News of Friday, 13th June 2025
પ્લેન ક્રેશમાં મૃતકના પરિજોના DNA મેળવવા ૪૦ અધિકારીઓને વિશેષ ફરજ સોંપાઇ
ડીએનએ મેચ થયા બાદ જ મૃતદેહની સોંપણી કરવામાં આવશે

વડોદરા તા.૧૩: અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થતા તેમાં ૨૭૦ થી વધુ મુસાફરોના મૃત્યું થયા છે. આ ઘટનામાં વડોદરામાંથી ૩૧ જેટલા મુસાફરોના મૃત્યું થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે વડોદરા જિલ્લા કલેક્ટરેટ દ્વારા મૃતકોના પરિજનોના ડીએનએ મેળવવાની કામગીરી માટે ૪૦ અધિકારીઓને વિશેષ ફરજ સોંપવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. મૃતકોના જે તે હાલતમાં મૃતદેહ મળ્યા છે, તેનું ડીએનએ અને પરિજનનું ડીએનએ મેચ કરીને ત્યાર બાદ જ તેની સોંપણી કરવામાં આવશે. મોડી રાત્રે જિલ્લા કલેક્ટર દ્વારા આ આદેશ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ડીએનએ મેચ થયા બાદ મૃતદેહની સોંપણી કરવામાં આવનાર છે
અમદાવાજ પ્લેન ક્રેશની ઘટનાને પગલે દુનિયાભરમાં ચકચાર મચી જવા પામી છે. લંડન માટે ઉડાન ભરેલી ફ્લાઇટ ગણતરીની સેકંડોમાં જ ક્રેશ થઇ ગઇ હતી. આ ઘટનામાં ૨૭૦ થી વધુ મુસાફરોનું મૃત્યું થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. તે પૈકી બિનસત્તાવાર રીતે ૩૧ મુસાફરો વડોદરા શહેર જિલ્લાના હોવાનું સપાટી પર આવ્યું છે. જો કે, સરકારી ચોપડે ૨૦ મુસાફરોના નામો જ અત્યાર સુધી પહોંચ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. અમદાવાદ પ્લેન ક્રેશનમાં મુસાફરોના મૃતદેહોનું જે તે સ્થિતીમાં ડીએનએ મેળવવામાં આવશે. સામે મુસાફરોના પરિજનનું ડીએનએ મેળવવામાં આવશે. ડીએનએ મેચ થયા બાદ મૃતદેહની સોંપણી કરવામાં આવનાર છે.
મોડી રાત્રે જવાબદારી સોંપવામાં આવી
વડોદરાના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્લેનમાં વડોદરાના યાત્રીઓના પરિજનોના ડીએનએ મેળવવા માટે ગત રાત્રે ૪૦ અધિકારીઓને વિશેષ ફરજ સોંપવામાં આવી છે. આ અધિકારીઓને મોડી રાત્રે જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરાનું વહીવટી તંત્ર અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદથી મદદ માટે ખડેપગે તૈયાર રહ્યું છે. વડોદરામાંથી ફાયર બ્રિગેડની ટુકડી, અને બ્લડ - પ્લાઝમા ની મદદ અગાઉ મોકલી આપવામાં આવી છે.(૩૮.૧૨)
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
