News of Friday, 13th June 2025
આધાર કાર્ડ અપડેટ માટે ગયા હતા રણવીરસિંહ અને ચેતનાબા, હજુ સુધી કોઈ અતોપતો નહીં
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃઆ દંપતીની દીકરી અને પરિવારજનો હજુ પણ એક આશા સાથે તેમની રાહ જોઈ રહ્યા છે

અમદાવાદ,તા.૧૩
અમદાવાદમાં થયેલી એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાએ ઘણા પરિવારોના જીવનમાં ઉથલપાથલ મચાવી દીધી છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના જીવ ગયા છે અને કેટલાક લોકો હજુ પણ લાપતા છે. એવામાં કુબેરનગર વોર્ડમાં રહેતો ચાવડા પરિવાર પુત્ર અને પૂત્રવધૂની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.
ચાવડા પરિવારના રણવીરસિંહ ચાવડા અને તેમના પત્ની ચેતનાબા ચાવડા લાપતા થયા છે. આ દંપતીની દીકરી અને પરિવારજનો હજુ પણ એક આશા સાથે તેમની રાહ જોઈ રહ્યા છે.
કુબેરનગર વોર્ડમાં રહેતા ચાવડા રણવીરસિંહ અને ચેતનાબા દુર્ઘટનાના થોડા સમય પહેલા આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે IGP કંપાઉન્ડમાં ગયા હતા. પરંતુ તે પછી તેમનો કોઈ સંપર્ક થયો નથી. પરિવારજનોનું કહેવું છે કે, વિમાન દુર્ઘટના બાદ તેમનો કોઈ અતોપતો નથી. આપને જણાવી દઈએ કે, એર ઈન્ડિયાનું લંડન જતું વિમાન મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેમાં સવાર ૨૪૧ લોકો સહિત ૨૬૮ લોકોના મોત થયા છે. આ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે.
ચાવડા રણવીરસિંહની દીકરીએ જણાવ્યું કે, 'મારા મમ્મી-પપ્પા આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવવા માટે ગયા હતા. બપોરે ૧.૪૦ કલાકે પ્લાન ક્રેશ થયું. તેથી મેં તેમને ફોન કર્યો, પણ ફોન લાગ્યો નહીં. તેમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે.' ચાવડા રણવીરસિંહના બહેને રડતા-રડતા જણાવ્યું કે, 'રણવીર મારો ભાઈ છે, તેના બાળકો હજુ નાના-નાના છે. એટલે આશા તો રાખીએ જ ને'
કુબેરનગર વોર્ડના રહીશે જણાવ્યું કે, વિમાન દુર્ઘટના બાદ દરેક જગ્યાએ પ્લેનમાં સવાર મુસાફરોની જ વાત થઈ રહી છે. કોઈપણ વ્યક્તિ રાહદારીઓની વાત કરતું નથી. આ ઘટના બની ત્યાં લોકો એફિડેવિટ કરાવવા માટે જતા હતા, ત્યાં એક ચાની કીટલી હતી. એટલું જ નહીં ત્યાં શ્રમિકો પણ કામ કરી રહ્યા હતા. અમારા વિસ્તારના અન્ય એક વ્યક્તિની સળગેલી બાઈક મળી છે, પરંતુ તેમનો કોઈ અત્તોપત્તો જ નથી. એટલે મારા વિસ્તારમાં આ બીજો બનાવ છે
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
