News of Friday, 13th June 2025
અમદાવાદના કાળમુખા ક્રેશમાં ક્રૂ મેમ્બર્સની હૃદય ચીરી નાખતી કહાણીઓ : 'કોઈ નિવૃત્તિના આરે, તો કોઈના સ્વપ્નોનો પ્રથમ ઉડાનમાં જ કરુણ અંત!'
કેપ્ટન સુમિત સભરવાલનો ૯૦ વર્ષીય પિતા સાથે સમય વિતાવવાનો અરમાન અધૂરો : ફ્લાઇટ એટેન્ડન્ટ દીપકનો પરિવારને છેલ્લો ફોન બન્યો અંતિમ સંવાદ : ૨૪૨માંથી ૨૪૧ જીવનો ભોગ લેનાર આ દુર્ઘટનાએ માનવતાને હચમચાવી દીધી!

અમદાવાદ, ૧૩ જૂન, ૨૦૨૫: અમદાવાદમાં ૧૨ જૂનના રોજ બનેલી એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 ની કરુણ દુર્ઘટનાએ ૨૪૧ નિર્દોષ લોકોના જીવ લીધા છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર ૨૪૨ લોકોમાંથી માત્ર ૧ વ્યક્તિ બચી શક્યો છે, જ્યારે બાકીના તમામ લોકો કાળનો કોળિયો બની ગયા છે. આ મૃતકોમાં વિમાનના ક્રૂ મેમ્બર્સ પણ સામેલ છે, જેમની કહાણીઓ સાંભળીને આંખો ભીની થઈ જાય છે. કોઈની આ પહેલી નોકરી હતી, તો કોઈ નિવૃત્તિની તૈયારીમાં હતું.
કેપ્ટન સુમિત સભરવાલ: નિવૃત્તિનું સ્વપ્ન અધૂરું:
આ વિમાનમાં સૌથી વરિષ્ઠ ક્રૂ મેમ્બર ૬૦ વર્ષીય કેપ્ટન સુમિત સભરવાલ હતા. તેમના પડોશીઓએ જણાવ્યું કે તેઓ થોડા મહિનામાં નિવૃત્ત થવાના હતા અને નિવૃત્તિ પછી પોતાના ૯૦ વર્ષીય પિતા સાથે પવઈના જલવાયુ વિહારમાં સમય વિતાવવા માંગતા હતા. તેમના પિતા સાથે સમય પસાર કરવાનું તેમનું સ્વપ્ન અધૂરું રહી ગયું. કેપ્ટન સુમિતની મોટી બહેન દિલ્હીમાં રહે છે, અને તેમના બે ભત્રીજાઓ પણ કોમર્શિયલ પાયલટ તરીકે ઉડ્ડયન ક્ષેત્રે જ કાર્યરત છે. તેમના મૃત્યુથી આખા પરિવારને આઘાત લાગ્યો છે. દુર્ઘટનાની થોડીક સેકન્ડો પહેલા, કેપ્ટને 'MAYDAY' કોલ (ઇમરજન્સી કોલ) કરીને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને કટોકટી વિશે જાણ કરી હતી, જે તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. સહ-પાયલટ ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર પણ સભરવાલ સાથે વિમાનમાં હતા, જેમને ૧,૧૦૦ કલાક ઉડાનનો અનુભવ હતો.
ફ્લાઇટ એટેન્ડન્ટ દીપક પાઠક: અંતિમ ફોન કોલ:
બદલાપુરના રહેવાસી ફ્લાઇટ એટેન્ડન્ટ દીપક પાઠક પણ આ વિમાનમાં ફરજ પર હતા. તેઓ ૧૧ વર્ષથી વધુ સમયથી એર ઇન્ડિયામાં કાર્યરત હતા. દર વખતે ટેકઓફ કરતા પહેલા, તેઓ પોતાના ઘરે ફોન કરીને પરિવાર સાથે વાત કરતા હતા. અકસ્માતના દિવસે પણ તેમણે આવું જ કર્યું. પરિવારના એક સભ્યએ ભાવુક થઈને જણાવ્યું કે, "હંમેશની જેમ, દીપકે તે દિવસે પણ અમને ફોન કર્યો હતો, અમે ક્યારેય વિચાર્યું ન હતું કે આ છેલ્લો ફોન હશે." જ્યારે અકસ્માત થયો, ત્યારે શરૂઆતમાં દીપકનો નંબર થોડા સમય માટે વાગતો રહ્યો. આનાથી તેના પરિવારને લાગ્યું કે કદાચ તે સુરક્ષિત છે. પરંતુ પછીથી અધિકારીઓએ તેમને આ ભયાવહ સમાચાર આપ્યા.
સૈનિતા ચક્રવર્તી ('પિંકી'): સખત મહેનત પછી પહોંચેલી સફળતા:
૩૫ વર્ષીય સૈનિતા ચક્રવર્તી, જેને તેના મિત્રો પ્રેમથી 'પિંકી' કહેતા હતા, તે પણ આ વિમાનની ક્રૂ મેમ્બર હતી. તે જુહુ કોલીવાડામાં રહેતી હતી. એર ઈન્ડિયા પહેલા, તે ગો એરમાં કામ કરતી હતી. તેના એક મિત્રએ જણાવ્યું કે તે સખત મહેનત અને લગન પછી અહીં સુધી પહોંચી હતી.
રોશની રાજેન્દ્ર સોનઘારે: એર હોસ્ટેસ બનવાનું સ્વપ્ન અધૂરું:
૨૭ વર્ષીય રોશની રાજેન્દ્ર સોનઘારેએ પણ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો. તેના એક સંબંધીએ જણાવ્યું કે એર હોસ્ટેસ બનવાનું તેનું સ્વપ્ન હતું. તે ડોંબિવલી પૂર્વમાં ન્યૂ ઉમિયા કૃપા સોસાયટીમાં તેના માતાપિતા અને ભાઈ સાથે રહેતી હતી.
આ કરુણ ઘટનાએ ફરી એકવાર હવાઈ મુસાફરી સાથે જોડાયેલા લોકોના બલિદાન અને તેમના અધૂરા રહી ગયેલા સ્વપ્નોની યાદ અપાવી છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
