News of Friday, 13th June 2025
વિજયભાઈના નિધનથી રાજકીય શોક: ગાંધીનગર ખાતેના બંગલે નેતાઓ પહોંચ્યા : અંજલીબેનને સાંત્વના પાઠવી
અંજલિબેન રૂપાણી લંડનથી સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી ગાંધીનગર તેમના નિવાસ સ્થાને પહોંચ્યા : પુત્ર ઋષભ પણ અમેરિકાથી ભારત આવવા રવાના

અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું છે. પૂર્વ સીએમ વિજય ભાઈ રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે. તેમના પત્ની અંજલિબેન રૂપાણી લંડનથી સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી ગાંધીનગર તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. જ્યારે પુત્ર રૂષભ પણ અમેરિકાથી ભારત આવવા માટે નીકળી ગયો છે.
અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નિધન થયું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના ગાંધીનગર નિવાસસ્થાને પહોંચવા લાગ્યા છે. જેમાં કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા સહિત ભાજપના નેતા કુંવરજીભાઈ બાવળિયા, કુબેર ડીંડોર અને ભાનુબેન બાબરિયા, પુરુષોત્તમભાઈ રૂપાલા સહિત સરકારી અધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને પત્ની અંજલિબેન રૂપાણીને સાંત્વના પાઠવી હતી.
મળતી માહિતી અનુસાર, દિવંગત વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે. ડીએનએ મેચ થયા બાદ પરિવારજનો રાજકોટ પહોંચશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયાનું વિમાન સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલની ઈમારતમાં તૂટી પડ્યું હતું. જેના બાદ પ્રચંડ વિસ્ફોટ થતાં વિમાનમાં સવાર 241 લોકો અને હોસ્ટેલ તેમજ કેન્ટીન અને આજુબાજુના બિલ્ડિંગમાં હાજર લોકો પણ આ અકસ્માતનો ભોગ બન્યા હતાં. આ દુર્ઘટનમાં 265 લોકોના મૃત્યુ નીપજ્યાં હોવાના અહેવાલ છે
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
