<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

GST દરોડાઃ નાણાં વસૂલાતના અલગ અલગ કાટલા

સેન્‍ટ્રલ GST દ્વારા અપાતી નોટિસમાં રકમની વસૂલાતનો કરવામાં આવતો ઉલ્લેખ સ્‍ટેટ જીએસટીએ રકમની વસૂલાત કરી હોવા છતાં નોટિસમાં કોઇ ઉલ્લેખ કરાતો નથી

 

મુંબઇ તા.૧૦: વેપારીને ત્‍યાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે ત્‍યારે ટેક્‍સ ચોરી પકડી પાડતા હોય તેવા કિસ્‍સામાં સ્‍થળ પર વેપારી પાસે કેટલીક રકમ ભરપાઇ કરવામાં આવતી હોય છે. આ રકમનો ઉલ્લેખ નોટિસમાં સેન્‍ટ્રલ જીએસટી દ્વારા કરવામાં આવે છે. જયારે રકમ વસૂલ કરવામાં આવ્‍યા પછી પણ તેનો ઉલ્લેખ સ્‍ટેટ જીએસટીના અધિકારીઓ કરતા નહીં હોવાના કારણે વેપારીઓને પરેશાની થતી હોય છે.

દરોડા બાદ વેપારીને આપવામાં આવતી નોટિસમાં જે પણ મુદ્દાઓ  ઉઠાવવામાં આવ્‍યો હોય તેની સામે અપીલ કરવાનો રસ્‍તો ખુલ્લો હોય છે. પરંતુ વેપારી જયારે અપીલ કરવા જાય ત્‍યારે તેઓને સૌથી વધુ તકલીફ પડતી હોય છે, કારણ કે સેન્‍ટ્રલ જીએસટી દ્વારા સ્‍થળ પર જે રકમની વસૂલાત કરી હોય તે નોટિસમાં દર્શાવેલી હોવાના કારણે વેપારીએ અપીલ માટે ૧૦ ટકા રકમ ભરવાની હોય તો તે રકમનો ઉલ્લેખ કરીને બાકીની રકમ ભરપાઈ કરી દેતા હોય છે. અથવા કેટલીક વખત તો રકમ વધુ ભરપાઇ કરી દીધી હોય તેવા કિસ્‍સામાં અપીલ માટે ૧૦ ટકા રકમ ભરપાઈ કરવાની થતી જ નથી. જયારે સ્‍ટેટ જીએસટીના અધિકારીઓ દરોડા પાડે ત્‍યારે તે રકમનો ઉલ્લેખ કર્યા વિના બાકીનો કેટલા રૂપિયાનો ટેક્‍સ ભરવાનો છે તેની નોટિસ આપી દે છે. જ્‍યારે રકમ ભરપાઈ કરી  હોય તેની વસૂલાત ગણીને બાકીની રકમની નોટિસ આપતા હોય છે. તેના લીધે વેપારી જયારે અપીલમાં જાય ત્‍યારે નોટિસમાં દર્શાવેલી રકમ પ્રમાણે ટેક્‍સ ભરવાની સ્‍થિતિ ઊભી થતી હોય છે. ત્‍યારે પ્રશ્‍ન એ ઉપસ્‍થિત થયો છે કે જીએસટીનો કાયદો એક હોવા છતાં તેનો અમલ કરવામાં બંને વિભાગના અલગ અલગ કાટલા છે. આ કારણોસર  વેપારીએ તકલીફ વેઠવાનો વારો આવતો હોય છે. જોકે વેપારીઓ પણ જીએસટીના કાયદા પછી ઈન્‍સપેક્‍ટર રાજના કારણે હાલ તો ભારે પરેશાની વેઠી રહ્યા છે. જોકે વખતો વખત જીએસટીના કાયદાની મનમાની અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હોવાના લીધે જ વેપારીઓની હાલત કફોડી બનતી હોય છે.

   સેન્‍ટ્રલ અને સ્‍ટેટ જીએસટીમાં કાયદા અનુસાર જ વસૂલાત કરવામાં આવવી જોઇએ

વેપારી પાસે વસૂલ કરવામાં આવતા સ્‍થળ પરના નાણાંનો ઉલ્લેખ જે રીતે સેન્‍ટ્રલ જીએસટી દ્વારા કરવામાં આવે છે. તે જ પ્રમાણેનો ઉલ્લેખ સ્‍ટેટ જીએસટીના અધિકારીઓએ પણ કરવો જોઇએ, કારણ કે જીએસટીના કાયદો એક હોવા છતાં બંને વિભાગ દ્વારા અલગ અલગ રીતે કાર્યવાહી કરી રહ્યા છે. તેના લીધે વેપારીઓ પર વધારાનો આર્થિક બોજ આવતો હોય છે. તેનું નિરાકરણ ઝડપથી લાવવામાં આવે તો વેપારીઓને થતી તકલીફ દુર થઇ શકે તેમ છે. - વકીલ

(3:37 PM IST)