<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

રશિયા-ચીન મિત્રતા પોકળ ? રશિયન જાસૂસી સંસ્થા એફએસબી ચીનને 'દુશ્મન' માની રહ્યું હોવાનો સનસનીખેજ ખુલાસો

બેઇજિંગ રશિયન વૈજ્ઞાનિકો અને જાસૂસોને લલચાવીને તેમની પાસેથી સૈન્ય ગુપ્ત માહિતીઓ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે:લશ્કરી અને ટેકનિકલ ગુપ્ત માહિતીઓની ચોરી કરાવવા માટે રશિયન જાસૂસો અને અસંતુષ્ટ વૈજ્ઞાનિકોની ભરતી કરવાનો ચીન પ્રયાસ કરી રહ્યું છે

મોસ્કો: વિશ્વભરમાં રશિયા અને ચીનની મિત્રતાને એક મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી તરીકે જોવામાં આવે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતે પણ ચીનને વારંવાર "ભાગીદાર" કહીને સંબોધે છે. પરંતુ, ન્યૂયોર્ક ટાઈમ્સ (એન વાય ટી) ના એક સનસનીખેજ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે રશિયાની ગુપ્તચર એજન્સી ફેડરલ સિક્યુરિટી સર્વિસ (એફ એસ બી) ચીનને આંતરિક રીતે "દુશ્મન" તરીકે જોઈ રહી છે.

 

એફ એસ બી ના લીક થયેલા એક રિપોર્ટમાં ચીનને રશિયાની સુરક્ષાને નુકસાન પહોંચાડનાર દેશ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. આ અહેવાલ મુજબ, બેઇજિંગ રશિયન વૈજ્ઞાનિકો અને જાસૂસોને લલચાવીને તેમની પાસેથી સૈન્ય ગુપ્ત માહિતીઓ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. રશિયન ગુપ્તચર એજન્સીનું માનવું છે કે આ બધું રશિયા વિરુદ્ધ એક સુનિયોજિત યોજના હેઠળ થઈ રહ્યું છે.

 

રશિયામાં જાસૂસોની ભરતી કરી રહ્યું છે ચીન? રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન, રશિયન જાસૂસો અને અસંતુષ્ટ વૈજ્ઞાનિકોની ભરતી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આનો મુખ્ય હેતુ તેમની પાસેથી સૈન્ય અને ટેકનિકલ ગુપ્ત માહિતીની ચોરી કરાવવાનો છે. 

 

આ ઉપરાંત, ચીન રશિયાના સંવેદનશીલ સંરક્ષણ સંશોધનોને પણ નિશાન બનાવી રહ્યું છે. આ આરોપો રશિયા અને ચીનની વધતી મિત્રતાના દાવાઓને સદંતર ખોટા સાબિત કરે છે.

 

યુક્રેનમાં પણ ચીનની જાસૂસીની શંકા? ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, એફએસબી ને એવી પણ શંકા છે કે ચીન યુક્રેનમાં રશિયાની સૈન્ય ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આનો હેતુ પશ્ચિમી દેશોના હથિયારો અને યુદ્ધની વ્યૂહરચના વિશે માહિતી મેળવવાનો છે.

 

વધુમાં, કેટલાક રશિયન ગુપ્તચર અધિકારીઓ માને છે કે ચીની શિક્ષણવિદો રશિયાના કેટલાક પ્રદેશો પર ભવિષ્યમાં દાવો કરવા માટે આધાર તૈયાર કરી રહ્યા છે, જે ભૌગોલિક-રાજકીય તણાવમાં વધારો કરી શકે છે. કેટલાક નિષ્ણાતો માને છે કે ચીન રશિયાની નબળાઈનો લાભ લઈ રહ્યું છે, ખાસ કરીને યુક્રેન યુદ્ધને કારણે રશિયા પર પડેલા આર્થિક અને લશ્કરી દબાણનો.

 

આર્કટિક પર પણ ચીનની નજર: આ રિપોર્ટમાં આર્કટિક પ્રદેશમાં ચીનની વધતી જતી જાસૂસી ગતિવિધિઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. ચીન ખાણકામ કંપનીઓ અને યુનિવર્સિટીના સંશોધન કેન્દ્રો દ્વારા આર્કટિકમાં જાસૂસી કરી રહ્યું છે. આ કામ ખૂબ જ ઝીણવટપૂર્વક અને યોજનાબદ્ધ રીતે કરવામાં આવી રહ્યું છે. 

 

આઠ પાનાના આ દસ્તાવેજમાં એફએસબી એ ચીનની જાસૂસી ગતિવિધિઓને રોકવા માટે સ્પષ્ટ પ્રાથમિકતાઓ નક્કી કરી છે, જે દર્શાવે છે કે રશિયા આ ખતરાને ગંભીરતાથી લઈ રહ્યું છે.

 

રિપોર્ટની વિશ્વસનીયતા: આ એફ એસ બી રિપોર્ટની કોઈ ચોક્કસ તારીખ નથી, પરંતુ ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, તેને વર્ષ ૨૦૨૩ના અંતમાં અથવા વર્ષ ૨૦૨૪ની શરૂઆતમાં તૈયાર કરવામાં આવ્યો હશે. આ ફાઇલને "એરેસ લીક્સ" (Ares Leaks) નામક સાયબર ક્રાઈમ ગ્રુપે સાર્વજનિક કરી, જોકે તેમણે એ જણાવ્યું નથી કે તેમને આ ગુપ્ત દસ્તાવેજો કેવી રીતે મળ્યા. 

 

ન્યૂયોર્ક ટાઈમ્સએ આ રિપોર્ટને છ પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓ દ્વારા તપાસ કરાવ્યો અને બધાએ તેને સાચો માન્યો છે, જે તેની વિશ્વસનીયતામાં વધારો કરે છે. આ ખુલાસો રશિયા-ચીન સંબંધોના ભવિષ્ય પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યો છે.

(3:41 PM IST)