News of Thursday, 12th June 2025
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આણંદના ૩૩ લોકો હતા સવાર
બપોરના સમયે ભીષણ વિમાન દુર્ઘટના સર્જાઈ હતીઃઅમદાવાદમાં વિમાન દુર્ઘટના સમયે આણંદના જાણીતા બિલ્ડર હાલાની પરિવારના ૩ સભ્યો સામેલ હતા

અમદાવાદ, તા.૧૨
અમદાવાદ એરપોર્ટ પર બુધવારે બપોરના સમયે ભીષણ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં આણંદના ૩૩ મુસાફરોના સવાર હોવાની વિગત સામે આવી છે. આણંદ જિલ્લા કલેક્ટરે વિમાનમાં ૩૩ લોકો સવાર હોવાની પુષ્ટિ કરી છે. દુર્ઘટના સમયે આણંદના જાણીતા બિલ્ડર હાલાની પરિવારના ૩ સભ્યો સામેલ હતા. વિમાન દુર્ઘટનાની જાણ થતા હાલાની પરિવારના સંબંધીઓ અમદાવાદ દોડી આવ્યાં છે.
દુર્ઘટનામાં ભોગ બનેલા મુસાફરોમાં સોજીત્રા, બોરસદ, તારાપુર, કરમસદ,ચિખોદરા, ફાગણી, ખંભોળજ, ઉમરેઠ, કસુંબાડનાં લોકોનો સમાવેશ થાય છે. લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહી હતી. દુર્ઘટના એટલી ભીષણ છે કે, મૃતકોની ઓળખ કરવી મુશ્કેલી બની રહી છે. હાલ તમામ મૃતકોની ઓળખવિધિ હાથ ધરવામાં આવી છે. મૃતકોની ઓળખ કરવા માટે DNA ટેસ્ટ કરવામાં આવશે.
આ દુર્ઘટના અંગે ધનંજય દિવેદીએ માહિતી આપી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, એઆઈ ૧૭૧ ફ્લાઇટ માં ૨૩૦ પેસેન્જર સવાર હતા.
આજે બપોરે ૧.૪૦ કલાકે આ પ્લેન ટેકઓફ થતાની સાથે આ મોટી દુર્ઘટના ઘટી છે. આ પ્લેન જે બિલ્ડિંગ સાથે અથડાયી તે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાટર, હોસ્ટેલ અને રહેણાંક વિસ્તાર હતો. ત્યાંના સ્થાનિક લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
