<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

૨૭ વર્ષનો ખિતાબી દુષ્કાળ સમાપ્ત : દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને પછાડી 'વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન'નો ખિતાબ જીત્યો!

લોર્ડ્સ ખાતે રમાયેલી ફાઇનલમાં ટેમ્બા બાઉમાની ટીમે 'ચોકર્સ'નો ટૅગ હટાવી ઇતિહાસ રચ્યો : એડન માર્કરામની ૧૩૬ રનની શાનદાર સદી અને કપ્તાન બાઉમાના અર્ધશતકની મદદથી ૫ વિકેટે ભવ્ય વિજય : બાઉમા અજેય રહી વર્લ્ડ ચેમ્પિયન બનનાર પ્રથમ કપ્તાન બન્યા

લંડન, 14 જૂન 2025: ક્રિકેટ જગતમાં "ચોકર્સ" ના કલંક સાથે જીવી રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમે આજે ઇતિહાસ રચ્યો છે! લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ૫ વિકેટના માર્જિનથી હરાવીને દક્ષિણ આફ્રિકાએ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ જીત સાથે, પ્રોટિયાઝે ૨૭ વર્ષના લાંબા ICC ખિતાબી દુષ્કાળનો અંત લાવી દીધો છે.
ટેસ્ટ ચેમ્પિયનશિપનો રોમાંચક વિજય:
લંડનના લોર્ડ્સ મેદાન પર રમાયેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ મુકાબલામાં, દક્ષિણ આફ્રિકાને પ્રથમ ઇનિંગ્સમાં ૭૪ રનની પાછળ રહ્યા બાદ મેચની ચોથી ઇનિંગ્સમાં જીત માટે ૨૮૨ રનનો પડકારજનક લક્ષ્ય મળ્યો હતો. આ લક્ષ્યને તેણે એડન માર્કરામની ૧૩૬ રનની અદભુત અને શતકીય ઇનિંગ્સ તેમજ કપ્તાન ટેમ્બા બાઉમાની શાનદાર અર્ધશતકીય (૬૬ રન) ભાગીદારીની મદદથી ૫ વિકેટ બાકી રહેતા જ હાંસલ કરી લીધો. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે જ્યારે માત્ર ૬ રનની જરૂર હતી ત્યારે માર્કરામ (૧૩૬) હેઝલવુડની બોલિંગમાં ટ્રેવિસ હેડના હાથે કેચ આઉટ થયા હતા. અંતે, વાઇન મુલ્ડેર (૪*) અને ડેવિડ બેડિંગહામ (૨૧*) એ પ્રોટિયાઝને જીતની રેખા પાર કરાવી, જેમાં વાઇન મુલ્ડેરે હેઝલવુડની બોલિંગમાં વિજયી રન લીધો હતો.
ચોથા દિવસની રમત અને નિર્ણાયક ક્ષણો
મેચના ત્રીજા દિવસે માર્કરામ અને બાઉમાએ ત્રીજી વિકેટ માટે અણનમ ૧૪૩ રનની ભાગીદારી નોંધાવી ટીમને મેચમાં જીવંત રાખી હતી. ચોથા દિવસે જીતવા માટે દક્ષિણ આફ્રિકાને ૬૯ રન બનાવવાના હતા, જેમાં માર્કરામ ૧૦૨ રન અને બાઉમા ૬૫ રન બનાવી રમી રહ્યા હતા. દિવસના ત્રીજા ઓવરના છેલ્લા બોલ પર બાઉમા પેટ કમિન્સની બોલિંગમાં વિકેટ પાછળ કેચ આઉટ થયા. તેમણે ૬૬ રન બનાવ્યા. બાઉમા આઉટ થયા પછી માર્કરામે એક છેડો સંભાળી રાખ્યો. થોડો સમય ટ્રિસ્ટન સ્ટબ્સનો સાથ મળ્યો, પરંતુ ૭૧મા ઓવરની ત્રીજી બોલ પર સ્ટાર્કે તેમને બોલ્ડ કરીને દક્ષિણ આફ્રિકાને ચોથો ઝટકો આપ્યો. સ્ટબ્સના આઉટ થયા બાદ માર્કરામને ડેવિડ બેડિંગહામનો સાથ મળ્યો, અને બંનેએ મળીને જીત માટે બાકીના ૪૧ માંથી ૩૫ રન બનાવ્યા. માર્કરામ ૧૩૬ રન બનાવીને જીતથી માત્ર ૬ રન દૂર હતા ત્યારે આઉટ થયા હતા.
૨૭ વર્ષના દુષ્કાળનો અંત: પ્રથમ વખત બન્યું વર્લ્ડ ચેમ્પિયન
દક્ષિણ આફ્રિકા માટે આ ૨૭ વર્ષના લાંબા અંતરાલ બાદનો પ્રથમ ICC ખિતાબ છે. છેલ્લે તેઓ ૧૯૯૮ માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રથમ સંસ્કરણમાં વેસ્ટ ઇન્ડીઝને ફાઇનલમાં હરાવીને ચેમ્પિયન બન્યા હતા. ત્યારબાદના મહત્ત્વના મુકાબલોમાં સતત હાર મળવાને કારણે તેમને ક્રિકેટ જગતમાં "ચોકર્સ" તરીકે ઓળખવામાં આવતા હતા. ભલે ગયા વર્ષે આફ્રિકી ટીમ ટી૨૦ વિશ્વ કપની ફાઇનલમાં ભારત સામે ૭ રનના અંતરથી હારનો સામનો કરીને વર્લ્ડ ચેમ્પિયન બનવાથી ચૂકી ગઈ હતી, પરંતુ આ વર્ષે સફેદ જર્સીમાં, ક્રિકેટના સૌથી જૂના ફોર્મેટમાં તેમનું વિશ્વ ચેમ્પિયન બનવાનું સપનું પૂરું થયું છે.
કપ્તાન ટેમ્બા બાઉમાએ રચ્યો ઇતિહાસ
કપ્તાન ટેમ્બા બાઉમાએ દક્ષિણ આફ્રિકાને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનનો ખિતાબ અપાવીને ઇતિહાસ રચ્યો છે. બાઉમાએ ત્રીજા ચક્રમાં કુલ ૧૦ મેચમાં ટીમની કમાન સંભાળી હતી અને ફાઇનલ સહિત ૯ મેચમાં ટીમને જીત મળી. વેસ્ટ ઇન્ડીઝ સામેનો એક મુકાબલો બરાબરી પર સમાપ્ત થયો હતો. આમ, બાઉમા અજેય રહીને પોતાની ટીમને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનાવનાર વિશ્વના પ્રથમ કપ્તાન બન્યા છે, જે એક અદ્વિતીય સિદ્ધિ છે.
માર્કરામે ફરી ચેમ્પિયન બનાવ્યું
વર્ષ ૨૦૧૪ માં દક્ષિણ આફ્રિકાને ICC અંડર-૧૯ ચેમ્પિયન બનાવનાર એડન માર્કરામે પોતાની ૧૩૬ રનની ઐતિહાસિક શતકીય ઇનિંગ્સની મદદથી ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનાવવામાં સફળતા મેળવી છે. ટી૨૦ અને વનડે ટીમના કપ્તાન માર્કરામ ટેસ્ટ ટીમના ઉપકપ્તાન પણ છે. આ ઐતિહાસિક શતકીય ઇનિંગ્સની બદૌલત એડન માર્કરામનું નામ દક્ષિણ આફ્રિકી ક્રિકેટ ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયું છે.

 

(5:32 PM IST)