<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

એર ઇન્ડિયા અને સ્પાઇસજેટના વીમા પ્રીમિયમમાં વધારો તોળાય છે: હવાઈ ભાડામાં ૨ થી ૫ ટકાનો વધારો થઈ શકે છે

અમદાવાદ પ્લેન ક્રેશ: ભારતના ઉડ્ડયન ઇતિહાસમાં સૌથી મોંઘો વીમા ક્લેઇમ સર્જાશે: જેની સંભવિત જવાબદારી રૂ. ૧,૭૭૫ કરોડથી રૂ. ૨,૩૫૨ કરોડ થવા સંભવ

અમદાવાદ: ન્યુઝ ફર્સ્ટ ના અહેવાલ મુજબ ગુરુવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી ઉડાન ભર્યાના થોડી જ મિનિટોમાં એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટના ભારતના ઉડ્ડયન ઇતિહાસમાં સૌથી મોંઘી વીમા ક્લેઇમ બની શકે છે, જેની સંભવિત જવાબદારી રૂ. ૧,૭૭૫ કરોડથી રૂ. ૨,૩૫૨ કરોડ (અંદાજે ૨૧૧ મિલિયનથી ૨૮૦ મિલિયન ડોલર) સુધીની હોઈ શકે છે.

આ ઘટનાને પગલે એર ઇન્ડિયા અને સ્પાઇસજેટ જેવી એરલાઇન્સના વીમા પ્રીમિયમમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, જેનો ખર્ચ રૂ. ૩૩૬ કરોડથી રૂ. ૪૨૦ કરોડ (૪૦ થી ૫૦ મિલિયન ડોલર) સુધીનો થઈ શકે છે. આની અસર હવાઈ ભાડામાં બે થી પાંચ ટકાના વધારા સ્વરૂપે જોવા મળી શકે છે, જે મુસાફરો માટે નાણાકીય બોજ વધારશે.

આ ઘટનામાં વિમાનમાં સવાર ૨૪૧ લોકોના મોત થયા, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ, બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ (૪૦), અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ દુર્ઘટનામાં જમીન પર રહેલા ઓછામાં ઓછા ૨૪ લોકોના મોત થયા, જેમાં ચાર તબીબી વિદ્યાર્થીઓ અને તેમના ચાર સંબંધીઓનો સમાવેશ થાય છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટરે જણાવ્યું કે અત્યાર સુધીમાં ૨૬૫ મૃતદેહોની ગણતરી કરવામાં આવી છે, અને મૃત્યુઆંક હજુ વધી શકે છે.

હજુ સુધી દુર્ઘટનાનું સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ભૂતપૂર્વ પાઇલટ અને બોઇંગ ૭૩૭ના ઇન્સ્ટ્રક્ટર કેપ્ટન મોહન રંગનાથને જણાવ્યું કે અમદાવાદ હવાઈ મથક નજીક પક્ષીઓના ટોળાંની હાજરી નોંધપાત્ર છે, અને આ દુર્ઘટનાનું મુખ્ય કારણ વિમાનના બંને એન્જિનમાં બહુવિધ પક્ષીઓની અથડામણ હોઈ શકે છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે જો હવાઈ મથક નજીક બહુમાળી ઇમારતો ન હોત, તો આ દુર્ઘટનામાં જાનહાનિ ઘટી હોત. વિઝ્યુઅલ પુરાવાઓ દર્શાવે છે કે વિમાનનું લેન્ડિંગ ગિયર ખુલ્લું હતું અને વિંગ ફ્લેપ્સ સંપૂર્ણપણે પાછા ખેંચાયેલા હતા, જે ટેકનિકલ ખામીની શક્યતા દર્શાવે છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, અને એક બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે.

આ ઉપરાંત, બોઇંગ કંપનીના શેરોમાં પણ ઘટાડો નોંધાયો છે, કારણ કે આ દુર્ઘટનામાં તેમનું ૭૮૭ ડ્રીમલાઇનર વિમાન સામેલ હતું, જે અગાઉ સલામતીના રેકોર્ડ માટે જાણીતું હતું.

(2:53 PM IST)