તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 8th June 2025
મણિપુરમાં ફરી હિંસા ભડકી: પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને પૂછ્યું- તમે રાજ્યને આ હાલતમાં એકલા કેમ છોડી દીધું?
કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ મણિપુરની પરિસ્થિતિ અંગે કેન્દ્ર સરકારને ઘેરી

નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ મણિપુરની પરિસ્થિતિ પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે . મોદી સરકાર પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે મણિપુર હિંસાની ઝપેટમાં છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજ્યને પોતાના પર કેમ છોડી ગયા છે? પ્રિયંકા ગાંધીનું આ નિવેદન રવિવારે મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળ્યા બાદ આવ્યું છે. હિંસા બાદ રાજ્યના પાંચ જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.
પ્રિયંકા ગાંધીએ રવિવારે X પર લખ્યું હતું કે, મણિપુર ફરી એકવાર હિંસાની ઝપેટમાં છે. લગભગ બે વર્ષથી રાજ્યના લોકો હિંસા, હત્યા, બળાત્કાર અને સ્થળાંતરનો સામનો કરી રહ્યા છે. સેંકડો લોકો મૃત્યુ પામ્યા છે, હજારો લોકો બેઘર છે. કેન્દ્રના શાસન છતાં ત્યાં શાંતિ પુનઃસ્થાપિત નથી થઈ રહી તેનું કારણ શું છે?
પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'વડાપ્રધાન મણિપુરને એકલા કેમ છોડી ગયા? આજ સુધી તેમણે ન તો મણિપુરની મુલાકાત લીધી છે, ન તો રાજ્યના કોઈ પ્રતિનિધિને મળ્યા છે, ન તો શાંતિની અપીલ કરી છે, ન તો કોઈ નક્કર પ્રયાસ કર્યા છે. આ અસંવેદનશીલ અને બેજવાબદાર વલણ કોઈપણ લોકશાહી માટે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. દેશવાસીઓ માટે શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી પ્રધાનમંત્રીની છે. આમાંથી પાછળ હટવું એ પોતાની ફરજથી મોઢું ફેરવવા જેવું છે.'
નોંધનીય છે કે CBI એ મણિપુરમાં મેઈતેઈ સંગઠન અરંબાઈ ટેંગોલેના નેતા કરણ સિંહની ધરપકડ કરી છે. તેમના પર 2023 માં હિંસા ભડકાવવાનો આરોપ છે. તેમની ધરપકડના સમાચાર ફેલાતા શનિવારે મોડી રાત્રે મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે રાજધાની ઇમ્ફાલના ઘણા વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ વાહનોને આગ ચાંપી દીધી હતી, રસ્તાઓ પર ટાયર અને જૂના ફર્નિચર પણ બાળી નાખ્યા હતા. સુરક્ષા દળો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ પેટ્રોલ છાંટીને પોતાને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. વહીવટીતંત્રે 7 જૂન રાત્રે 11:45 વાગ્યાથી 5 જિલ્લાઓમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવા પાંચ દિવસ માટે સ્થગિત કરી દીધી છે. તેમાં ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થૌબલ, કાકચિંગ અને વિષ્ણુપુરનો સમાવેશ થાય છે. ઇમ્ફાલ પૂર્વ અને બિષ્ણુપુરમાં પણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
મે 2023 થી મણિપુરમાં બે સમુદાયો મેતેઈ અને કુકી વચ્ચે થયેલી વંશીય હિંસામાં 260 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થયા છે. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ કેન્દ્રએ 13 ફેબ્રુઆરીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
