<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

પિતાનો બિઝનેસ સંભાળવા માટે કર્યું હતું એમબીએ

અમદાવાદમાં ભાઈ-બહેનનું એક સાથે મોતઃબંને ભાઈ-બહેન ફરવા માટે થઈને લંડન જઈ રહ્યા હતા, જ્યાં તેમના એક મિત્ર પાસે રોકાવાનો પ્લાન હતો

અમદાવાદ, તા.૧૨

અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાથી ઉદયપુર પણ હચમચી ગયું છે. આ વિમાનમાં ઉદયપુરના ચાર સ્થાનિકો સવાર હતા. તેમાં ઉદયપુરના માર્બલ વેપારી પિક્નુ મોદીના ૨૪ વર્ષનો દીકરો શુભ અને ૨૨ વર્ષની દીકરી શગુન મોદી બેઠેલા હતા. તો વળી રુંડેડા ગામના વર્દીચંદ મેનારિયા અને પ્રકાશ મેનારિયા પણ અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા. દુર્ઘટનાના સમાચાર મળતા જ પિક્નુ મોદીનો પરિવાર અમદાવાદ રવાના થઈ ચૂક્યો છે. તો વળી મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા બાદ ઉદયપુર જિલ્લા કલેક્ટર સાથે વાત કરી મુસાફરોની સ્થિતિ વિશે જાણકારી લીધી.

શુભ મોદી (૨૪ વર્ષ) અને શગુન મોદી (૨૨ વર્ષ) બંને ઉદયપુરના માર્બલ વેપારી પિક્નુ મોદીના દીકરો અને દીકરી છે. બંનેએ એમબીએનો અભ્યાસ પૂરો કર્યો હતો અને હવે પિતાના બિઝનેસમાં મદદ કરી રહ્યા હતા. જાણકારી અનુસાર, બંને ભાઈ-બહેન ફરવા માટે થઈને લંડન જઈ રહ્યા હતા, જ્યાં તેમના એક મિત્ર પાસે રોકાવાનો પ્લાન હતો. વિમાન દુર્ઘટનાના સમાચાર આવ્યા બાદ પિક્નુ મોદીનો આખો પરિવાર અમદાવાદ રવાના થઈ ગયો. શુભ અને શગુનનું નામ પેસેન્જર લિસ્ટમાં ક્રમાંક ૯૮ અને ૯૯ પર હતા. આ દરમિયાન સ્થાનિક લોકો પણ તેમના ઘરે એકઠા થઈ રહ્યા છે. આ ફ્લાઈટમાં ઉદયપુર જિલ્લાના રુંડેડા ગામના રહેવાસી વર્દીચંદ મેનારિયા અને પ્રકાશ મેનારિયા પણ સવાર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને લંડનમાં શેફનું કામ કરતા હતા. કામના અર્થે પરત ફરી રહ્યા હતા. તેમનું નામ પેસેન્જર લિસ્ટમાં ક્રમાંક ૯૦ અને ૯૧ પર હતા.

અહીં ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભર્યાની થોડી જ મિનિટો બાદ બપોરે લગભગ ૧.૪૦ વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. વિમાનમાં ચાલક દળ સહિત કુલ ૨૪૨ લોકો સવાર હતા. અત્યાર સુધી આ દુર્ઘટનામાં એવું કહેવાય છે કે કોઈ મુસાફર બચી શક્યું નહીં.

(10:41 PM IST)