<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

મોનાલિસાને ફિલ્‍મમાં ચાન્‍સ આપનારા ડિરેક્‍ટર સામે દુષ્‍કર્મની ફરિયાદ નોંધાવનારી લુટેરી દુલ્‍હન નીકળી

નવી દિલ્‍હી, તા.૧૨: કુંભ ગર્લ મોનાલિસાને હીરોઈન બનાવનાર ડાયરેક્‍ટર સનોજ મિશ્રા પર રેપનો આરોપ લગાવનાર પૂજા મિશ્રા હવે પોતે જ જેલમાં છે. પૂજાએ અગાઉ પોતાને સનોજ મિશ્રાની આસીસ્‍ટન્‍ટ ડાયરેક્‍ટર બતાવી હતી અને તેમના પર ગંભીર આરોપ લગાવ્‍યા હતા. પણ પછી તે સોશિયલ મીડિયા પર સનોજની પત્‍ની સાથે દેખાવા લાગી અને આરોપો પાછા ખેંચી લીધા. જો કે વાત અહીં અટકી નહી. જોધપુર પોલીસે તેની ૨૦૨૪ના ચર્ચિત લૂટેરી દુલ્‍હન કેસ સંબંધમાં ધરપકડ કરી છે.

જોધપુરના ઝાલામંડ ક્ષેત્રના નિવાસી દેવારામ પ્રજાપતે આરોપ લગાવ્‍યો છે કે પૂજા મિશ્રાએ એક દલાલ વિમલા દેવી સાથે મળીને પોતાનું ખોટુ નામ અને સરનામુ બતાવીને તેની સાથે ૧૦ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૪ના રોજ લગ્ન કર્યા હતા. પૂજાએ ત્‍યારે પોતાની ઓળખ બિહારની નમી મિશ્રા તરીકે આપી હતી. દેવારામે વિમલા દેવની બે લાખ રૂપિયા દલાલી પેટે ચૂકવ્‍યા હોવાનું જણાવ્‍યું. લગ્નના આઠ જ દિવસ પછી પૂજા રોકડ અને દાગીના લઈને નાસી ગઈ. લાંબો સમય શોધ કર્યા પછી દેવારામે તેને સોશિયલ મીડિયા પર એક ઈન્‍ટરવ્‍યુમાં જોઈ અને ઓળખી લીધી અને પોલીસને જાણ કરી.

પોલીસ તપાસમાં જાણ થઈ કે પૂજાએ બનાવટી ઓળખ બનાવીને લગ્ન કર્યા હતા. બિહારની હોવાનું જણાવીને લગ્ન કરનાર પૂજા અસલમાં યુપી ઝાંસીની નિવાસી છે અને તેનું ખરુ નામ પૂજા દેવી છે.

આ સમગ્ર ઘટનાક્રમે પૂજાના અનેક ચહેરા બેનકાબ કર્યા અને તેની છેતરપિંડીની પદ્ધતિ ઉજાગર કરી.  પોલીસ હવે પૂજાએ અન્‍ય કેટલા લોકો સાથે ઠગાઈ કરીને લૂટ ચલાવી છે તેની તપાસ કરી રહી છે

(10:53 AM IST)