<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ગુજરાતી ફિલ્મ મેકર મહેશ જીરાવાલા ગુમ :મૃતદેહ સાથે DNA મેચ કરાશે

તેનું છેલ્લું લોકેશન દુર્ઘટના સ્થળે થી 700 મીટર થી દૂર હોવાનું જાણવા મળ્યું હતું વિમાન ક્રેશ થયું એ સમયે બપોરે બરાબર 1:40 વાગ્યે મહેશનો મોબાઇલ બંધ થઈ ગયો હતો. તેની કાર પણ હજુ સુધી મળી નથી

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ગુજરાતી ફિલ્મ મેકર મહેશ જીરાવાલા પણ લાપતા થયા છે. તેનું છેલ્લું લોકેશન દુર્ઘટના સ્થળે થી 700 મીટર થી દૂર હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત પછી તેનો નંબર પણ બંધ આવી રહ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેના DNA સેમ્પલ પણ ટીમને સોંપવામાં આવ્યું છે, તેનું મેચીંગ અકસ્માત સ્થળેથી મળેલા મૃતદેહ સાથે કરવામાં આવશે. મહેશ જીરાવાલા જિજ્ઞેશ કવિરાજ, કૌશિક ભરવાડ, કિશન રાવલ સહિત ઘણા ફેમસ ગુજરાતી કલાકાર જોડે વીડિયો પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે કામ કરી ચુક્યો છે.

ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં મહેશ જીરાવાલાની પત્નીએ જણાવ્યું કે, તેઓ 12 જૂનના રોજ લો ગાર્ડન ગયા હતા. ત્યાં તેમની એક મિટિંગ હતી. બપોરે 1:14 વાગ્યે ફોન કરીને જણાવ્યું કે, મિટિંગ પૂરી થઈ ગઈ છે અને ઘરે આવું છું. થોડા સમય પછી જ્યારે તેઓ પાછા ન ફર્યા તો પાછો ફોન કરવામાં આવ્યો હતો પરંતુ ફોન બંધ આવી રહ્યો હતો. ઘણા કલાકો સુધી સંપર્ક થઈ શક્યો નહીં ત્યારે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે વિમાન ક્રેશ થયું એ સમયે બપોરે બરાબર 1:40 વાગ્યે મહેશનો મોબાઇલ બંધ થઈ ગયો હતો. તેની કાર પણ હજુ સુધી મળી નથી. આવી સ્થિતિમાં પરિવારને શંકા છે કે મહેશ પણ અકસ્માતનો ભોગ બન્યો હશે.

  12 જૂને એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં 241 મુસાફર સહિત લગભગ 275 જેટલા લોકોના મોત થયાં હતાં. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ છે. અત્યાર સુધીમાં લગભગ 80થી વધુ લોકોના DNA મેચ થઈ ગયા છે, જેમના મૃતદેહ પરિવારોને સોંપવામાં આવી રહ્યા છે.

(5:05 PM IST)