News of Thursday, 12th June 2025
EDનું મેગા સર્ચ ઓપરેશન : ₹૨૭૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીના ૨૪ સ્થળો પર દરોડા!
અમદાવાદના ધોલેરામાં 'નેક્સા એવરગ્રીન' પ્રોજેક્ટ પણ EDની તપાસના દાયરામાં : રોકાણકારો સાથે છેતરપિંડીનો થશે પર્દાફાશ!

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે ગુરુવારે સવારથી જ ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીમાં લગભગ ૨૪ સ્થળોએ દરોડા પાડીને ખળભળાટ મચાવ્યો છે. આ દરોડા ₹૨૭૦૦ કરોડના મોટા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં પાડવામાં આવ્યા છે, જેમાં રોકાણકારો સાથે મોટા પાયે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
દરોડાનું મુખ્ય કેન્દ્ર:
ED ની ટીમોએ રાજસ્થાનના સીકર, જયપુર, જોધપુર, અને ઝુનઝુનુ જેવા શહેરોમાં તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદ અને દેશની રાજધાની દિલ્હી માં પણ દરોડા પાડવામાં આવ્યા છે.
અમદાવાદનો 'નેક્સા એવરગ્રીન' પ્રોજેક્ટ રડાર પર:
આ દરોડામાં અમદાવાદના ધોલેરા ખાતેના 'નેક્સા એવરગ્રીન' નામના પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં ED ની ટીમોએ ખાસ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, 'નેક્સા એવરગ્રીન' દ્વારા રોકાણકારોને સારા વળતર અને પ્લોટ આપવાના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. પ્રોજેક્ટમાં રોકાણ કરનારાઓને કંપની દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તેમને ચોક્કસ સમયગાળા પછી ફ્લેટ, જમીન અથવા ઊંચા દરે તેમના પૈસા પાછા મળશે, પરંતુ આ વચનો પાળવામાં આવ્યા ન હોવાનું મનાય છે.
પોલીસ ફરિયાદ અને EDની કાર્યવાહી:
આ કૌભાંડને લઈને રાજસ્થાન પોલીસે અગાઉ ઘણા લોકો સામે FIR પણ દાખલ કરી હતી. આ FIR ના આધારે, ED દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ED નો મુખ્ય ઉદ્દેશ્ય આ છેતરપિંડી દ્વારા કમાવેલા નાણાંના ગેરકાયદેસર પ્રવાહને શોધી કાઢવાનો અને તેમાં સંડોવાયેલા તમામ આરોપીઓને કાયદાના સકંજામાં લેવાનો છે. આ દરોડા આગામી સમયમાં કેટલાક મોટા ખુલાસાઓ કરી શકે તેવી શક્યતા છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
