News of Tuesday, 10th June 2025
ચરાડવા મહાકાલી આશ્રમે ભકિતનો મહાસાગર ઘુઘવ્યો
મહાકાળી આશ્રમ ચરાડવા ખાતે સોડષી ભંડારો તથા ચાદરવીધી દિવ્યતા સાથે સંપન્ન : અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાના હસ્તે પણ પૂજન કરવામાં આવેલ : પરમ પૂજ્ય ગુરૂવર્યશ્રી બ્રહ્મલીન દયાનંદગીરીજી મહારાજના ઉતરાધીકારી તરીકે મહંતશ્રી અમરગીરીજી બાપુની ચાદર વીધી કરાઇ : દિવ્ય વિભૂતી આ પૃથ્વી પરથી વિદાય લે ત્યારે તેમની ખાલી પડેલી ગાદી પર તેમના ઉતરાધીકારીને બેસાડવામાં આવે છે. જે માટે વિધિવત રીતે ચાદરવીધી કરી તેમને મહંત ઘોષીત કરવામાં આવે છે : જેમ ગૃહસ્થના મૃત્યુ પછી ૧૩મા દિવસે તેરમા દિવસનો સમારોહ યોજવામાં આવે છે તેવી જ રીતે સંતના દેહત્યાગ પછી તેમની ષોડશીનું આયોજન ૧૬મા દિવસે કરવામાં આવે છે : દેશભરમાંથી આવેલા સંત મહાત્માઓ હજારો ભક્તોએ કરેલા માતાજી, ભોલેનાથ અને પરમ પૂજ્ય દયાનંદગીરીજી બાપુના જય જયકાર સાથે વાતાવરણ દિવ્ય બની ગયું હતું. સતત ભજનની રમઝટ બોલી. લોકો ભક્તિના રંગે રંગાયા


રાજકોટ, તા. ૯: તાજેતરમાં ચરાડવા ખાતે આવેલ મહાકાળી આશ્રમના વિશ્વ વંદનીય પરમ પૂજ્ય ગુરૂવર્યશ્રી દયાનંદ ગીરીજી મહારાજ બ્રહ્મલીન થયા. તેમના ઉતરાધીકારી મહંતશ્રી અમરગીરીજી બાપુની ચાદરવીધી શ્રધ્ધા અને ભક્તિભાવથી સાધુ સંતો, સિધ્ધ મહાત્માઓ, યોગીઓ, જોગીઓ, સિધ્ધ ચોરાસીની ઉપસ્થિતીમાં તા. ૭ ને શનિવારે જેઠ સુદ ભીમ અગિયારસના રોજ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે સોડષી ભંડારો તથા ચાદરવીધી દેશભરમાંથી સાધુ મહાત્માઓ, આહવાન અખાડાના મહાત્માઓ, હજારો સેવકો અને હજારોની સંખ્યામાં આવેલ ભક્તોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી ત્યારે જાણે શ્રધ્ધા અને ભક્તિનો સાગર ઘુઘવ્યો હતો. દેશભરમાંથી આવેલા સંત મહાત્માઓ અને અનેક ગામોમાંથી આવેલા ભક્તોએ કરેલા માતાજી, ભોલેનાથ અને પરમ પૂજ્ય દયાનંદગીરીજી બાપુના જય જયકાર સાથે વાતાવરણ દિવ્ય બની ગયું હતું. સતત ભજનની રમઝટ અને લોકડાયરાની જમાવટ થતી રહી. લોકો ભક્તિના રંગે રંગાયા.
સોડષી ભંડારા અંગે અહિં પધારેલ મહાત્માઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે કોઇ દિવ્ય વિભૂતી આ પળથ્વી પરથી વિદાય લે ત્યારે તેમની ખાલી પડેલી ગાદી પર તેમના ઉતરાધીકારીને બેસાડવામાં આવે છે. જે માટે વિધિવત રીતે ચાદરવીધી કરી તેમને મહંત ઘોષીત કરવામાં આવે છે. પરમ પૂજ્ય ગુરૂવર્યશ્રી બ્રહ્મલીન દયાનંદ ગીરીજી મહારાજના ઉતરાધીકારી તરીકે મહંતશ્રી અમરગીરીજી બાપુની ચાદર વીધી કરાઇ હતી. જેમાં બ્રહ્મલીન પરમ પૂજ્ય દયાનંદ ગીરીજી મહારાજની સમાધી પાસે આહવાન અખાડાના સંતો મહાત્માઓએ શાષાોક્ત વિધિ વિધાન પ્રમાણે મંત્રોચ્ચાર સાથે પૂજા પાઠ અને હવન સાથે મહંતશ્રી અમરગીરીજી બાપુની ચાદર વીધી યોજાઇ હતી. જેમાં દેશભરમાંથી પધારેલા વિવિધ મહાત્માઓએ પણ મહંતશ્રી અમરગીરીજી બાપુને જયઘોષ સાથે ચાદરવીધી કરી હતી. અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા પણ આ ચાદરવિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે પણ પૂજન અને ચાદરવીધી કરવામાં આવી હતી.
જ્યારે સોડષી ભંડારા વિશે મહાત્માઓએ જણાવ્યું હતું કે, જેમ ગળહસ્થના મળત્યુ પછી ૧૩મા દિવસે તેરમા દિવસનો સમારોહ યોજવામાં આવે છે તેવી જ રીતે, સંતના દેવલોક ગમન પછી તેમની ષોડશીનું આયોજન ૧૬મા દિવસે કરવામાં આવે છે. તેરમા દિવસે ૧૩ બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે અને પછી તેમને દાન આપીને વિદાય આપવામાં આવે છે. બીજી બાજુ સોળમા દિવસે ૧૬ સંતો જેમને મહાપુરુષો કહેવામાં આવે છે, તેમને શિવ સમાન માનવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી તેમને ભોજન કરાવવામાં આવે છે અને ભેટ આપવામાં આવે છે જેથી દિવંગત સંતને તાત્કાલિક મુક્તિ મળે.
ષોડશીના દિવસે જે ૧૬ સંતોને બેસાડીને ધાર્મિક વિધિઓથી ભોજન કરાવવામાં આવે છે તેમાં ફક્ત એજ સંતો સામેલ થઈ શકે છે જેમનો વિજયા હવન સંસ્કાર સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે પૂર્ણ થયો હોય. આ ૧૬ સંતોને મહાપુરુષો કહેવામાં આવે છે. જેમને ભોજન પીરસતા પહેલા ભગવાન શિવના અવતાર તરીકે પૂજવામાં આવે છે. ત્યારબાદ તેમને ભક્તિભાવપૂર્વક ભોજન આપવામાં આવે છે અને દિવંગત સંત જે વસ્તુઓનો ઉપયોગ રોજ કરતા હતા તે જ વસ્તુઓ તેમને ભેટમાં આપવામાં આવે છે. જે કપડાં, ફળો, ઘરેણાં વગેરે જેવી કોઈપણ વસ્તુ હોઈ શકે છે.
ભંડારો વિશે સંતોએ કહ્યું હતું કે, ભંડારા એ હિન્દુ ધર્મમાં કરવામાં આવે છે. તે ધાર્મિક વિધિ પછી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધાર્મિક વિધિઓ અન્નદાન વિના પૂર્ણ થતી નથી. આવી સ્થિતિમાં ભંડારા ખાસ કરીને મંદિર અને મઠની દરેક ધાર્મિક વિધિ પછી કરવામાં આવે છે. ભારતના લગભગ તમામ મોટા મંદિરોમાં ભંડારાનું આયોજન કરવામાં આવે છે. ભંડારાને સાધુઓનું ભોજન પણ કહેવામાં આવે છે જેના કારણે તે શુદ્ધ સત્ત્િવક પ્રસાદ બને છે. ભંડારા એક પ્રકારનું ભોજન સમારંભ છે જે સામાન્ય રીતે ધાર્મિક વિધિ દરમિયાન મંદિરમાં યોજાય છે. દૂર -દૂરથી ભંડારા અને સાધુ સંતોને આમંત્રણ આપવામાં આવે છે. તેમને પ્રસાદ આપવામાં આવે છે.
ષોડશી ભંડારાની વિશેષતાઓ
૧૬ સંસ્કારોનું દાનઃ આ ભંડારા ૧૬ સંસ્કારોના દાનથી કરવામાં આવે છે, જેમાં ખોરાક, કપડાં, સોનું, ચાંદી વગેરેનો સમાવેશ થઇ શકે છે.
સામુદાયિક ભોજનઃ ભંડારામાં દરેક માટે ભોજન ઉપલબ્ધ કરાવાય છે, અને તે એક સામુદાયિક ઉજવણી રૂપે કરાય છે.
ધાર્મિક મહત્વઃ આ ભંડારો ધાર્મિક વિધિઓ અને શુભ કાર્યો પછી કરવામાં આવે છે અને તેને એક પ્રકારનું દાન માનવામાં આવે છે.
સંતોનું યોગદાનઃ ભંડારામાં સંતો અને મહાત્માઓ હાજરી આપે છે જે આ પ્રસંગને વધુ મહત્વપૂર્ણ બનાવે છે.
ષોડશી ભંડારા એ એક ધાર્મિક વિધિ છે જે ૧૬ વિધિઓના દાન સાથે કરવામાં આવે છે અને જેમાં સામુદાયિક ભોજનનું આયોજન કરવામાં આવે છે. આ વિધિ ધાર્મિક વિધિઓ અને શુભ કાર્યો પછી કરવામાં આવે છે અને તેને એક પ્રકારનું દાન માનવામાં આવે છે.(૬.૧૬)
દયાનંદગીરીજી બાપુ આહવાન અખાડાના અગ્રણી સંત હતા
પરમ પૂજ્ય ગુરૂવર્યશ્રી બ્રહ્મલીન દયાનંદ ગીરીજી બાપુ આહવાન અખાડાના અગ્રણી મહાત્માના એક હતા. પંચદાસનમ આવાહન અખાડા વિશે વાત કરીએ, તો તે કાશીમાં દશાશ્વમેધ ઘાટ પર આવેલું છે. જેની સ્થાપના ૬ઠ્ઠી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. આ અખાડો કેટલાક દાયકાઓ જૂનો છે. અગાઉ તે 'આવાહન સરકાર' તરીકે ઓળખાતો હતું કારણ કે તે ધર્મની રક્ષા કરવાની સાથે સાથે લોકોને ધર્મના માર્ગ પર ચાલવાનું શીખવતું હતું. અખાડાનો ઉદ્દેશ હંમેશા ધર્મની રક્ષા કરવાનો રહ્યો છે. હાલમાં પણ તે આ જ ઉદ્દેશ્ય પર કામ કરી રહ્યા છે. શંભુપંચ ૧૦ નામ અખાડાના ઇષ્ટદેવ ગણેશજી છે. પંચ દશનામ આહવાહન અખાડાના ભારત ભરના તમામ પ્રતિનિધિઓ શિવરાત્રીના ભવ્ય અને દિવ્ય મેળામાં ઉપસ્થિત રહે છે. પંચ દશનામ આ વાહન અખાડા વિશે અખાડાના મુખ્ય સંરક્ષક તરીકે ભારદ્વાજગીરી બાપુ છે. આ સંસારની અંદર સૌ પ્રથમ ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને આવાહન અખાડાના ઇષ્ટદેવો ગણપતિ હોવાથી કુંભ મેળાની તેમજ શિવરાત્રી મેળાની શરૂઆત ગણપતિ પૂજન અખાડાની મુખ્ય ઉપસ્થિતિ દ્વારા કરવામાં આવે છે. પ્રાચીન અને અર્વાચન સમયથી વિધિવત ગણપતિ પૂજન કર્યા બાદ જ મહાદેવ ભોળાનાથ નું પૂજન ગાયત્રી માતાનું પૂજન દત્તાત્રેય ભગવાનનું પૂજન તમામ દેવતાઓના પૂજન પહેલા ગણેશજીનું પૂજન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, પરમ પૂજ્ય ગુરૂવર્યશ્રી બ્રહ્મલીન દયાનંદ ગીરીજી બાપુ પણ આહવાન અખાડાના મહાત્મા હતા.
‘ઝયાદા સેવા મેં નહીં લુંગા, અબ મેરા સમય આ ગયા હૈ'
હોસ્પીટલમાં ગયા એના આગલા દિવસે ઇશ્વરે પણ સાધુના રૂપમાં બાપુને દર્શન આપ્યા હતા.
ચરાડવા ખાતે મહાકાળી આશ્રમમાં જેમની ચાદરવીધી કરાઇ તે મહંત શ્રી અમર ગીરીજી બાપુએ અકિલાને જણાવ્યું હતું કે, હું નાનપણથી ભક્તિભાવ સાથે જોડાયો હતો. મારી ઇચ્છા હતી ભગવાનની સેવા પૂજા કરવાની. અનાયાસે ઇશ્વરની પ્રેરણાથી વિશ્વ વંદનીય પરમ પૂજ્ય ગુરૂવર્યશ્રી દયાનંદ ગીરીજી બાપુ સાથે મારો ભેટો થયો અને મને ગુરૂના રૂપમાં તેઓ મળ્યા. શ્રી અમર ગીરીજી બાપુનું મૂળ વતન ઓરીસ્સા છે. શ્રી અમર ગીરી બાપુએ ગુરૂની મુલાકાત પછી તેમની અનન્ય સેવા કરી. બાપુએ મને શિષ્ય રૂપે સ્વિકાર્યો ત્યારથી બાપુની સેવા અને માં અને ભોળાનાથની ભક્તિ કરૂ છું. સંન્યાસ પછી ધીમે ધીમે તેઓએ નિયમ મુજબ મંત્રો પણ આપ્યા. બાપુના આદેશ મુજબ તેઓ આગળ વધતા ગયા.
મહંત શ્રી અમરગીરીજી બાપુએ જણાવ્યું કે, પરમ પૂજ્ય ગુરૂવર્યશ્રી દયાનંદ ગીરીજી બાપુ બધાના દુખ દર્દ દુર કરી દેતા હતા. કેન્સરની દવા આપતા, નિઃસંતાન દંપતિને બાળક આપતા, આયુર્વેદ દવાના તેઓ મહાન સંશોધક હતા. જ્યારે પૂજ્ય બાપુની તબીયત અઠીક બની હતી તેના થોડા દિવસો અગાઉ તે તેમના સેવકોને કહેતા કે, ‘અબ તુમ સે ઝ્યાદા સેવા મેં નહીં લુંગા. અબ મેરા સમય આ ગયા હૈ'. હોસ્પીટલમાં ગયા એના આગલા દિવસે ઇશ્વરે પણ સાધુના રૂપમાં બાપુને દર્શન આપ્યા. અમે છ-સાત લોકો બેઠા હતા ત્યારે પૂજ્ય બાપુએ પૂછેલુ કે કોણ મહારાજ આવ્યા છે? દક્ષીણા આપી? અમે જોયું પણ કોઇ હતું નહીં. પૂજ્ય બાપુને કહ્યું કોઇ આવ્યું નથી. એક છોકરાને બહાર જોવા મોકલ્યો કે કોઇ આવ્યું છે કે નહીં જોઇ આવ પણ કોઇ હતું નહીં. પૂજુ દયાનંદ ગીરીજી બાપુએ કહ્યું કે, મોટા રૂદ્રાક્ષ પહેરી મારી સામે આવ્યા હતા. આશીર્વાદ આપી હસીને જતા રહ્યા. એ પછી પૂજ્ય બાપુને રાત્રે દુખાવો ઉપડ્યો અને સવારે હોસ્પીટલ લઇ ગયા.
પરમ પૂજ્ય બાપુના આદેશ અનુસાર હવે આશ્રમમાં આગળ પણ પ્રવળતિઓ જેમ થતી એજ રીતે થશે. માતાજીના અને પૂજ્ય બાપુના આદેશ અનુસાર જ આશ્રમ ચાલશે. પૂજ્ય બાપુને પ્રાણી પંખીઓ પ્રત્યે પણ અપાર પ્રેમ હતો. અહિં જે કોઇ દર્શન કરવા આવશે તેની ઇચ્છા માં અને બાપુ ફળીભૂત કરશે.

આલેખન
તસવીરો
અશ્વિન છત્રારા
પ્રશાંત બક્ષી
જયેશ ભટાસણા
નીલેશ સિસાંગિયા
સંદીપ બગથરિયા
રમેશ ટંકારિયા
પ્રવીણ વ્યાસ (મોરબી)
અકિલા - રાજકોટ
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
