<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

એમેઝોનના માલિક જેફ બેઝોસ અને લોરેન સાંચેઝ લગ્ન કરશે : ઇટાલીના વેનિસમાં સમારોહ : સ્થાનિકોમાં વિરોધ

સ્થાનિક લોકો આ લગ્નને વેનિસ માટે ખતરો માની રહ્યા છે. તેમનું કહેવું છે કે તેનાથી શહેર પર વધુ ભારણ પડશે: મેયરે કહ્યું ફક્ત 200 મહેમાનો હશે, જેનાથી શહેરમાં કોઈ મુશ્કેલી નહીં પડે.

એમેઝોનના માલિક જેફ બેઝોસ અને તેમની મંગેતર લોરેન સાંચેઝ ટૂંક સમયમાં લગ્નગ્રંથિથી જોડાશે. લગ્નની તારીખ હજુ ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ અહેવાલો મુજબ આ સમારોહ 24 થી 26 જૂનની વચ્ચે યોજાશે. જેફ અને લોરેન ઇટાલીના વેનિસમાં લગ્ન કરવાના છે. પરંતુ આ ખુશીના પ્રસંગે વેનિસના સ્થાનિકો નારાજ છે.

સ્થાનિક લોકો આ લગ્નને વેનિસ માટે ખતરો માની રહ્યા છે. તેમનું કહેવું છે કે તેનાથી શહેર પર વધુ ભારણ પડશે જે પહેલાથી જ પ્રવાસીઓના ધસારાનો સામનો કરી રહ્યું છે. સ્થાનિક લોકોએ નો બેઝોસ નામનું અભિયાન શરૂ કર્યું છે.

વેનિસના મેયર લુઇગી બ્રુગ્નારોએ માર્ચમાં પુષ્ટિ આપી હતી કે જેફ બેઝોસ અને લોરેન સાંચેઝના લગ્ન વેનિસ શહેરમાં થશે. આ પછી સ્થાનિક લોકોનો ગુસ્સો વધી ગયો. વિરોધમાં લોકોએ સાન જ્યોર્જિયો બેસિલિકાના બેલ ટાવર પર નો બેઝોસ લખેલું બેનર લટકાવ્યું. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર લગ્નની વિધિઓ પૂર્ણ થશે.

વેનિસના મેયર લુઇગી બ્રુગ્નારોએ વિરોધ પ્રદર્શનોને "શરમજનક" ગણાવ્યા. તેમનું કહેવું છે કે લગ્નમાં ફક્ત 200 મહેમાનો હશે, જેનાથી શહેરમાં કોઈ મુશ્કેલી નહીં પડે. આ કાર્યક્રમ એટલો નાનો છે કે તે શહેરના રહેવાસીઓ કે પ્રવાસીઓને કોઈ અસુવિધા નહીં પહોંચાડે," વેનિસની નગરપાલિકાએ જણાવ્યું હતું.

 


 

(11:41 PM IST)