<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

મહિલાઓએ બળાત્‍કારીને મારીને સળગાવી દીધો

ઓડીશામાં ગુલાબી ગેંગ જસ્‍ટિસ !

ભુવનેશ્વર, તા.૧૦:  મહિલાઓને ઘરેલુ હિંસા, જાતીય હિંસા અને અન્‍ય જુલમોથી બચાવવા તથા મહિલા સશક્‍તિકરણ માટે કામ કરતી ઉત્તર -દેશની ‘ગુલાબી ગેંગ' ની ચર્ચા ભારત ઉપરાંત દુનિયાભરમાં થઇ ચુકી છે. પીડિત મહિલાઓને ન્‍યાય અપાવવા માટે મહિલાઓનું બનેલું આ સંગઠન અહિંસક અને જરૂર પડ્‍યે હિંસકનો રસ્‍તો પણ અપનાવે છે. વર્ષ ૨૦૧૪માં આ સંગઠન પર આધારિત ‘ગુલાબ ગેંગ' ફિલ્‍મ પણ બની હતી. તાજેતરમાં ઓડીશામાં પણ ‘ગુલાબી ગેંગના ન્‍યાય' જેવી જ ઘટના બની હતી. મહિલાઓના એક જુથે આધેડવયના પુરુષને મારીને લાશ સળગાવી નાખી હતી.

આ ઘટના ઓડિશાના ગજપતિ જિલ્લામાં બની હતી. મહિલાઓના જુથે ૬૦ વર્ષીય પુરુષની હત્‍યા કરી નાખી અને લાશને સળગાવી દીધી, અહેવાલ મુજબ આ પુરુષે કથિત રીતે આ મહિલાઓની જાતિય સતામણી કરી કરી હતી. રોષે ભરાયેલી મહિલાઓએ કાયદો હાથમાં લીધો હતો. આ હત્‍યા બદલ પોલીસે આઠ મહિલાઓ સહિત કુલ ૧૦ લોકોની ધરપકડ કરી છે.

મળતકના પરિવારે મોહના પોલીસ સ્‍ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, ત્‍યાર બાદ પોલીસે શોધખોળ શરૂ કરી હતી. પોલીસને ગામથી લગભગ બે કિલોમીટર દૂર જંગલ નજીક એક ટેકરી પરથી બળી ગયેલા હાડકાં અને રાખ મળી આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્‍યું, ‘અમને ખબર પડી કે તે વ્‍યક્‍તિની હત્‍યા કરવામાં આવી હતી અને પછી લાશને બાળી નાખવામાં આવી હતી. ગામના એક વોર્ડ સભ્‍ય સહિત દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે.'

અધિકારીએ જણાવ્‍યું હતું કે, આ ઘટના ૩ જૂનની રાત્રે બની હતી. ૬૦ વર્ષીય પુરુષે ગામની ૫૨ વર્ષીય વિધવા મહિલા પર કથિત રીતે બળાત્‍કાર ગુજાર્યો હતો. અગાઉ પણ આ પુરુષ દ્વારા જાતીય હુમલાનો ભોગ બનેલી મહિલાઓ સહિત કેટલીક અન્‍ય મહિલાઓએ એક બેઠક યોજી હતી અને તેને મારી નાખવાનો પ્‍લાન બનાવ્‍યો હતો. પોલીસે જણાવ્‍યું કે, આરોપી ચાર વર્ષ પહેલા વિધુર બન્‍યો હતો અને ત્‍યાર બાદથી કથિત રીતે તેણે ગામની કેટલીક મહિલાઓની જાતીય સતામણી કરી હતી.

અહેવાલ મુજબ મહિલાઓ તેના ઘરે ગઈ, આરોપી સૂતો હતો, મહિલાઓએ માર મારીને પુરુષની હત્‍યા કરી. બે પુરુષોએ પણ મહિલાઓને મદદ કરી. પોલીસ અધિકારીએ જણાવ્‍યું, ‘ધરપકડ કરાયેલી છ મહિલાઓએ કબુલ્‍યું છે કે એ પુરુષે તેમનું જાતીય શોષણ કર્યું હતું, આ અત્‍યાચારનો અંત લાવવા મહિલાઓએ આ પગલું ભર્યું હતું. મહિલાઓએ કયારેય પુરુષ (મળતક) વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી ન હતી કે ન તો તેમણે કયારેય કોઈ પ્રકારની મદદ માંગી હતી.

(4:04 PM IST)