News of Tuesday, 10th June 2025
રાજકોટમાં કોરોનાનો પ્રથમ ભોગ : હોસ્પિટલમાં ૫૫ વર્ષીય વૃદ્ધનું કોરોનાથી નિધન - દર્દી અનેક બીમારીઓથી પણ પીડિત હતા : રાજ્યમાં એક્ટિવ કેસ ૧૧૦૦ને પાર
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૫ નવા કેસ નોંધાયા : દેશભરમાં કોરોના સંક્રમણની ગતિ યથાવત : દિલ્હીમાં પણ ૭૦૦થી વધુ કેસ

રાજકોટ, મંગળવાર, ૧૦ જૂન ૨૦૨૫: રાજકોટ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણથી પ્રથમ મૃત્યુ નોંધાતા ચિંતાનો માહોલ ફેલાયો છે. શહેરના ૫૫ વર્ષીય એક વૃદ્ધનું કોરોનાને કારણે અવસાન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વૃદ્ધમાં છેલ્લા ચાર દિવસથી કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા અને ગઈકાલે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું. મહત્વનું છે કે, દર્દી હાઈપર ટેન્શન (હાઈ બ્લડ પ્રેશર) જેવી અન્ય બીમારીથી પણ પીડાતા હતા.
ગુજરાત અને દેશભરમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા ૧ હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૩૫ કોરોનાના નવા કેસ નોંધાયા છે, જ્યારે ૩૩ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૧૧૦૯ પર પહોંચી છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, જોકે સામે પક્ષે અનેક દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. સમગ્ર દેશમાં ફરી એકવાર કોવિડ દસ્તક આપી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં કોવિડના કેસ ૭૦૦ ને વટાવી ગયા છે, જેમાં એક જ દિવસમાં ૪૨ કોરોના દર્દીઓનો વધારો થયો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં ૭ કોરોના દર્દીઓના મોત થયા છે. હાલમાં, સમગ્ર દેશમાં કોરોનાના ૬૪૯૧ સક્રિય કેસ છે, જોકે અત્યાર સુધીમાં ૬૮૬૧ દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
