તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 8th June 2025
ન્યૂ જર્સીમાં વિરાણી જ્વેલર્સમાં ત્રીજી વખત ફિલ્મી ઢબે લૂંટ : ધોળા દિવસે ₹૧૬ કરોડના દાગીના ઉઠાવી લૂંટારુઓ ફરાર : ભારતીય સમુદાયમાં ભયનો માહોલ
ઈસેલીન, ઓક ટ્રી રોડ પર આવેલા શોરૂમમાં ૪ સશસ્ત્ર લૂંટારુઓએ ગણતરીની મિનિટોમાં આંતક મચાવ્યો : ૨૦૨૨ અને ૨૦૨૩ પછી ત્રીજી ઘટના : પોલીસ તપાસમાં CCTV ફૂટેજ આધારે લૂંટારુઓને ઝડપવા કવાયત

ન્યૂ જર્સી : અમેરિકાના ન્યૂ જર્સી સ્થિત ઈસેલીન વિસ્તારમાં આવેલા ભારતીય મૂળના વિરાણી જ્વેલર્સમાં ગઈકાલે, ૭ જૂનના રોજ બપોરે ફરી એકવાર સનસનાટીભરી લૂંટની ઘટના બની છે. આ ત્રીજી ઘટનાએ સ્થાનિક ભારતીય સમુદાયમાં ચિંતા અને ભયનો માહોલ સર્જી દીધો છે. કાળા રંગની કારમાં આવેલા ચાર સશસ્ત્ર લૂંટારુઓએ ધોળા દિવસે શોરૂમમાં ધસી જઈ, ગણતરીની મિનિટોમાં તોડફોડ કરી અને અંદાજે ૨૦ લાખ ડૉલર (લગભગ ₹૧૬ કરોડ) થી વધુના સોના-ચાંદીના દાગીના અને હીરા લૂંટીને પલકવારમાં ફરાર થઈ ગયા હતા.
વારંવાર નિશાન બનતો વિરાણી જ્વેલર્સ:
વિરાણી જ્વેલર્સ, જે ન્યૂ જર્સીના ઓક ટ્રી રોડ પર સ્થિત છે અને જ્યાં અન્ય ૧૫ જ્વેલરી શોરૂમ પણ આવેલા છે, તે લૂંટારુઓનું વારંવાર નિશાન બની રહ્યું છે. આ પ્રથમ ઘટના નથી. અગાઉ ૨૦૨૨માં પણ આ જ શોરૂમમાં આવી જ રીતે ઝડપી હુમલો કરી દાગીના લૂંટી લેવાયા હતા. ૨૦૨૩માં પણ બીજી એક લૂંટની ઘટનામાં લાખો ડૉલરનું નુકસાન થયું હતું. આ ત્રીજી ઘટનાએ સ્પષ્ટ કર્યું છે કે લૂંટારુઓ માટે આ શોરૂમ એક સરળ નિશાન બની ગયો છે, અને તેણે ભારતીય વેપારીઓની સુરક્ષા વ્યવસ્થા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પણ આ ઘટનાને લઈને ભારતીય વેપારીઓની સુરક્ષા અંગે વ્યાપક ચર્ચા ચાલી રહી છે.
પોલીસ તપાસ અને પડકારો:
ન્યૂ જર્સીની વુડબ્રિજ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. સીસીટીવી ફૂટેજમાં ચાર લૂંટારુઓ કાળા કપડાં અને માસ્ક પહેરેલા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી દીધી છે અને લૂંટારુઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ અભિયાન હાથ ધર્યું છે. જોકે, ઘટનાના થોડા કલાકો વિતવા છતાં, હજુ સુધી લૂંટારુઓનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે જેથી આરોપીઓને ઝડપી પાડી શકાય અને આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
