<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

વિજયભાઈ રૂપાણીના કરુણ અવસાન બાદ હૃદયદ્રાવક ખુલાસો : ક્રેશ થયેલ બોઇંગ 738 જેવા જ વિમાનની તેમણે બે મહિના પહેલા લીધી હતી મુલાકાત : કોકપીટમાં બેસી મેળવી હતી ઊંડી જાણકારી!

8 એપ્રિલે ઇન્ડસ યુનિવર્સિટીના એરોનોટિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં લીધી હતી મુલાકાત : કેપ્ટન ઉમંગ જાની સાથે વિમાનની કામગીરી સમજ્યા : વિદ્યાર્થીઓને આપ્યું હતું પ્રોત્સાહન : ભાગ્યની કેવી નિર્દય રમત!

રાજકોટ, 16 જૂન 2025: અમદાવાદના મેઘાણીનગરમાં 12મી જૂને બનેલી ગોઝારી વિમાન દુર્ઘટના, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું કરુણ અવસાન થયું છે, તે ઘટના વર્ષો સુધી લોકો ભૂલી શકશે નહીં. આ દુર્ઘટના બાદ એક હૃદયદ્રાવક વિગત સામે આવી છે, જે ભાગ્યની નિર્દય રમત દર્શાવે છે. જે બોઇંગ કંપનીનું ડ્રિમલાઈનર 738 વિમાન તૂટી પડ્યું, તે જ કંપનીના બોઇંગ 737 નંબરના એક વિમાનની વિજયભાઈ રૂપાણીએ માત્ર બે મહિના પહેલા, 8 એપ્રિલે, મુલાકાત લીધી હતી.

અકસ્માતનું સાચું કારણ બ્લેક બોક્સના આધારે બહાર આવશે, પરંતુ હાલ તો એક્સપર્ટ્સ વિવિધ પ્રકારના અનુમાન લગાવી રહ્યા છે. જોકે, વિજયભાઈ રૂપાણીની આ પૂર્વ મુલાકાત અને તેમાં તેમની જિજ્ઞાસાનો પ્રસંગ અત્યંત લાગણીશીલ બની ગયો છે.

8 એપ્રિલનો એ દિવસ: જિજ્ઞાસા અને પ્રોત્સાહક શબ્દો
8 એપ્રિલના રોજ, વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં ઇન્ડસ યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત દરમિયાન વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે બોઇંગ 737, સેસના, ઝેનિથ અને મિગ 21 જેવા વિવિધ એરક્રાફ્ટના મોડલ્સ અને વાસ્તવિક વિમાનોને નજીકથી નિહાળ્યા હતા.

આ મુલાકાત દરમિયાન તેમણે ખાસ કરીને બોઇંગ 737 વિમાનના કોકપીટ સહિતના ભાગોની મુલાકાત લીધી હતી. તેમણે વિમાનની કામગીરીને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કર્યો હતો અને કેપ્ટન ઉમંગ જાની સાથે વિમાન અંગેની વિસ્તૃત માહિતી પણ મેળવી હતી. કેપ્ટન ઉમંગ જાનીએ ન્યુઝ૧૮ ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં તે દિવસને યાદ કરતા જણાવ્યું કે, "તે સમયે તેઓ (વિજયભાઈ રૂપાણી) મારી જમણી તરફ બેઠા હતા અને કોકપીટમાં શું હોય છે તેમજ વિમાનમાં કેવા પ્રકારના કંટ્રોલ્સ હોય છે તે વિશે સમજ્યા હતા. તેઓ મારી એકદમ નજીક હતા અને તેમણે વિમાન વિશેની માહિતી જાણી હતી."

કેપ્ટને ભાવુક થઈને ઉમેર્યું કે, "જ્યારે તેમની સાથે દુર્ઘટના બની તેની માહિતી મળી, તેનાથી મારા હૃદયને બહુ મોટો આંચકો લાગ્યો હતો."
વિજયભાઈ રૂપાણીએ એવિએશન ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ત્યારે લખ્યું હતું કે, "આ દરમિયાન એવિએશન ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ સાથેની વાતચીત ઘણી ઉર્જામય બની રહી. ભારતનો વિદ્યાર્થી વૈશ્વિક કક્ષાએ પોતાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી."

આ તસવીરો અને કેપ્ટનની જુબાની, વિજયભાઈ રૂપાણીની જિજ્ઞાસુ પ્રકૃતિ અને વિદ્યાર્થીઓ પ્રત્યેના તેમના પ્રેમને દર્શાવે છે. જોકે, આ ઘટના બાદ તેમની આ વિમાન મુલાકાત ભાગ્યની એક કરુણ અને સમજ ન પડે તેવી રમત સમાન બની રહી છે.

 

(11:29 AM IST)