<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th June 2025

ડ્રેગનની ઊંઘ હરામ! ભારતનો ગાઢ મિત્ર જાપાન બન્યું વધુ શક્તિશાળી : લાંબા અંતરની મિસાઈલોના પરીક્ષણથી ચીન કેમ ધ્રૂજી ઉઠ્યું?

માઉન્ટ ફુજી ખાતે 'ટાઇપ-૧૨' સરફેસ-ટુ-શિપ અને 'હાઇપરસોનિક' ગ્લાઇડિંગ પ્રોજેક્ટાઇલનું સફળ પરીક્ષણ : ચીને 'શાંતિવાદી બંધારણ'ના ભંગ અને 'આક્રમક ક્ષમતા' વિકસાવવાનો લગાવ્યો આરોપ

ટોક્યો/બીજિંગ : ભારતના ગાઢ મિત્ર અને એશિયાના શક્તિશાળી દેશ જાપાને તાજેતરમાં લાંબા અંતરની એન્ટી-શિપ અને હાઇપરસોનિક મિસાઇલોના સફળ પરીક્ષણો કરીને ચીનની ઊંઘ હરામ કરી દીધી છે. જાપાને રવિવારે માઉન્ટ ફુજી ખાતે તેની વાર્ષિક લાઇવ ફાયર કવાયત દરમિયાન આ શક્તિશાળી મિસાઇલોનું પરીક્ષણ કર્યું હતું. આ પગલાથી નારાજ થયેલા ચીને તાત્કાલિક પ્રતિક્રિયા આપતા જાપાનને તેના શાંતિવાદી બંધારણની યાદ અપાવવાનું શરૂ કરી દીધું છે અને આક્ષેપ કર્યો છે કે જાપાને આ પગલું ભરીને પ્રાદેશિક સુરક્ષાને જોખમમાં મૂકી છે.
ચીનનો ફફડાટ: 'પ્રથમ હુમલાની ક્ષમતા' વિકસાવવાનો આરોપ
ચીનના સૈન્ય અખબાર પીપલ્સ લિબરેશન આર્મી ડેઇલી માં બુધવારે પ્રકાશિત થયેલા એક અહેવાલમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, જાપાન દ્વારા પરીક્ષણ કરાયેલી આ મિસાઇલોની વધેલી રેન્જ આસપાસના ઘણા વિસ્તારો માટે ખતરો ઉભો કરી શકે છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પરીક્ષણ કરીને, જાપાને તેના શાંતિવાદી બંધારણની મર્યાદાઓ ઓળંગી દીધી છે, જે જાપાનના સ્વ-રક્ષા દળોને આક્રમક શસ્ત્રો રાખવાની મંજૂરી આપતું નથી.
ચીને એવો પણ આરોપ લગાવ્યો છે કે જાપાને આંતરરાષ્ટ્રીય ટીકાથી બચવા માટે ઓકિનાવા જેવા સંવેદનશીલ ગણાતા વિસ્તારો વ્યૂહાત્મક રીતે પસંદ કર્યા છે. પીએલએ ડેઇલી ભારપૂર્વક કહે છે કે સંરક્ષણ ક્ષમતા વધારવાના નામે, જાપાન ખરેખર "પ્રથમ હુમલો ક્ષમતા" (First-Strike Capability) પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યું છે. બીજા વિશ્વયુદ્ધ પછી, જાપાનના બંધારણમાં શાંતિની શરત તરીકે એવું મૂકવામાં આવ્યું હતું કે તે ફક્ત સ્વ-બચાવ માટે સૈન્ય રાખી શકશે અને કોઈ આક્રમક હુમલો કરશે નહીં.
જાપાને કઈ મિસાઇલોનું પરીક્ષણ કર્યું?
જાપાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પરીક્ષણ કરાયેલી મિસાઇલોમાં અપગ્રેડેડ ટાઇપ-૧૨ સરફેસ-ટુ-શિપ મિસાઇલ અને હાઇપરસોનિક હાઇપર વેલોસિટી ગ્લાઇડિંગ પ્રોજેક્ટાઇલ (HVGP) શામેલ છે. આ મિસાઇલો જાપાનના દક્ષિણમાં આવેલા વ્યૂહાત્મક ટાપુ ક્યુશુમાં તૈનાત કરવામાં આવશે, જ્યારે HVGP ઉત્તરીય ટાપુ હોક્કાઇડોમાં પણ તૈનાત કરી શકાય છે, જે ચીન અને રશિયા બંનેની નજીક છે.
ભારત-જાપાન મિત્રતા: વિકાસમાં ભાગીદારી
આ ભૌગોલિક-રાજકીય વિકાસ વચ્ચે, એ પણ નોંધનીય છે કે ભારત અને જાપાન બે ગાઢ મિત્રો છે અને વ્યૂહાત્મક ભાગીદારો છે. જાપાને ભારતના માળખાગત વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ખાસ કરીને, જાપાને ભારતની મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ખૂબ જ ઓછા વ્યાજ દરે મોટી લોન પણ આપી હતી.
ભારતને જાપાનીઝ ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) તરફથી આ પ્રોજેક્ટ માટે ભંડોળ મળ્યું હતું, જેમાં ૫૦ વર્ષના લીઝ પર માત્ર ૧ ટકાના વ્યાજ દરે સોફ્ટ લોન દ્વારા ૮૮ હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ લોનની ચૂકવણી લોન આપવામાં આવી તેના દિવસથી ૧૫ વર્ષ પછી શરૂ કરવાની છે, જે દર્શાવે છે કે જાપાન ભારતનું માત્ર વ્યૂહાત્મક જ નહીં, આર્થિક ભાગીદાર પણ છે. જાપાનની આ નવી સૈન્ય ક્ષમતાઓ એશિયામાં શક્તિ સંતુલન પર કેવી અસર કરશે તે જોવું રસપ્રદ રહેશે.

 

(10:00 PM IST)