<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th June 2025

પૂજ્ય નર્મદા બાના સમાધિસ્થ નિમિત્તે 'સંત ભોજન ભંડારો'નું આયોજન : પૂ. મોરારીબાપુ દ્વારા વૈષ્ણવ સાધુ સમાજને નિમંત્રણ

તા. ૧૩ જૂન, ૨૦૨૫ ને શુક્રવારે સાંજે ૪ વાગ્યે ચિત્રકૂટધામ, તલગાજરડા ખાતે વિવિધ મંડળોના સંતોને પધારવા ભાવભર્યું આમંત્રણ

તલગાજરડા, ભાવનગર : 'રામ' નામનો મહિમા ગાતા અને કથાના માધ્યમથી સમાજને સન્માર્ગે વાળતા પરમ પૂજ્ય મોરારીબાપુના ધર્મપત્ની પૂજ્ય નર્મદા બાના સમાધિસ્થ નિમિત્તે એક દિવ્ય અને ભવ્ય 'સંત ભોજન ભંડારો' નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભંડારો તા. ૧૩ જૂન, ૨૦૨૫ ને શુક્રવારે સાંજે ૪:૦૦ કલાકે પૂ. બાપુ (ચિત્રકૂટધામ, તલગાજરડા) દ્વારા ચિત્રકૂટધામ, તલગાજરડા ખાતે જ યોજવામાં આવશે.

આ પવિત્ર પ્રસંગે, વિશેષ રૂપે વૈષ્ણવ સાધુ સમાજના આમંત્રિત મંડળોને પધારવા માટે પૂજ્ય મોરારીબાપુ તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ભંડારામાં "અખેગઢ", "શેલ-ખંભાળિયા", "ફુલસર-વાવડી", "રોયલ", "કાંત્રોડી", "પીપરડી", અને "કાલાવડ" મંડળના સર્વે વૈષ્ણવ સાધુ સમાજને પધારવા માટે વિનંતી કરવામાં આવી છે.

પૂજ્ય નર્મદા બાનું સમાધિસ્થ થયા છે ત્યારે તેમના નિમિત્તે આયોજિત આ સંત ભોજન ભંડારો, તેમની સ્મૃતિને તાજી કરશે અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર પૂરો પાડશે. પૂજ્ય મોરારીબાપુ દ્વારા સંતોને પધારી આ ભંડારાની શોભા વધારવા અને દિવ્ય આશીર્વાદ આપવા વિનંતી કરવામાં આવી છે. જય સિયારામ...

 

(9:31 PM IST)