News of Friday, 13th June 2025
અમદાવાદ વિમાન દુર્ઘટનાનું રહસ્ય ખુલશે : ઘટનાસ્થળેથી DVR, બ્લેક બોક્સ અને કોકપિટ વૉઇસ રેકોર્ડર મળ્યા : ATS દ્વારા સમાંતર તપાસ શરૂ
૨૬૫ લોકોના કરુણ મોત બાદ ગુજરાત ATS એ સંભવિત ષડયંત્રની આશંકાએ તપાસ હાથ ધરી : ક્રેશ પહેલાની પાયલટની વાતચીત અને વિમાનની સ્થિતિના ડેટામાંથી સત્ય બહાર આવશે : PM મોદીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી

અમદાવાદ: અમદાવાદમાં બનેલા ભયાવહ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ હવે એક નવા અને નિર્ણાયક તબક્કે પહોંચી ચૂકી છે. એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના ગણતરીની મિનિટોમાં જ થયેલા આ ક્રેશથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે. આ દુર્ઘટનામાં ૨૬૫ લોકોના દર્દનાક મોત થયા બાદ, આ સમગ્ર મામલાની તપાસ હવે ગુજરાતના આતંકવાદ વિરોધી દળ (ATS) ને સોંપવામાં આવી છે.
બ્લેક બોક્સ અને DVR મળ્યા, ATS દ્વારા સમાંતર તપાસ:
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ક્રેશ સાઈટ પરથી વિમાનનો બ્લેક બોક્સ (ફ્લાઇટ ડેટા રેકોર્ડર - FDR) અને કોકપિટ વૉઇસ રેકોર્ડર (CVR) - જેને ડીવીઆર (DVR) તરીકે પણ ઓળખવામાં આવે છે - સફળતાપૂર્વક મળી આવ્યા છે. ATS ની ટીમે DVR ને પોતાના કબજામાં લઈ લીધો છે અને આ સમગ્ર મામલાની સમાંતર (પેરેલલ) તપાસ શરૂ કરી દીધી છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે આ અકસ્માત માત્ર કોઈ તકનીકી ખામી કરતાં વધુ ગંભીર મામલો હોઈ શકે છે, જેના કારણે આતંકવાદનો એંગલ પણ તપાસમાં લેવામાં આવ્યો છે.
આ જ કારણોસર, ગુજરાત ATS હવે દરેક પાસાની બારીકાઈથી તપાસ કરી રહી છે – શું આ કોઈ ષડયંત્ર હતું, પાયલટની કોઈ ભૂલ હતી કે પછી કોઈ બાહ્ય દખલગીરીનું પરિણામ? ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળેથી જરૂરી નમૂનાઓ એકઠા કર્યા છે, જેને હવે તપાસ માટે લેબમાં મોકલવામાં આવશે.
તપાસ અધિકારીઓ માની રહ્યા છે કે બ્લેક બોક્સ અને DVR માં નોંધાયેલા ડેટામાંથી જ ક્રેશ પહેલા વિમાનની અંદર શું સ્થિતિ હતી, પાયલટ્સે શું વાતચીત કરી હતી, અને છેલ્લા કેટલાક મિનિટોમાં કોકપિટમાં શું બન્યું હતું, તેનું રહસ્ય બહાર આવશે.
કેવી રીતે બન્યો આ કરુણ અકસ્માત?
ફ્લાઇટ AI-૧૭૧ એ અમદાવાદ એરપોર્ટના રનવે ૨૩ પરથી બપોરે ૧:૩૮ વાગ્યે ઉડાન ભરી હતી. વિમાને ૬૨૫ ફૂટની ઊંચાઈ સુધી પહોંચ્યા બાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો. ત્યારબાદ એક મિનિટની અંદર જ તે મેઘાણી નગર સ્થિત બી.જે. મેડિકલ કોલેજના છાત્રાલય સાથે અથડાઈને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. અકસ્માત બાદ તેમાં ભીષણ આગ લાગી ગઈ અને ભારે ધુમાડો ઉઠવા લાગ્યો.
બ્લેક બોક્સની પુનઃપ્રાપ્તિ અને ઓળખ કાર્ય:
દુર્ઘટના સ્થળેથી મળી આવેલા બ્લેક બોક્સને ગુજરાત ATS એ કાટમાળમાંથી બહાર કાઢીને તપાસ ટીમને સોંપ્યો છે. હવે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમ તેની તપાસ કરશે. તેમાં રેકોર્ડ થયેલા ડેટાથી ટેકઓફથી લઈને ક્રેશ સુધી વિમાનમાં શું ઘટનાઓ બની, તેની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે.
હજુ સુધી ૫ મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે, જેમાં ૨ રાજસ્થાનના, ૨ ગુજરાતના ભાવનગરના અને ૧ મધ્યપ્રદેશનો નિવાસી છે. બાકીના મૃતદેહોની ઓળખ માટે DNA સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. રાહત કાર્યમાં NDRF, CRPF અને સેનાના જવાનોએ સક્રિય ભૂમિકા ભજવી હતી.
તપાસ અને પ્રતિક્રિયા:
આ ભયાનક દુર્ઘટનાની તપાસ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) ને પણ સોંપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને મૃતકોના પરિજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી. આ દુર્ઘટનાએ બોઇંગ ૭૮૭ ના સુરક્ષા માપદંડો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે અને તેના કારણે કંપનીની છબીને મોટું નુકસાન પહોંચ્યું છે.
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
