News of Tuesday, 10th June 2025
વરરાજા જાન લઈને પહોંચ્યા, પણ કન્યાનું આખેઆખું ઘર જ ગાયબ
ગજબનો દાવ થઈ ગયો! લગ્નના નામે નવી સાયબર છેતરપિંડી?

નવી દિલ્હી, તા.૧૦: કલ્પના કરો, વાજતે-ગાજતે વરરાજા સાથે જાન નીકળે છે, જાનૈયાઓ નાચતા દુલ્હનના ઘરે પહોંચે છે... અને ત્યાં પહોંચ્યા પછી ખબર પડે છે કે, દુલ્હન ત્યાં નથી, અને જે શેરીનું સરનામું મળ્યું હતું તે પણ એકદમ ગાયબ થઈ જાય છે! પંજાબના મોગા જિલ્લામાં આવી જ એક ઘટના બની છે. આ ઘટના સામે આવતા જ લોકો ચોંકી ગયા છે.
અમળતસરથી આવેલા વરરાજાના પરિવારે જણાવ્યું કે, છોકરી સાથે ફોન પર વાતચીત શરૂ થઈ હતી. આ સંબંધ વરરાજાની ભાભીએ તેના પિતરાઈ બહેન સાથે નક્કી કર્યો હતો. મહિનાઓની વાતચીત, વીડિયો કોલ, વાતો પછી, લગ્નની તારીખ અને સ્થળ નક્કી થયું હતું. છોકરીએ મોગામાં ગલી નંબર ૫નું સરનામું આપ્યું હતું, જ્યાં જાન સવારે ૧૧ વાગ્યાની આસપાસ પહોંચી હતી.
જાન ગલી નંબર ૫ પર પહોંચતા જ, વરરાજા અને તેના પરિવારને ત્યાં કોઈ મળ્યું નહીં. કોઈ સજાવટ નહોતી, કોઈ સ્વાગત નહોતું, કોઈ મહેમાનો નહોતા. વરરાજા પક્ષે આસપાસ પૂછપરછ કરી, લોકો પાસેથી જાણકારી મેળવી પણ છોકરી વિશે કોઈ માહિતી મળી નહીં. મજબૂરીમાં તેઓએ છોકરીનો ફોટો કાઢયો અને આસપાસના લોકોને બતાવીને માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
એટલું જ નહીં, છોકરી અને તેના પરિવારનો મોબાઇલ ફોન પણ બંધ હતો. ત્યારબાદ જાનૈયાઓને સમજાયું કે, કંઈક ખોટું છે. જાન બપોરથી સાંજ સુધી મોગાની શેરીઓમાં ભટકતી રહી હતી. અંતે, થાકેલા-પાકેલા પરિવાર અને જાનૈયા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
કન્યાના નામે છેતરપિંડી થઈ હોય તેવું આ પહેલીવાર નથી. ડિસેમ્બર ૨૦૨૪ માં પણ, એક પરિવાર દુબઈથી જાન લઈને આવ્યો હતો, સ્થળ અને લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી. છોકરીએ કેટલાક પૈસા પણ માંગ્યા હતા જે મોકલવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લી ઘડીએ ફોન બંધ થઈ ગયો અને લોકેશન ગાયબ થઈ ગયું હતું. તે કેસમાં પણ પોલીસે FIR નોંધી હતી, પરંતુ હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.
પોલીસ હવે આ કેસની સોશિયલ મીડિયા છેતરપિંડી અને સાયબર ક્રાઈમના એંગલથી તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલીક ગેંગ હવે ૅલગ્નૅના નામે લોકોને ભાવનાત્મક રીતે ફસાવીને પૈસા અને પ્રતિષ્ઠા બંને લૂંટી રહી છે. છોકરીના ફોટા, આધાર વિગતો અને કોલ રેર્કોડિંગની તપાસ કરવામાં આવી રહી છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
