News of Thursday, 12th June 2025
પ્રણય ત્રિકોણમાં માણસનું ગળું દબાવીને હત્યાઃ લાશ આઈસ્ક્રીમ ફ્રીઝરમાં રાખવામાં આવી
પ્રેમ, ઈર્ષ્યા અને વિશ્વાસઘાતઃ ત્રિપુરાના ધલાઈ જિલ્લાના ગંડાચેરા બજારમાં થયેલી સનસનાટીભરી હત્યાએ સમગ્ર વિસ્તારમાં હંગામો મચાવ્યો

અગરતલા, તા.૧૨: ત્રિપુરાના ધલાઈ જિલ્લાના ગંડાચેરા બજારમાં થયેલી સનસનાટીભરી હત્યાએ સમગ્ર વિસ્તારમાં હંગામો મચાવ્યો છે. ૨૪ વર્ષીય યુવક શરીફુલ ઇસ્લામની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને તેનો મળતદેહ આઈસ્ક્રીમ ફ્રીઝરમાં છુપાવી દેવામાં આવ્યો હતો. પોલીસે આ જઘન્ય ગુનામાં છ લોકોની ધરપકડ કરી છે, જેમાં એક ડૉક્ટર અને તેના માતાપિતાનો પણ સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં આ હત્યાનું કારણ પ્રેમ ત્રિકોણ જણાવવામાં આવી રહ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, શરીફુલ ઇસ્લામ અગરતલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો. તેનું ૨૦ વર્ષની છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. બીજી તરફ, છોકરીના પિતરાઈ ભાઈ, ડૉ.દિબાકર સાહા (૨૮), પણ એ જ છોકરી સાથે પ્રેમમાં હતા. આ પ્રેમ ત્રિકોણને કારણે, દિબાકરે શરીફુલને ખતમ કરવા માટે કાવતરું રચ્યું. તેમણે કહ્યું કે તાજેતરના ઝઘડા પછી, પ્રેમીઓ એકબીજા સાથે વાત કરી રહ્યા ન હતા અને પિતરાઈ ભાઈને તેની ખબર પડી ગઈ.
પશ્ચિમ ત્રિપુરાના પોલીસ અધિક્ષક કિરણ કુમારે જણાવ્યું હતું કે ૮ જૂનની રાત્રે, દિબાકરે શરીફુલને ભેટ આપવાના બહાને દક્ષિણ ઇન્દ્રનગરમાં જોયદીપ દાસના ઘરે બોલાવ્યો. ત્યાં પહોંચ્યા પછી, દિબાકરે તેના સાથીઓ - જોયદીપ દાસ (૨૦), અનિમેષ યાદવ (૨૧) અને નબનીતા દાસે (૨૫) સાથે મળીને શરીફુલનું ગળું દબાવીને હત્યા કરી દીધી. હત્યા પછી, લાશને ટ્રોલી બેગમાં પેક કરીને બીજી જગ્યાએ લઈ જવામાં આવી.
૯ જૂનના રોજ, દિબાકરના માતાપિતા, દીપક સાહા (૫૨) અને દેબિકા સાહા (૪૦) ગંડાચેરાથી અગરતલા વાહન લઈને ગયા. તેઓ મળતદેહને ગાંડાચેરા લઈ ગયા અને અગરતલાથી લગભગ ૧૨૦ કિમી દૂર આવેલી તેમની આઈસ્ક્રીમની દુકાનમાં ફ્રીઝરમાં છુપાવી દીધો. પોલીસે જણાવ્યું હતું કે દિબાકરે હત્યાના બે દિવસ પહેલા એક સુટકેસ ખરીદી હતી, જેમાં શરીફુલનો મળતદેહ પેક કરવામાં આવ્યો હતો.
શરીફુલના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ ત્રિપુરા પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્રણ દિવસની સઘન તપાસ બાદ, પોલીસે બુધવારે ગાંડાચેરા બજારમાં ફ્રીઝરમાંથી લાશ શોધી કાઢી. તપાસ દરમિયાન, પોલીસને શરીફુલ અને મહિલા વચ્ચેના પ્રેમ સંદેશાઓના પુરાવા મળ્યા, જે પ્રેમ ત્રિકોણની પુષ્ટિ કરે છે. પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે - ડૉ.દિબાકર સાહા, તેના માતાપિતા દીપક સાહા અને દેબિકા સાહા, નબનીતા દાસ, જોયદીપ દાસ અને અનિમેષ યાદવ. બધા આરોપીઓને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં સામેલ તમામ છ આરોપીઓએ તેમની ભૂમિકા કબૂલી લીધી છે. દિબાકર સાહા વ્યવસાયે ડૉક્ટર છે અને તેમણે બાંગ્લાદેશથી MBBS કર્યું છે. તે આ હત્યાનો મુખ્ય કાવતરું ઘડનાર માનવામાં આવે છે.
તાજેતરના સમયમાં ત્રિપુરામાં પ્રકાશમાં આવેલા ગુનાહિત કેસોમાં આ હત્યા બીજી એક ચોંકાવનારી ઘટના છે. થોડા દિવસો પહેલા જ પડોશી રાજ્ય મેઘાલયમાં હનીમૂન હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેણે સમગ્ર દેશમાં હંગામો મચાવ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર પ્રેમ ત્રિકોણમાંથી ઉદ્ભવતી હિંસક ઘટનાઓ પર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ અધિક્ષક કિરણ કુમારે કહ્યું, આ એક દુઃખદ અને જઘન્ય ગુનો છે. અમારી તપાસ ચાલુ છે, અને અમે ખાતરી કરીશું કે બધા ગુનેગારોને કડક સજા મળે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
