News of Thursday, 12th June 2025
જાંઘમાં ગાંઠને કારણે ૩૦ વર્ષથી પથારીવશ હતા, ડોક્ટરોએ સર્જરી કરીને ૮.૫ કિલોનું ટયુમર કાઢયું

જયપુર, તા.૧૨: રાજસ્થાનના જયપુરમાં સવાઈ માનસિંહ હૉસ્પિટલમાં ડૉક્ટરોએ ૩૦ વર્ષથી એક ટયુમરને કારણે હેરાન થતા દરદીને નવું જીવન આપતી સર્જરી કરી હતી. ધૌલપુર જિલ્લામાં રહેતા ૬૮ વર્ષના રામબાબુ નામના દરદીને જમણા પગની જાંઘમાં ગાંઠ થઈ હતી જે ધીમે-ધીમે વધી રહી હતી અને એ ટયુમરને કારણે અસહ્ય પીડા થતી હતી. સમયની સાથે ગાંઠનો આકાર વધતો ગયો અને પગ હલાવવાનું પણ મુશ્કેલ થતું ગયું. ૩૦ વર્ષથી દાદા પથારીવશ હતા. સવાઈ માનસિંહ હૉસ્પિટલના સર્જરી વિભાગના સિનિયર ડૉ. નરેન્દ્ર શર્માની ટીમે સર્જરી કરીને આ ગાંઠ દૂર કરી હતી. સામાન્ય રીતે આટલું મોટું ટયુમર કાઢવાનું હોય ત્યારે રક્તસ્રાવ થવાની સંભાવના વધી જાય છે. નિષ્ણાતોએ અત્યાધુનિક ટેક્રિકની મદદથી ખૂબ જ ઓછા રક્તસ્રાવ સાથે સર્જરી પૂરી કરી હતી. આ સર્જરી મુખ્યમંત્રી આયુષમાન આરોગ્ય યોજના હેઠળ ફ્રીમાં કરવામાં આવી હતી. રાજસ્થાનની આ હૉસ્પિટલમાં આ પહેલાં કયારેય આટલી મોટી ગાંઠની સર્જરી થઈ નથી. પગમાંથી સર્જનોએ ૩૫ બાય ૨૫ બાય૧૨ સેન્ટિમીટરની આખેઆખી ગાંઠ કાઢી હતી.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
