News of Friday, 13th June 2025
વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈનું નિધન : જાણો હવાઈ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ટોચના નેતાઓ અને અગ્રણીઓની યાદી
અગ્રણી પરમાણુ ભૌતિકશાસ્ત્રી હોમી ઝાંગીર ભાભા , કોંગ્રેસ નેતા સંજય ગાંધી.માધવરાવ સિંધિયા.તેલુગુ દેશમ પાર્ટીના નેતા જીએમસી બાલયોગી. સીડીએસ જનરલ બિપિન રાવત સહિતના દિગ્જ્જોએ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો

અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નીધન થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી ફક્ત એક જ બચી ગયો. જોકે, વિજય રૂપાણી આ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નેતા છે. હવાઈ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા કેટલાક ટોચના નેતાઓ અને અગ્રણી હસ્તીઓની યાદી નીચે મુજબ છે.
હોમી ઝાંગીર ભાભા (1966): ભારતના અગ્રણી પરમાણુ ભૌતિકશાસ્ત્રી હોમી ઝાંગીર ભાભાનું 24 જાન્યુઆરી, 1966ના રોજ એર ઇન્ડિયા ફ્લાઇટ 101 ના દુર્ઘટનામાં અવસાન થયું હતું. જીનીવા એર ટ્રાફિક કંટ્રોલ સાથેના ખોટા સંપર્કને કારણે વિમાન સ્વિસ આલ્પ્સમાં ક્રેશ થયું હતું.
સંજય ગાંધી (1980): કોંગ્રેસના નેતા અને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું 23 જૂન 1980ના રોજ એક હવાઈ દુર્ઘટનામાં અવસાન થયું. સંજય સફદરજંગ એરપોર્ટ નજીક દિલ્હી ફ્લાઈંગ ક્લબનું વિમાન ઉડાડી રહ્યા હતા અને વિમાની કરતબનો પ્રયાસ કરતી વખતે તેમણે વિમાન પરનો કાબુ ગુમાવ્યો. વિમાન ક્રેશ થતાં તેમનું મૃત્યુ થયું.
માધવરાવ સિંધિયા (2001): કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવરાવ સિંધિયાનું ૩૦ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. તેઓ દસ સીટવાળા ખાનગી વિમાનમાં કાનપુર જઈ રહ્યા હતા જે ઉત્તર પ્રદેશના મૈનપુરી નજીક ખરાબ હવામાનને કારણે ક્રેશ થયું. સિંધિયા પોતે ભૂતપૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી હતા.
જીએમસી બાલયોગી (2002): લોકસભાના અધ્યક્ષ અને તેલુગુ દેશમ પાર્ટીના નેતા જીએમસી બાલયોગીનું ૩ માર્ચ, ૨૦૦૨ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું. તેઓ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ભીમાવરમથી આવી રહ્યા હતા ત્યારે તેમનું હેલિકોપ્ટર કૃષ્ણા જિલ્લાના કૈકાલુર નજીક તળાવમાં ક્રેશ થયું.
સાયપ્રિયન સંગમા (2004): મેઘાલયના ગ્રામીણ વિકાસ મંત્રી સાયપ્રિયન સંગમા અને નવ અન્ય લોકો ૨૨ સપ્ટેમ્બર ૨૦૦૪ના રોજ પવન હંસ હેલિકોપ્ટરમાં ગુવાહાટીથી શિલોંગ જઈ રહ્યા હતા. આ દરમિયાન, તેમનું હેલિકોપ્ટર રાજ્યની રાજધાનીથી માત્ર ૨૦ કિમી દૂર બારપાની તળાવ પાસે ક્રેશ થયું, જેમાં તેમનું મૃત્યુ થયું.
કે એસ સૌમ્યા (2004): દક્ષિણ ભારતીય અભિનેત્રી કે એસ સૌમ્યા, જે સૌંદર્યા તરીકે પ્રખ્યાત હતી, તેમનું ૧૭ એપ્રિલ ૨૦૦૪ના રોજ એક વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. 'સૂર્યવંશમ' ફિલ્મની આ અભિનેત્રી તેના ભાઈ સાથે બેંગ્લોરથી કરીમનગર જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો.
ઓપી જિંદાલ અને સુરેન્દ્ર સિંહ (2005): ઉદ્યોગપતિ અને હરિયાણાના મંત્રી ઓમ પ્રકાશ જિંદાલ અને કૃષિ મંત્રી સુરેન્દ્ર સિંહનું ૨૦૦૫માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમનું હેલિકોપ્ટર દિલ્હીથી ચંદીગઢ જઈ રહ્યું હતું ત્યારે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ક્રેશ થયું.
વાયએસ રેડ્ડી (2009): આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડી (૨૦૦૯), જેઓ વાયએસઆર તરીકે જાણીતા હતા, તેમનું ૨ સપ્ટેમ્બર ૨૦૦૯ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. આ અકસ્માત ત્યારે થયો જ્યારે તેમનું બેલ ૪૩૦ હેલિકોપ્ટર ખરાબ હવામાનને કારણે ગાઢ નલ્લામાલા જંગલમાં ક્રેશ થયું.
દોરજી ખાંડુ (2011): ૩૦ એપ્રિલ, ૨૦૧૧ના રોજ અરુણાચલ પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી દોરજી ખાંડુ અને અન્ય ચાર લોકોનું તવાંગથી ઇટાનગર લઈ જતું હેલિકોપ્ટર રાજ્યના પશ્ચિમ કામેંગ જિલ્લામાં ક્રેશ થયું હતું.
સીડીએસ જનરલ બિપિન રાવત (2021): ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતનું ૮ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું. આ ઘટના તમિલનાડુના કુન્નુર નજીક બની હતી, જ્યારે તેઓ તેમની પત્ની અને અન્ય ૧૧ લોકો સાથે સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યા હતા.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
