વિષય કાશ્‍મીર હોય એ સંદર્ભે વાતચીતની આપલે સાથે સંવાદ યોજાયો હતો અને સંજયભાઇ ભાવસાર વિશ્વગ્રામ હેઠળ જે પ્રવૃતિઓ કરે છે તેના વિશે અકિલાના વાંચકો અને શ્રોતા મિત્રો સાથે તેમના અત્‍યાર સુધીના અનુભવો જાણ્‍યા હતા. સંજયભાઇના પત્‍નિ તુલાબેન મૂળ રાજકોટના છે એટલે સંજયભાઇ રાજકોટના જમાઈ પણ થાય છે. તેઓએ વિશ્વગ્રામની સ્‍થાપના કરી છે. શિક્ષકો, ડોક્‍ટરો, સામાજિક કાર્યકરો સહિતના ક્ષેત્રોના સ્‍વયંસેવકોનું એક ગ્રુપ છે જે આખું વિશ્વગ્રામ સાથે જોડાયેલું છે. ત્રણ દાયકાથી તેઓ કાર્યરત છે. બધા સ્‍વૈચ્‍છિક રીતે જોડાયા છે. મહાત્‍મા ગાંધી, વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણના સિદ્ધાંતો ઉપર વિશ્વગ્રામ કામ કરી રહ્યું છે. તમામ માનવ બંધુઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં સાથે મળીને જીવે તેમ તેઓ માને છે. રાહત, પુનઃનિવાસ, કોમી એખાલસ, યુવા વિકાસ, બાળકો માટે સાર્જનાત્‍મક પ્રવૃત્તિ સહિત વિવિધ ક્ષેત્ર સાથે તેઓ સંકળાયેલા છે. ૨૦૦૧ ના કચ્‍છ ભૂકંપમાં અને ૨૦૦૨ ના કોમી સંઘર્ષમાં ગુજરાતમાં તેમણે સક્રિય સેવા આપેલ. તામિલનાડુ સુનામી, કેદારનાથ પૂર હોનારત, નેપાળ ભૂકંપ અને આસામના તોફાનો દરમિયાન પણ તેમના સ્‍વયંસેવકોની ફોજે ખૂબ સારી સેવાઓ આપી હતી. જમ્‍મુ કાશ્‍મીરના ઉરી, બારામુલ્લા અનંતનાગ અને ડોડા જે ખૂબ સંદ્યર્ષગ્રસ્‍ત વિસ્‍તારો છે આ બધા વિસ્‍તારોમાં વિશ્વગ્રામના સ્‍વયંસેવકો અહીં કામ કરી રહ્યા. મણિપુરની અશાંત સ્‍થિતિમાં રાહત કાર્યો સાથે તેઓ જોડાયેલા છે.

 વિશ્વગ્રામ સંસ્‍થાની રચના સ્‍થાપના પાછળની શું પ્રેરણા હતી? સંયજભાઇ ભાવસારે જણાવ્‍યું હતું કે, મને લાગે છે કે વિશ્વગ્રામ આમ જુઓ તો હું, મારા પત્‍નિ તુલા અને અમારા થોડાક વિશ્વગ્રામના સાથીઓનો એક પ્રેમપૂર્વકનો નાનો પ્રયાસ છે. અમે દ્યણીવાર કહીએ કે એક સુંદર દુનિયા બનાવવા માટેનું સુંદર જીવન જીવતા એક સુંદર મથામણ એનું નામ વિશ્વગ્રામ. બેઝિકલી જયારે હું એલડી એન્‍જિનિયરિંગમાં અભ્‍યાસ કરતો હતો ત્‍યારે વિમલાતાઈ ઠક્કરની શિબિરોમાં જવાનું થયું. તુલા પણ મને ત્‍યાં જ મળી. અમે એકબીજાને મળ્‍યા અને બહુ જ ઓર્ગેનિકલી અમે લોકોએ સંકલ્‍પ કર્યો કે જીવન કેવી રીતે જીવવું છે. અને એમાં લાગેલું કે શહેરમાં રહેવા નથી જવું ગામડામાં રહેવા જવું છે. અર્થ ઉપાર્જનની કોઈ જ પ્રવૃત્તિ નથી કરવી. પૂરે પૂરું લોકાધારિત રહી અને કામ કરવું છે. અને એ રીતે ૧૯૯૩ માં વિમલાતાઈએ અમને એક તોરણ આપેલું અને કહેલું કે રામનવમીના દિવસે જયાં તમે રહેવા જાવ એ ગામમાં એ ઘરમાં તોરણ બાંધજો અને તમારા કામની શરૂઆત કરજો. એ રીતે આખા કામની શરૂઆત થઈ.

મહાત્‍મા ગાંધી, વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણના સિદ્ધાંતોને તમે કઈ રીતે તમારા કાર્યમાં સમાવ્‍યા? સંજયભાઇએ કહ્યું કે, જેમ જેમ વિશ્વગ્રામનું કામ આગળ ચાલતું જાય છે અને ગાંધીજીને હું જેમ જેમ સમજતો જઉં છું એમ મને લાગે છે કે ગાંધીજીની આખી દુનિયાને ગરજ છે. આ બહુ જ વિચારીને શબ્‍દ વાપરૂં છું. જો પ્રેમથી, શાંતિથી, સહયોગથી આખી દુનિયાને જીવવું હશે તો ગાંધી પાસે ગયા વિના કોઈ છૂટકો જ નથી. કાશ્‍મીરનું કામ જયારે શરૂ કરવાનું હતું ત્‍યારે અનફોર્ચ્‍યુનેટલી ગુજરાતમાં એવા ખાસ કોઈ લોકો મને મળ્‍યા નહી કે જેની પાસે જઈને હું કાશ્‍મીરના કામ વિશે માર્ગદર્શન લઈ શકું. મને બરોબર યાદ છે કે ૨૦૧૬ માં દિલ્‍હી જવું પડ્‍યું અને ગાંધીપીસ ફાઉન્‍ડેશનમાં કુમાર પ્રશાંતના ત્‍યાં થોડાક વરિષ્‍ઠો, વડીલોને બોલાવેલા જેમાં કુમાર પ્રશાંત, આરીફ મહમદ ખાન, નાસીરા શર્મા, દિલીપ સિમિયનને મળ્‍યો. એ વખતે કુલદીપ નાયર અને ખાસ કરીને ડોક્‍ટર કરણસિંહ એમને હું દ્યરે મળ્‍યો અને પછી મેં વાંચવાનું શરૂ કર્યું. એટલે કાશ્‍મીરનો ઇતિહાસ, કશ્‍મીરનું રાજકારણ, કશ્‍મીરની સંસ્‍કૃતિ, ત્‍યાનું સમાજજીવન આ બધું વાંચતા વાંચતા મારા હાથમાં વિનોબાજીનું એક પુસ્‍તક આવ્‍યું ‘મહોબ્‍બત કા પેગામ'. જયારે વિનોબાજી કાશ્‍મીર ગયેલા અને ત્‍યાના લોકો સાથે જે સંવાદ થયો એનું આ પુસ્‍તક છે. એનું ગુજરાતી પણ આપણે લોકોએ બે વર્ષ પહેલા અનુવાદ કરાવ્‍યો. એ પુસ્‍તકમાં વિનોબાજી વારંવાર એક વાત કરતા હતા જે મને લાગે છે આજે આખા દેશ અને દુનિયા માટે બહુ જરૂરી છે. એ વારંવાર કહેતા હતા કે આપકા ધર્મ ક્‍યા હૈ વો મેં જાનના નહી ચાહતા હું, આપકા વિચાર ક્‍યા હે વો ભી મે જાનના નહિ ચાહતા હું.. લેકિન આપકો તકલીફ ક્‍યા હે, આપકો દુઃખ ક્‍યા હે, આપકો દર્દ ક્‍યા હે વો મેં જાનના ચાહતા હું, વો મે સમજના ચાહતા હું ઓર હો સકે તો વો કમ કરને મે સહયોગ કરના ચાહતા હું. મને લાગે છે કે આજે આખી દુનિયાના જે સવાલો છે એ જો વિનોબાજીની વાતમાં છે. આપણે તો કાશ્‍મીરના કામ નો મંત્ર બનાવ્‍યો છે અને એ રીતે આપણે લોકો ત્‍યાં પણ કામ કરી રહ્યા છીએ એટલે બહુ જ ઊંડી અસર હું મારા કામ પર અને મારા વ્‍યક્‍તિગત જીવનમાં ગાંધીજી, વિનોબાજીની ખાસ વિશેષ જોઈ શકું છું.

 કાશ્‍મીર આટલી બધી વખત તમે જાઓ છો ત્‍યાં ગયા છો. ત્‍યાં સરહદી વિસ્‍તારોમાં કામ કર્યું તો ત્‍યાં નોંધનીય શું લાગે છે? લોકોનું ખરેખર માનસ કેવું છે? ભારત તરફ જોડાયેલું છે અથવા ભારતથી વિમુખ લાગ્‍યું? આમાં તમારો અનુભવ શું કહે છે? તમારા પ્રયાસો ક્‍યાં સુધી આમાં સફળ રહેશે? સંજયભાઇએ જણાવ્‍યું કે, આપે જે કહ્યું હું માનું છું કે કદાચ ૧૯૮૦ ના દિવસો એવા હશે જયારે કશ્‍મીરનું લોકમાનસ કદાચ અલગ રીતે વિચારતું હશે. પણ છેલ્લા વર્ષોમાં અને ખાસ કરીને અમે જયારથી જઈએ છીએ ત્‍યારથી હું અનુભવ કરું છું કે ત્‍યાના લોકોમાં એક પ્રકારની શાર્પનેસ છે. પાકિસ્‍તાન એક ફેલ્‍યુર સ્‍ટેટ તરીકે લાંબા સમયથી એસ્‍ટાબ્‍લિશ થઈ ગયું છે. આપણો દેશ લોકશાહી, બધાને સમાવી શકે એવી સંભાવનાઓથી ભરેલો દેશ છે ત્‍યારે એ લોકોને પણ એક પાક્કો એહસાસ છે કે અમારું જોડાણ અથવા તો અમારું જીવન એ ભારત દેશના લોકો સાથે જ સંભવ છે અને એ લોકો પણ તૈયાર છે. મને એમ છે કે આપણે બધાએ પણ થોડાક મોટા દિલથી એમની પાસે જવાની જરૂર છે. એ બધાને મળવાની જરૂર છે. એટલે હું પૂરી સંભાવનાઓ જોવું છું અને કાશ્‍મીરના લોકો રાહ જોઈને બેઠા છે. એ અનુભવ અમારો આટલા વર્ષોના નવ એક વર્ષના પ્રત્‍યક્ષ કામોનો પણ છે.

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ સંજયભાઇને જણાવેલું કે, હું કશ્‍મીરના થોડા ગામડાઓમાં ફર્યો છું. ત્‍યાં અનેક યુવાનોને પણ મળ્‍યો તો મને એવું લાગે છે કે જે રીતે પ્રિવિયસ ગવર્મેન્‍ટ અને આ ગવર્મેન્‍ટ કરોડો અબજો રૂપિયા વિકાસ માટે આપે છે પણ લોકો સુધી નથી પહોંચતા. બેરોજગારી એટલી પ્રચંડ છે કે તમે કલ્‍પના ન કરી શકો. હું કાશ્‍મીરના બારામુલ્લા વિસ્‍તારમાં જ એક ગામમાં ગયો હતો. અમે ત્‍યાની એક દીકરી જે એમએ પાસ છે, તે એક સ્‍કૂલની અંદર પાંચ હજાર રૂપિયામાં નોકરી કરે છે. એ કેવી રીતે સરવાઈવ થાય? નોકરી ક્‍યાંય મળતી નથી. મોટા નેતાઓ છે એ લગભગ બધું હજમ કરી જતા હોય છે પણ તમને આવું લાગે છે ખરું કે લોકો સુધી પહોંચતું નહી હોય? નહી તો આટલા અરબો ખરબો રૂપિયા તો અત્‍યાર સુધી અપાણા છે તે વિકાસ માટે ગયા ક્‍યાં? કોઈને ખબર નથી. સંજયભાઇએ કહ્યું કે, મને એમ લાગે છે કે કશ્‍મીરનું જે ડેવલપમેન્‍ટ કરવું જોઈએ એમાં ક્‍યાંક ભૂતાનનું જો મોડેલ આપણે અપનાવી શકીએ તો એને લઈને એક સર્વે કરવાનું પણ ઈચ્‍છું છું કે એક આખી ઇકોસિસ્‍ટમ જે કશ્‍મીરની છે એ ઇકોસિસ્‍ટમમાં ભૂતાનનું જો ટુરિઝમનું જે મોડલ છે એ ટુરિઝમ એક મોટી સંભાવના છે. હજી કાશ્‍મીરમાં પ્રમાણમાં શરૂઆતનો તબક્કો છે હું એવું માનું છું.

 કાશ્‍મીર અમુક સ્‍પોટ પર પ્રદૂષણો વધી ગયા છે. લોકોએ હોટલો ગમે ત્‍યાં ખડકી દીધી છે. એમ થાય કે આ કાશ્‍મીરનો સત્‍યનાશ કાઢી નાખ્‍યો છે. હજી આશા છે હું માનું છું કે કાશ્‍મીરમાં રોજગારી ઊભી કરવી એ એક જ પ્રશ્ન છે રોજગારી હલ થાય એટલે ત્‍યાં બધું શાંતિ છે. સંજયભાઇ કહે છે, મને લાગે છે જેટલું આપણે આદાન પ્રદાન વધારી શકીશું, પરસ્‍પરની ગેર સમજો દ્યણી બધી છે તે દુર કરીશુ તો દરેક સરકારનું પોતાનું કામ કરવાની પદ્ધતિ હોય પોતાનો રોલ હોય પણ આપણો રોલ શું થાય છે? કમ નસીબે આજના સમયમાં પ્રશ્નના પક્ષે ઊભા રહેનારા લોકો ખૂબ વધી રહ્યા છે જયારે ઉત્તરના પક્ષે ઊભા રહેનારા લોકો ખૂબ ઓછા થઈ રહ્યા છે. ત્‍યારે આપણા બધાનું કામ એ છે અને વધુને વધુ મિત્રો ઉત્તરના પક્ષે ઊભા રહે તો હું માનું છું કે આ એક રસ્‍તો છે કે જેમાં પીપલ ટુ પીપલ કોન્‍ટેક્‍ટ એસ્‍ટાબ્‍લિશ ત્‍યાં થઈ શકે અને કોઈક રીતે પરસ્‍પરની જે ગેરસમજો છે એ દૂર થાય, પરસ્‍પર પ્રેમ ઊભો થાય અને બહુ સાચો પ્રેમ ઊભો થાય. કશ્‍મીરની મહેમાન નવાજીથી માંડી આપણે કોઈ કલ્‍પના ના કરી શકે એટલું બધું ત્‍યાં વધારે છે. એટલે ક્‍યાંક આ દિશામાં આપણે કામ કરી શકીએ જ અને એમાં જ અમે લોકોએ ટૂલ તરીકે એજયુકેશનનો ઉપયોગ કર્યો. છેલ્લા સાત આઠ વર્ષથી શિક્ષણને માધ્‍યમ બનાવી અને આપણે કાશ્‍મીરના લોકો સાથે આખો ડાયલોગ ઊભો કર્યો છે.

 કચ્‍છ ભૂકંપ, કોમી સંઘર્ષો, તામિલનાડુ સુનામી કેદારનાથપુર, નેપાળ ભૂકંપ આ બધાની અંદર તમને પડકારજનક અનુભવ ક્‍યાં થયો? સંજયભાઇ કહે છે, ૩૨ વર્ષમાં ઈશ્વરની કૃપા અનરાધાર વર્ષી રહી છે. એટલે સાચું કહું ને ખરેખર કોઈ પડકાર મને નથી લાગ્‍યો. આવા સંઘર્ષના ક્ષેત્રોમાં પણ ઘણીવાર ઇશ્વર કામ કરાવવા માંગે છે અને અમે લોકો કરીએ છીએ.

અશાંત વિસ્‍તારોમાં તમે કામ કરવા જાવ છો. તો આમ શું કઈ વ્‍યુ રચનાથી જતા હો છો? કઈ જાતનું કાર્ય કરો છો ત્‍યાં ? કે લોકોને મળી એની સાથે ખાલી વાત કે સંવાદ કરો છો? શું કરો છો? સંજયભાઇ ભાવસારે કહ્યું કે, કાશ્‍મીરનો જો દાખલો ફરીથી આપું તો ૨૦૧૬ ની અંદર પ્રોફેસર ડોક્‍ટર રામજીસિંહ કે જેઓ એમપી પણ બનેલા, બહુ મોટા ફિલોસોફર અને જયપ્રકાશ નારાયણના વરિષ્‍ઠ સાથી. એમના આદેશથી એક વખત આપણી શિબિરમાં આવેલા હતા. ત્‍યારે સાંજે અમે ચાલતા હતા એમની ઉંમર ૯૦ વર્ષની ઉપરની હતી ત્‍યારે મને કહ્યું, સંજય આજ બાપુ હોતે તો કહા હોતે? આજ બાપુ હોતે તો જરૂર વો કશ્‍મીર મે હોતે. ઉમ્ર કે ઇસ મકામ પર મેરા વહાં જાકર કામ કરના સંભવ નહીં. લેકિન મુજે લગતા હે કે આપ લોગ કર સકતે હો. બહુ જ ઓર્ગેનિકલી મારી તુલા સાથે વાત થઈ, વિશ્વગ્રામના મિત્રો સાથે વાત થઈ અને કુદરતી આફતમાં કામ કરવું એક અલગ વસ્‍તુ છે પણ આવા કન્‍ફિ્‌લક્‍ટ એરિયામાં કામ કરવું એ બંનેમાં બહુ મોટું અંતર છે. ત્‍યારે એ ટીમને હું બહુ જ ગંભીરતાપૂર્વક હું કહેતો હોવ છું કે આપણે જે જવાના એને કાશ્‍મીર લઈ જવાની જવાબદારી મારી અને તુલાની પણ પાછા લાવવાની જવાબદારી તો શ્રી રામની.

કશ્‍મીરથી આવીને ગુજરાતના સપ્તકનો જાણીતો અમદાવાદમાં પ્‍લેટફોર્મ અને એ વખતે સપ્તકના મિત્રોએ નક્કી કર્યું કે આ વર્ષે અમેં લોકો કશ્‍મીરી ફોક સિંગરને બોલાવીશું અને પસંદ એમણે કર્યા અને પછી ગુલઝાર અહેમદ ગનાઈ ગાયક પહેલી વખતે ગુજરાત આવ્‍યા. સપ્તકનો એક પ્રોગ્રામ કર્યો. એક પ્રોગ્રામ અમે કર્યો. જયારે એ પ્રોગ્રામ થયો અને એમને જે રીતે આખી વાત સંગીત સાથે મૂકી અને એમાંથી ૨૦૧૭ થી આપણા લોકોની સ્‍નેહ સંગીત યાત્રા ગુલઝર અહેમદ ગનાઈ સાથે શરૂ થઇ લગભગ આપણે ૪૮ જેટલા કાર્યક્રમો કર્યા. બહુ જ પ્રેમનો સંદેશો સંગીત દ્વારા આપીએ છીએ. એટલે આપણે લોકો આવા જુદા જુદા ઘણા માધ્‍યમોનો ઉપયોગ કરી રહ્યા છીએ. જેમાં સંગીત છે, કલા છે. હમણાં અમે લોકોએ ફિલ્‍મ મેકિંગ વર્કશોપ કર્યા. એમાં ઉરીમાં પહેલો ફિલ્‍મ મેકિંગ વર્કશોપ કર્યો ત્‍યારે આઠેક ફિલ્‍મો તૈયાર થઈ. એનું સ્‍ક્રીનિંગ રાખ્‍યું. એક એક મિનિટની ફિલ્‍મ હતી. અને એમાં અમને બધાને જે સૌથી વધારે ફિલ્‍મ ગમી એ ફિલ્‍મની અંદર એ ટીમના લોકોએ સંગીત બિલકુલ નહોતું નાખ્‍યું.અને છતાંય મ્‍યુઝિક હતું પવનનો અવાજ, ઝરણાનો અવાજ, પક્ષીનો અવાજ.. અમે એને પૂછ્‍યું કે તમે આવું કેમ કર્યું? તો એ યુવકનો જવાબ હતો કે સર કશ્‍મીર કી સચ્‍ચી અવાજ હમ પૂરે દેશ ઓર દુનિયા કો સુનાના ચાહતા હે. એટલે આ પ્રકારના પ્રયાસોથી હું જોવું છું કે સંભાવનાઓ ઘણી બધી છે. કાશ્‍મીર આપણું છે એનો અર્થ કે કાશ્‍મીરના લોકો પણ આપણા છે.

 વિશ્વગ્રામની હવે પછીનું શું આયોજન છે? શું પ્રવૃત્તિઓ છે શું કરવા ધારો છો? જવાબ હતો કે, આમ હવે તો લાંબા સમયથી જે કઈ વિશ્વગ્રામની પ્રવૃત્તિ ચાલી રહી છે એ બધી તો ચાલતી રહી છે. કશુંક બહુ જ સ્‍વાભાવિક રીતે જેમ કે મણિપુરનું થયું તો મણિપુરના કામની અંદર પણ એક કાર્ટૂન આવેલું હતું અને એમાં એક વ્‍યક્‍તિ થેલો લઈને ગાંધીજીના સ્‍ટેચ્‍યુ સામે ઊભો છે અને મોનોલોગ કરી રહ્યો છે અને એમાં કહે છે કે ચાલીને જઈએ તો ૧૩૨ કલાકના અંતરે છે... નોવાખલીથી ઇમફાલ...પછી છેલ્લું સેન્‍ટેન્‍સ હતું શેલ વી ગો બાપુ? એના પરથી પ્રેરણા લઇ અમે મણિપુર ગયા. રામજીસિંહએ કહ્યું કે આજ બાપુ હોતે તો કહા હોતે? એણે અમને કશ્‍મીર મોકલ્‍યા. ઉરીની અંદર છેલ્લે ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્‍તાને જે શેલિંગ કર્યું એ સરહદ પરના વિસ્‍તારોમાં કર્યું. એમાં પુંજ, રાજોરી, ઉરી છે. ઉરીમાં લગભગ ૫૦૦ થી પણ વધારે ઘરો ડેમેજ થયા છે. ત્‍યારે મને થયું કે વિશ્વગ્રામની રીતે તો આપણે એમને પાસે મળવા પણ જવું જોઈએ. જયારે કોઇ મુશ્‍કેલીમાં હોય તો મળવા જઇએ ત્‍યારે કશુક લઈને જવું જોઈએ. અત્‍યારે આપણો જે સર્વે થઈ રહ્યો છે ત્‍યાં તે લગભગ પૂરો થયો છે. ૧૨૦ જેટલા પરિવારો એવા છે કે જેને આપણે રાશન આપવાના છીએ. બહુ મોટું કશું નથી પણ એક પ્રેમના ભાગરૂપે એક રાશનની કીટ આપવાના છીએ. ત્‍યાના આઈએસ ઓફિસર સાથે મારે વાત થઈ તો કહ્યું હતું કે સંજયભાઈ આપ લોગ બરતન દો તો અચ્‍છા હૈ ઉનકે પાસ ખાને પકાને કે લિયે અભી કુછ નહી હૈ. ત્‍યાં એ જે આખો વિસ્‍તાર છે એમાં ઉરીમાં ત્રણ બાજુ પીઓકે આવેલું છે સરહદી વિસ્‍તારમાં. ત્‍યાં લગભગ જેટલી સ્‍કૂલ્‍સ છે ત્‍યાં સૌથી વધારે બાળકોની ચિંતા છે. એ બાળકોનું મન હિંસાથી ભરેલું હોય છે એટલે એ લોકો માટે વિચારીએ છીએ કે ટ્રોમાની અસરમાંથી બહાર લાવવા માટે એ સ્‍કૂલની અંદર આપણે સ્‍પોર્ટસ કીટ આપવાના છીએ. આપણે એમ પણ કશ્‍મીરમાં એક કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ. ગાંધીજીનું ૩ એચ. હેડ, હાર્ટ અને હેન્‍ડ છે એને મેં જુદી રીતે લીધું છે હેડ એટલે લેબોરેટરી, હાર્ટ એટલે લાઈબ્રેરી અને હેન્‍ડ એટલે સ્‍પોર્ટસ. અમે ૨૨ દિવસ ત્‍યા રહી કાર્ય કરવાના છીએ.

 સંજયભાઈ પુસ્‍તકોનું પઠન આપ કરાવો છો. આજે પુસ્‍તકોનું વાંચન તો આપણે જાણીએ છીએ કે મોબાઈલોને લીધે યુવાનોની અંદર નહિવત થઈ ગયું. શું આ બધી તમે પ્રવૃત્તિ કરો છો, પુસ્‍તકો વાંચન પઠન કરાવો છો, વિદ્વાનો ભેગા થાય તો કેવો પ્રતિભાવ છે? શું અસર તમને લાગે છે? સંજયભાઇએ કહ્યું કે, આપણે વાત થઈ રહી છે એના આગલા દિવસે અમે લોકો છ દિવસની અધ્‍યયન શિબિર સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીના પરિસરમાં અમે હતા. અમે ૨૦ જણા હતા. મોટા ભાગના શિક્ષકો હતા, યંગ શિક્ષકો હતા. એમાં દર્શકથી લઈ, કૃષ્‍ણમૂર્તિથી લઈ, મોન્‍ટેસરી, ગીજુભાઈ અનેક પ્રકારના જોનડયુથી લઈને હિન્‍દી ગુજરાતી અને કેટલુંક અંગ્રેજીમાં લગભગ સવાસો જેટલા પુસ્‍તકો સાથે અમે છ દિવસ બેઠા અને લગભગ સાડાછ કલાક રોજનું વાંચતા હતા. રાત્રે અમે પાછું બે અઢી કલાક જે વાંચ્‍યું એની ઉપર ચર્ચા થતી હતી. આપણે કર્યું છે માટે નહીં પણ મને એટલો આનંદ હતો વખતે ઓછામાં ઓછી મુવમેન્‍ટ હું જોતો. એક જ જગ્‍યાએ સાથે વાંચતા હતા. મને લાગે છે કે આ જે ભાવી શિક્ષકો અને અત્‍યારે શિક્ષણનું કામ કરી રહ્યા છે એ અત્‍યારથી આવી ઊંડી શિક્ષણની સમજ લઈને જશે એ કૃષ્‍ણમૂર્તિને સમજીને જશે, એ દર્શકને સમજીને જશે, એ ગીજુભાઈને સમજીને જશે, મોન્‍ટેસરીને સમજીને જશે તો માનું છું કે જુદા પ્રકારના શિક્ષકો બનશે. આજે પણ વાંચવું ગમે છે પણ નવી પેઢી જોડે નવી ભાષા સાથે જવું પડે એવું છે. અને નવી ભાષા આપણે શીખતા નથી એટલે લોકો પુસ્‍તકોથી કદાચ દૂર થઈ રહ્યા છે.

 (પોડકાસ્‍ટ નિહાળવા માટે..... https://youtu.be/HLUEt8ouNME)

 

 

 

વિશ્વગ્રામને મળેલા એવોર્ડ

૧)   સંતબાલ એવોર્ડ - ૧૯૯૯ રાષ્ટ્રના સુખ્‍યાત અર્થશાષાી શ્રી વાય.કે. અલઘના હસ્‍તે

૨)   ઇન્‍ડિયન મર્ચન્‍ટસ ચેમ્‍બર્સ-મુંબઈ- ૨૦૦૧ (પ્‍લેટિનમ જયુબિલી એન્‍ડોમેન્‍ટ ટ્રસ્‍ટ એવોર્ડ) રિઝર્વ બેન્‍કના ગર્વનર શ્રી બિમલ જાલનના હસ્‍તે

૩)   અશોક ગોંધિયા એવોર્ડ ૨૦૦૪ સુખ્‍યાત ચિંતક શ્રી ગુણવંત શાહના હસ્‍તે

૪)   નીરૂભાઈ દેસાઈ સ્‍મૃતિ એવોર્ડ - ૨૦૦૬

૫)   જાગૃતજન અભિવાદન એવોર્ડ ૨૦૧૨ સુખ્‍યાત સ્‍થપતિ શ્રી બી.વી. દોશીના હસ્‍તે

૬)   માનભાઈ ભટ્ટ સ્‍મારક એવોર્ડ- ૨૦૧૩ શ્રદ્ધેયશ્રી મોરારીબાપુના હસ્‍તે

૭)   ધરતી રત્‍ન એવોર્ડ- ૨૦૧૪ રાજયપાલશ્રી કમલા બેનીવાલના હસ્‍તે

૮)     ગુજરાત વિશ્વકોષ ટ્રસ્‍ટ સમાજ ઉત્‍કર્ષ એવોર્ડ-૨૦૧૬ શ્રી પી.કે લહેરીના હસ્‍તે

૯)   SRISTI-GYTI

         GRASSROOT SANMAN- 2016 રાષ્ટ્રપતિ ભવન, ન્‍યુ દિલ્‍હી નેશનલ ઇનોવેશન ફાઉન્‍ડેશનના અધ્‍યક્ષશ્રી ડો. માશેલકરના હસ્‍તે

૧૦)    ગાંધી મિત્ર એવોર્ડ - ૨૦૧૬ રાજયપાલશ્રી ઓ.પી. કોહલીના હસ્‍તે

: સંપર્ક :

તુલા-સંજય

વિશ્વગ્રામ

મુ.પો.બાસણા, તા.વિસનગર,

જિ.મહેસાણા, પીન : ૩૮૪૦૦૧

ફોન : ૦૨૭૬૨-૨૩૦૩૩૫

મોબાઇલ : ૯૪૨૬૩ ૮૮૨૩૪

ઇ-મેઇલ : [email protected]

(3:45 PM IST)