<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

લાલુના લાલ તેજ પ્રતાપની રાજકીય સંકટમાં આધ્યાત્મિક શરણાગતિ : પરિવાર-પાર્ટીથી બેદખલી બાદ બાબા વિશ્વનાથના દ્વારે?! : શું માંગ્યા રાજકીય પુનર્જીવનના આશીર્વાદ? : જુઓ વિડીયો

'X' પર વીડિયો શેર કરી ભોલેનાથ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી : અનુષ્કા યાદવ સાથેની વિવાદાસ્પદ તસવીરો અને 'AI સર્જિત' દાવા બાદ લાલુ યાદવે ૬ વર્ષ માટે પક્ષ અને પરિવારમાંથી હાંકી કાઢ્યા

વારાણસી : રાજકારણ અને અંગત જીવનના ચક્રવ્યૂહમાં ફસાયેલા લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને RJD ધારાસભ્ય તેજ પ્રતાપ યાદવ હાલ ભારે ચર્ચામાં છે. તાજેતરમાં અનુષ્કા યાદવ સાથે સામે આવેલી તેમની તસવીરોને 'AI સર્જિત' ગણાવવાનો તેમણે પ્રયાસ કર્યો, પરંતુ આ મામલો એટલો વણસ્યો કે પિતા લાલુ પ્રસાદ યાદવે તેમને ૬ વર્ષ માટે પાર્ટી અને પરિવાર બંનેમાંથી હાંકી કાઢ્યા. રાજકીય કારકિર્દી અને પારિવારિક સંબંધો પર આવેલી આ આફત બાદ તેજ પ્રતાપ યાદવ ભગવાન ભોલેનાથના શરણે પહોંચ્યા છે, જ્યાં તેમણે બાબા વિશ્વનાથના આશીર્વાદ લીધા.
ભોલેનાથના શરણે તેજ પ્રતાપ:
તેજ પ્રતાપ યાદવે ગુરુવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ વારાણસી (કાશી) માં બાબા વિશ્વનાથના દરબાર માં હાજરી આપતા જોવા મળે છે. વીડિયોમાં તેઓ કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક દર્શન કરી રહ્યા છે અને મંદિરના સુરક્ષાકર્મીઓ સાથે વાતચીત કરતા પણ જોવા મળે છે. તેમની મુદ્રામાં રાજકીય ગરમાવો નહીં, પણ આધ્યાત્મિક શાંતિનો અહેસાસ થતો હતો.
આ વીડિયો સાથેના કેપ્શનમાં તેજ પ્રતાપે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા લખ્યું છે: "બાબા વિશ્વનાથના આશીર્વાદ હોય, માં ગંગાનો નિર્મળ પવિત્ર ઘાટ હોય, આખી દુનિયાને હું ભૂલી જાઉં અને બનારસમાં મારો ભોલા મને યાદ હોય, હર હર મહાદેવ બોલવું જ પડશે." તેમના આ શબ્દો વર્તમાન સંકટમાંથી બહાર આવવા માટે ભગવાનના આશીર્વાદની તેમની આકાંક્ષા દર્શાવે છે.
પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવાનું કારણ:
લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની અનુષ્કા યાદવ સાથેની વાયરલ થયેલી તસવીર બાદ RJD પ્રમુખે તેમને ૬ વર્ષ માટે પાર્ટી અને પરિવારમાંથી બેદખલ કરવાનો કડક નિર્ણય લીધો હતો. આ ઘટના બાદ તેજ પ્રતાપે પોતાના માતા-પિતાને સંબોધીને એક ભાવનાત્મક પોસ્ટ પણ લખી હતી, જેમાં તેમને ભગવાનથી પણ વધુ મહાન ગણાવ્યા હતા.
તાજેતરમાં જ તેજ પ્રતાપ યાદવના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનુષ્કા યાદવ સાથેની એક તસવીર પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ તેમની સાથે ૧૨ વર્ષથી રિલેશનશિપમાં છે. જોકે, આ પોસ્ટ બાદમાં ડિલીટ કરી દેવામાં આવી હતી અને તેજ પ્રતાપે દાવો કર્યો હતો કે તેમનું એકાઉન્ટ હેક થયું હતું. જોકે, આ સ્પષ્ટતા લાલુ યાદવને સંતોષકારક લાગી ન હતી અને તેમણે પક્ષ તેમજ પરિવારની છબીને નુકસાન પહોંચાડવાના આરોપસર આ કડક પગલું ભર્યું હતું.
હવે જોવાનું એ રહેશે કે બાબા વિશ્વનાથના આશીર્વાદ તેજ પ્રતાપ યાદવના રાજકીય અને પારિવારિક ભવિષ્યને કઈ દિશા આપે છે.

 

(10:19 PM IST)