News of Friday, 13th June 2025
‘‘મારો નાનો ભાઈ સૂતો હતો અને સૂતો જ રહી ગયો''
ચાની લારી ચલાવનાર પરિવારના આંસુ સુકાતા નથી : આકાશના મોટા બહેને ભારે હૃદયે જણાવ્યું છે કે, ‘‘અમે ત્રણ બહેનો અને બે ભાઈ છે જેમાં આ સૌથી નાનો હતોઃ અમારો બહુ લાડકો હતોઃ અમારી માનો સહારો હતો''

અમદાવાદ તા.૧૩: અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાથી આખી દુનિયા સ્તબ્ધ છે. એર ઇન્ડિયા પ્લેન ક્રેશે માત્ર ભારતને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઓફ થયાની મિનિટો પછી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171, જે બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર હતી, તે આગનો ગોળો બની ગઈ અને અફરાતફરી મચી ગઈ અને થોડી જ સેકન્ડોમાં જીવ રાખ થઈ ગયા. આ વિમાનમાં સવાર ૨૪૨ મુસાફરોમાંથી ફક્ત એક જ મુસાફર બચ્યો છે. ત્યારે આ ફ્લાઇટ જ્યાં પડી હતી તે વિસ્તારના લોકાને પણ ઘણી ઇજા થઈ છે. તે વિસ્તારમાં ચાની લારી ચલાવતા પટણી પરિવારનો ૧૪ વર્ષનો દીકરો પણ આ ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. આ સાંભળતાની સાથે જ પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બહેનોના આંસુ બંધ જ નથી થઈ રહ્યા.
સૂતોનો સૂતો રહી ગયો
ઘોડા કેમ્પમાં રહેતા અને ચાની લારી ચલાવતા પટણી પરિવારનો ૧૪ વર્ષનો દીકરો આકાશ પટણીનું મૃત્યુ થયું છે. આકાશ પટણી ઘરમાં સૂતો હતો ત્યારે જ આ પ્લેન ક્રેશ થયું અને આ વ્હાલસોયો દીકરો ફરી કયારેય ઉઠી ન શકયો.
આ ધ્રુજાવનારી ઘટના વર્ણવતા આકાશના મોટા બહેન ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. તેમણે આ ગોઝારી ઘટના અંગે જણાવ્યું છે કે, મારો ૧૪ વર્ષનો નાનો ભાઈ જતો રહ્યો છે. ઘોડા કેમ્પની બાજુમાં અમારી ચાની લારી હતી. મારો ભાઈ ત્યાં સૂતેલો હતો અને ત્યાં જ સૂતોનો સૂતો રહી ગયો. મારી મમ્મીએ બહુ બૂમો પાડી પણ એ ન બચી શકયો. મારી મમ્મી બચાવવા ગઈ પણ એ પણ દાઝી ગઈ પણ તેને બચાવી ન શકી. મારી મમ્મી પડી ગઈ અને મારો ભાઈ ભડથું થઈને પડ્યો હતો.
અમારો બહુ લાડકો હતો
આખી રાત પરિવાર સિવિલ હોસ્પિટલની બહાર જ બેસી રહ્યો છે. આકાશના અન્ય બહેને ભારે હૃદયે જણાવ્યું છે કે, અમે ત્રણ બહેનો અને બે ભાઈ છે જેમાં આ સૌથી નાનો હતો. અમારો બહુ લાડકો હતો. અમારી માનો સહારો હતો.(૩૮.૫)
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
