News of Thursday, 12th June 2025
આધાર વિના હવે નહીં મળે તત્કાલ ટિકિટઃ ૧ જુલાઈથી નવા નિયમો લાગુ
તત્કાલ લેવું યોજનાનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે રેલ્વે બોર્ર્ડ એક મોટું પગલું ભર્યુ

નવી દિલ્હી તા.૧૨: ટ્રેનોમાં બર્થ કે સીટ માટે તત્કાલ યોજનાનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે, રેલ્વે બોર્ડે એક મોટું પગલું ભર્યું છે. ૧ જુલાઈથી, તત્કાલ યોજના હેઠળ સીટ કે બર્થ ફક્ત ત્યારે જ બુક કરી શકાશે જ્યારે સીટ લેનાર વ્યક્તિ આધાર દ્વારા ચકાસાયેલ હોય. રેલ્વે બૉર્ડે આ સંદર્ભમાં જરૂરી આદેશ જાહેર કર્યો છે.
શું છે રેલ્વે બોર્ડનો આદેશ?
રેલ્વે બોર્ડ દ્વારા તમામ ઝોનલ રેલ્વેને મોકલવામાં આવેલા આદેશમાં જણાવાયું છે કેઃ ૦૧-૦૭-૨૦૨૫ થી, તત્કાલ યોજના હેઠળ ટિકિટ ફક્ત આધાર પ્રમાણિત યુઝર્સ દ્વારા જ IRCTC વેબસાઇટ અથવા એપ્લિકેશન પરથી બુક કરી શકાય છે. IRCTC એ ભારતીય રેલ્વેની ટિકિટ બુકિંગ વેબસાઇટ છે. આધાર પ્રમાણિત યુઝર્સનો અર્થ એ છે કે તમારું આધાર કાર્ડ IRCTC એકાઉન્ટ સાથે લિંક હોવું જોઈએ.
OTP પણ દાખલ કરવો પડશે
માત્ર આટલું જ નહીં, ૧૫ જુલાઈ, ૨૦૨૫ થી બીજો નિયમ અમલમાં આવશે. હવે તત્કાલ ટિકિટ બુક કરતી વખતે, આધાર સાથે લિંક કરેલ OTP પણ દાખલ કરવો પડશે. OTP તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઇલ નંબર પર આવશે.
નવા નિયમને આ રીતે સમજો
૧. ૧ જુલાઈ, ૨૦૨૫ થી, તત્કાલ ટિકિટ IRCTC વેબસાઇટ અથવા ઍપ પર ત્યારે જ ઉપલબ્ધ થશે જ્યારે યુઝર્સનું એકાઉન્ટ (Users Account) આધાર સાથે ચકાસાયેલ હશે.
૨. ૧૫ જુલાઈ, ૨૦૨૫ થી, ટિકિટ બુક કરતી વખતે આધાર OTP પણ દાખલ કરવો પડશે.
ટિકિટ એજન્ટસ માટે પણ નવો નિયમ
રેલ્વેએ ટિકિટ એજન્ટસ માટે પણ નિયમો બનાવ્યા છે. એજન્ટસ હવે તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ થયાના પ્રથમ ૩૦ મિનિટ માટે ટિકિટ બુક કરી શકશે નહીં. એસી ક્લાસ માટે, આ સમય સવારે ૧૦.૦૦ થી ૧૦.૩૦ વાગ્યા સુધીનો રહેશે અને નોન-એસી ક્લાસ માટે, તે સવારે ૧૧:૦૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધીનો રહેશે.
CRIS ને માહિતી આપવામાં આવી છે
રેલ્વે મંત્રાલયે CRIS અને IRCTC ને જરૂરી ફેરફારો કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે CRIS રેલ્વે માટે IT સિસ્ટમ બનાવે છે. IRCTC આ ફેરફારોને તમામ રેલ્વે વિભાગોને જણાવશે.
આવા જ એક અપડેટમાં, ભારત સરકારે એક નવી અને અત્યાધુનિક ડિજીટલ સરનામાંની સિસ્ટમ લોન્ચ કરી છે, જેનું નામ છે DIGIPIN. આ એક ૧૦ અક્ષરી અલ્ફાન્યૂમેરિક કોડ છે, જે ભારતના કોઈપણ સ્થળ માટે એકદમ ચોક્કસ જિયો-લોકેટેડ સરનામું (Address) આપવામાં સક્ષમ છે.
આ નવી સિસ્ટમ લગભગ 4X4 સ્ક્વેર મીટરની એક ગ્રિડને કવર કરે છે, જેથી આ ખાસ કરીને તે ક્ષેત્રોમાં મદદરૂપ સાબિત થશે જ્યાં પારંપરિક સરનામું પ્રણાલી સ્પષ્ટ નથી અથવા સરનામું જ નથી હોતું.(૩૮.૧૭)
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
