News of Friday, 13th June 2025
અમદાવાદ પ્લેન ક્રેશ : ટાટા ગ્રુપે મૃતક દીઠ ₹૧ કરોડ વળતર જાહેર કર્યું : વિમાનમાં ન હોય તેવા ભોગ બનનારાઓને પણ સહાય અંગે કરી સ્પષ્ટતા
કુલ ૨૬૫ મૃત્યુમાં વિમાન બહારના ૨૪ લોકોનો : ઘાયલોની સારવાર અને હોસ્ટેલ પુનર્નિર્માણનો ખર્ચ પણ ટાટા ઉઠાવશે : BJ મેડિકલ કોલેજ હોસ્ટેલ પર થયેલા અકસ્માતની કરુણ વિગતો

અમદાવાદ: અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાન ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થતા સર્જાયેલી કરુણ દુર્ઘટનામાં કુલ ૨૬૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પૈકી વિમાનમાં સવાર ૨૩૦ મુસાફરો અને ૧૨ ક્રૂ મેમ્બર્સ (કુલ ૨૪૨ લોકો) ઉપરાંત, વિમાન બહારના ૨૩ લોકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને દરેક મૃતકના પરિવારને ₹૧ કરોડ (એક કરોડ રૂપિયા) નું વળતર આપવાની જાહેરાત કરી હતી.
શરૂઆતમાં વળતરની રકમ માત્ર વિમાનમાં સવાર લોકો માટે જ છે કે કેમ તે અંગે સસ્પેન્સ હતું. જોકે, હવે ટાટા ગ્રુપે આ અંગે સ્પષ્ટતા કરી છે.
ટાટા ગ્રુપની સ્પષ્ટતા: સૌને મળશે સહાય:
એર ઇન્ડિયાના માલિક ટાટા ગ્રુપે હવે સ્પષ્ટ કર્યું છે કે, આ અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ₹૧ કરોડની સહાય રકમ આપવામાં આવશે. એટલે કે, જે ૨૩ લોકો વિમાનમાં નહોતા પરંતુ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે, તેમના પરિવારો પણ આ સહાય રકમ મેળવવા માટે હકદાર રહેશે. આમાં ઓછામાં ઓછા પાંચ MBBS વિદ્યાર્થીઓ, એક PG રેસિડેન્ટ ડૉક્ટર અને એક સુપરસ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની પત્નીનો સમાવેશ થાય છે. જોકે, આવા મૃતકો વિશે હજુ સુધી વધુ વિગતવાર માહિતી બહાર આવી નથી.
ઘાયલોની સારવાર અને હોસ્ટેલનું પુનર્નિર્માણ:
ટાટા ગ્રુપે એ પણ સ્પષ્ટતા કરી છે કે અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોની સારવારનો ખર્ચ ઉઠાવવામાં આવશે. તેમને સંપૂર્ણ સહાય અને જરૂરી સંભાળ મળે તેની ખાતરી કરવામાં આવશે. આ ઉપરાંત, ટાટા ગ્રુપ મેઘાણીનગર વિસ્તારમાં આવેલી BJ મેડિકલ કોલેજના હોસ્ટેલ બિલ્ડિંગના પુનર્નિર્માણમાં પણ મદદ કરશે, જ્યાં વિમાન ક્રેશ થયું હતું.
દુર્ઘટનાની વિગતો:
ગુરુવારે, અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન માટે ઉડાન ભરી રહેલું બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાન ટેકઓફ કર્યા પછી તરત જ અકસ્માતનો ભોગ બન્યું હતું. ટેકઓફ કર્યા પછી તરત જ એર ઇન્ડિયાનું વિમાન મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ બિલ્ડિંગ પર ક્રેશ થયું અને આગના ગોળામાં ફેરવાઈ ગયું. વિમાનમાં સવાર વિશ્વાસ કુમાર સિવાયના ૨૪૧ લોકો મૃત્યુ પામ્યા. અકસ્માત થયો ત્યારે બપોરના ભોજનનો સમય હતો અને મોટી સંખ્યામાં ડોકટરો અને વિદ્યાર્થીઓ હોસ્ટેલના મેસમાં બપોરના ભોજન માટે હાજર હતા. અત્યાર સુધીમાં કુલ ૨૬૫ લોકોના મોત થયા છે, જ્યારે ૬૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમની સારવાર ચાલી રહી છે.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
