News of Friday, 13th June 2025
બોઇંગ ડ્રીમલાઇનર 787-8 વિમાનની ઉડાનોને અસ્થાયી રૂપે બંધ કરવાની વિચારણા : ટૂંકસમયમાં સરકાર લેશે મોટો નિર્ણય
આ મામલે ભારત અને અમેરિકાની ઉડ્ડયન એજન્સીઓ વચ્ચે વાતચીત : સરકાર એર ઇન્ડિયાની જાળવણી પ્રક્રિયા અને સંચાલન ધોરણો (SOP) ની પણ ઊંડાણપૂર્વક તપાસ કરશે

અમદાવાદ : અમદાવાદમાં બોઇંગ વિમાન દુર્ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. કેન્દ્ર સરકારે બોઇંગ ડ્રીમલાઇનર 787-8 વિમાનની ઉડાનોને અસ્થાયી રૂપે બંધ કરવાનું વિચારી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આ અમેરિકન વિમાન મોડેલની સલામતીની સમીક્ષા કરવા માંગે છે અને આ માટે સમગ્ર કાફલાને હાલ પૂરતો ગ્રાઉન્ડેડ કરી શકાય છે.
આ મામલે ભારત અને અમેરિકાની ઉડ્ડયન એજન્સીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે અકસ્માતની તપાસના પરિણામોના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે. એટલે કે, જો તપાસમાં કોઈ ગંભીર ટેકનિકલ ખામી બહાર આવશે, તો 787-8 વિમાનને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સૂત્રો એમ પણ કહે છે કે સરકાર એર ઇન્ડિયાની જાળવણી પ્રક્રિયા અને સંચાલન ધોરણો (SOP) ની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી શકે છે. વિમાનની જાળવણી અથવા નિરીક્ષણ પ્રક્રિયામાં કોઈ બેદરકારી હતી કે કેમ તે જોવામાં આવશે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
