<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

મહારાષ્ટ્રના સંભાજીનગરમાં પ્રાણી સંગ્રહાલયની દિવાલ ધરાશાયી :કાટમાળ નીચે દટાઈ જતા બે મહિલાના મોત

મહારાષ્ટ્રના સંભાજીનગરમાં ભારે પવન સાથે વાવાઝોડાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના સિદ્ધાર્થ ગાર્ડન (પ્રાણી સંગ્રહાલય) ના મુખ્ય દરવાજા પરની દિવાલ ધરાસાયી થતા કાટમાળ નીચે દટાઈને બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા.

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં અચાનક જોરદાર પવન સાથે વાવાઝોડું ફૂંકાયું. થોડીવારમાં જ શહેરના ઘણા વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા. આ દરમિયાન એક દુ:ખદ અકસ્માત સર્જાયો. અહીં, મ્યુનિસિપલ કોર્પોરેશનના સિદ્ધાર્થ ગાર્ડન (પ્રાણી સંગ્રહાલય) ના મુખ્ય દરવાજાની ઉપરની દિવાલ નીચે રસ્તા પર પડી ગઈ, જેના કારણે કાટમાળ નીચે દટાઈને બે મહિલાઓના મોત થયા અને કેટલીક અન્ય ઘાયલ થઈ ગઈ.

    ક્રેનની મદદથી કાટમાળ દૂર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બે મહિલાઓના મોત થઈ ગયા હતા. ઘાયલોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ મ્યુનિસિપલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાનો તાગ મેળવ્યો હતો. ઘટના અંગે માહિતી આપતા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર જી શ્રીકાંતે જણાવ્યું હતું કે બુધવારે સાંજે 6 થી 6:30 વાગ્યાની વચ્ચે વરસાદ પડી રહ્યો હતો 

  

તેમણે કહ્યું કે વરસાદની સાથે સાથે તોફાન અને જોરદાર પવન પણ આવ્યો હતો. આ દરમિયાન સિદ્ધાર્થ ગાર્ડન (પ્રાણી સંગ્રહાલય) ના મુખ્ય દરવાજાની દિવાલ પડી ગઈ. મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરે જણાવ્યું કે દિવાલ પડવાથી કાટમાળ નીચે દબાઈ જવાથી બે મહિલાઓના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરે કહ્યું કે ઘાયલોની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 

મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે આ ગેટ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓને મ્યુનિસિપલ કોર્પોરેશન 5 લાખ રૂપિયા આપશે. મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરનું કહેવું છે કે સિદ્ધાર્થ ગાર્ડન આગામી સાત દિવસ બંધ રહેશે અને તેમાં બનેલી ઇમારતોનું ઓડિટ કરવામાં આવશે.

દરમિયાન, છત્રપતિ સંભાજીનગર પોલીસ કમિશનર પ્રવીણ પવારે જણાવ્યું હતું કે આ સંદર્ભમાં મહાનગરપાલિકા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવશે અને કોન્ટ્રાક્ટર સામે કેસ દાખલ કરવામાં આવશે

(11:08 PM IST)