News of Tuesday, 10th June 2025
અમેરિકામાં ડિપોર્ટ કરાયેલા ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગાર જેવો વ્યવહાર
પોલીસે નેવાર્ક એરપોર્ટ પર વિદ્યાર્થીને હાથકડી બાંધીને પટકી દીધો

નવી દિલ્હી, તા.૧૦: અમેરિકામાંથી કાઢી મૂકાયેલા એક ભારતીય વિદ્યાર્થીને ભારત પરત મોકલતા પહેલા તેની સાથે ગુનેગાર જેવા વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.
આ સંદર્ભમાં વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભારતીય વિદ્યાર્થીને અમેરિકાના નેવાર્ક એરપોર્ટ પર હાથકડી લગાવીને જમીન પર પટકી દેવામાં આવ્યો અને પછી તેને પરત મોકલી દીધો. આ વીડિયો બાદ ફરી એકવખત આ મામલાએ જોર પકડ્યું છે અને ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રની ટીકા થવા લાગી છે. આ વીડિયોને ભારત-અમેરિકન ઉદ્યોગ સાહસિક કુણાલ જૈને સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. આ વીડિયોમાં વિદ્યાર્થી રડી રહ્યો હતો અને અમેરિકાના અધિકારીઓ તેની સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરી રહ્યા હતા.
કુણાલ જૈને અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસ સમક્ષ ઘટનાની તપાસ કરવા અને વિદ્યાર્થીને મદદ કરવાની વિનંતી કરી છે. જૈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, મેં ગઇકાલે રાત્રે એક યુવાન ભારતીય વિદ્યાર્થીને નેવાર્ક એરપોર્ટથી ડિપોર્ટ કરતો જોયો, હાથકડી લગાવેલી, રડી રહ્યો હતો, એક ગુનેગાર જેવો વ્યવહાર તેની સાથે થઈ રહ્યો હતો.
હેલ્થબોટ્સ એઆઈના ચેરમેન કુણાલ જૈને કહ્યું કે, એ સપનાને સાકાર કરવા આવ્યો હતો, નુકસાન પહોંચાડવા માટે નહીં. એક એનઆરઆઈ તરીકે હું અસહાય અને દુખ અનુભવી રહ્યો છું. જૈનના કહેવા મુજબ, આ ઘટના ન્યૂજર્સીના નેવાર્ક એરપોર્ટ પર બની હતી. અહીં એરપોર્ટ ઓથોરિટી પોલીસ વિભાગે ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગાર જેવું વર્તન કર્યું હતું. આ ભારતીય વિદ્યાર્થી હરિયાણવી ભાષામાં બોલી રહ્યો હતો. છેલ્લા કેટલાક સપ્તાહમાં ભારતીયોને ડિપોર્ટ કરવાના કેટલાય મામલા સામે આવ્યા છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
