તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 8th June 2025
"આ વખતે કોરોનાથી પણ ખરાબ હશે" : ચીનને લઈને અમેરિકી નિષ્ણાતની ટ્રમ્પને ચોંકાવનારી ચેતવણી : ઝેરી ફૂગની તસ્કરીનો મામલો ગરમાયો
અમેરિકાના ટોચના ચીન નિષ્ણાત ગોર્ડન ચાંગે ચીન પર 'એગ્રો-આતંકવાદ' નો આરોપ લગાવ્યો : ચેતવણી આપી કે જો યુએસ સાવચેતી નહીં રાખે તો કોવિડ કરતાં પણ મોટા ખતરાનો સામનો કરવો પડી શકે છે

વોશિંગટન : ચીન મામલાઓના ટોચના અમેરિકી નિષ્ણાત ગોર્ડન ચાંગે ચીનને લઈને એક ગંભીર ચેતવણી જાહેર કરી છે. તેમણે જણાવ્યું છે કે જો અમેરિકાએ પૂરતી સાવચેતી ન રાખી તો તેને "કોવિડ કરતાં પણ મોટા ખતરા" નો સામનો કરવો પડી શકે છે. આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે તાજેતરમાં જ બે ચીની વૈજ્ઞાનિકો પર અમેરિકામાં ઝેરી ફૂગની તસ્કરીના આરોપ લાગ્યા છે.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૦ના અંતમાં દુનિયાએ પહેલીવાર કોરોના વાયરસનો પ્રકોપ સહન કર્યો હતો. ચીનથી શરૂ થયેલો આ વાયરસ થોડા જ દિવસોમાં સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો હતો, અને અમેરિકામાં સૌથી વધુ મૃત્યુ થયા હતા. ત્યારે પણ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર હતી, અને ટ્રમ્પે કોરોના વાયરસ માટે ચીનના વુહાન શહેર સ્થિત ગુપ્ત લેબને જવાબદાર ઠેરવી હતી અને તેને ઘણીવાર "ચીની વાયરસ" પણ કહ્યો હતો. હવે ફરી એકવાર નવું સંકટ મંડરાઈ રહ્યું છે.
એગ્રો-આતંકવાદ સાથે જોડાયેલો મામલો:
૩૩ વર્ષીય યુનકિંન્ગ જિયાન અને તેના ૩૪ વર્ષીય બોયફ્રેન્ડ જુન્યોંગ લિયુ પર આરોપ છે કે તેમણે અમેરિકામાં 'Fusarium graminearum' નામની ફૂગની તસ્કરી કરવાનું કાવતરું રચ્યું હતું. આ ફૂગ ઘઉં, જવ, મકાઈ અને ચોખામાં "હેડ બ્લાઈટ" નામની બીમારી ફેલાવે છે અને તેને "એગ્રો-આતંકવાદ" ના સંભવિત હથિયાર તરીકે જોવામાં આવે છે. આ ફૂગ મનુષ્યો અને પશુઓમાં ઉલટી, લીવર ડેમેજ અને પ્રજનન ક્ષમતા પર ગંભીર અસર કરી શકે છે.
નિષ્ણાતની ચેતવણી:
ગોર્ડન ચાંગે Fox News સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ફૂગની તસ્કરી "અમેરિકા વિરુદ્ધ યુદ્ધ" જેવી છે. જો અમેરિકાએ ચીન સાથેના સંબંધો તોડ્યા નહીં, તો તેને કોવિડ, ફેન્ટાનિલ (એક નશીલો પદાર્થ) કરતાં પણ ભયાનક હુમલાનો સામનો કરવો પડી શકે છે. તેમણે ૨૦૨૦ની તે ઘટનાને પણ યાદ અપાવી, જ્યારે ચીનથી અનિચ્છનીય બીજની ખેપ અમેરિકાના તમામ ૫૦ રાજ્યોમાં મોકલવામાં આવી હતી – જેને તેમણે જૈવિક હુમલાનો પ્રયાસ ગણાવ્યો હતો.
ચાંગે આગળ કહ્યું કે, "આપણે ચીનથી હારી શકીએ છીએ, ભલે આપણે તેમનાથી શક્તિશાળી હોઈએ, કારણ કે આપણે આપણી સુરક્ષા સંપૂર્ણ તાકાત અને સંકલ્પથી નથી કરી રહ્યા." ચાંગનું કહેવું છે કે ચીનનું સામ્યવાદી શાસન અમેરિકાને દુશ્મન માનીને 'જનયુદ્ધ' ની માનસિકતાથી કામ કરી રહ્યું છે અને અમેરિકાએ હવે કડક પગલાં લેવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, ગોર્ડન ચાંગ 'China Is Going to War' જેવી જાણીતી પુસ્તકોના લેખક છે. તેઓ લગભગ બે દાયકા સુધી ચીન અને હોંગકોંગમાં રહ્યા છે અને અમેરિકી કાનૂની પેઢીઓમાં વરિષ્ઠ પદો પર કાર્ય કરી ચૂક્યા છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
