તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 16th June 2025
સનસનાટી : CBI ના પૂર્વ એડિશનલ ડાયરેક્ટર અને ઇન્ટરપોલમાં ભારતના પ્રતિનિધિ શ્રી પ્રવીણ સિંહા પણ સાયબર માફિયાઓના નિશાને! : નકલી ફેસબુક એકાઉન્ટ બનતા ખળભળાટ! 'અકિલા' સાથેની વાતચીતમાં આપી માહિતી
CBI અને સાયબર ક્રાઇમ સત્વરે સક્રિય : સિનિયર IPS અધિકારીની શુભેચ્છકોને સાવધાન રહેવા અપીલ - 'ફ્રેન્ડ રિક્વેસ્ટ' કે આર્થિક માંગણીથી બચવા સૂચન

રાજકોટ : સાયબર ક્રાઇમના વધતા જતા દૂષણે હવે સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે, જે એક ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં, જૂનાગઢના પૂર્વ રેન્જ વડા, CBI ના પૂર્વ એડિશનલ ડાયરેક્ટર અને હાલ ઇન્ટરપોલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા મૂળ ગુજરાત કેડરના સિનિયર IPS અધિકારી શ્રી પ્રવીણ સિંહાનું નકલી ફેસબુક એકાઉન્ટ બનતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે સાયબર માફિયાઓની હિંમત અને પહોંચ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
સ્વચ્છ છબી અને કાર્યદક્ષતા માટે જાણીતા શ્રી પ્રવીણ સિંહાએ આ સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ તત્કાળ કાર્યવાહી કરી છે. તેમણે પોતાના શુભેચ્છકો અને જાહેર જનતા આવા સાયબર ફ્રોડ માફિયાઓના શિકાર ન બને તે માટે CBI અને સાયબર ક્રાઇમમાં સત્વરે જાણ કરી છે, જેના પગલે આ બંને એજન્સીઓ કાર્યરત બની છે અને આ સાયબર માફિયાઓને ઝડપી પાડવા મેદાને પડી છે.
'અકિલા' સાથેની ખાસ વાતચીતમાં, શ્રી પ્રવીણ સિંહાએ પોતાના મિત્રો, સ્નેહીઓ અને શુભેચ્છકોને સાવધાન રહેવા માટે ભાવુક અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, તેમના નામે કોઈ પણ નવી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો તેને સ્વીકારવી નહીં. આ ઉપરાંત, કોઈ પણ સંજોગોમાં કોઈ ફોન નંબર કે અન્ય અંગત વિગતો શેર ન કરવા, અને જો તેમના નામે કોઈ આર્થિક માંગણી કે અન્ય કોઈ રીતે મદદ માગે તો તેમની વાતમાં ન આવવા સ્પષ્ટ સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આવા સાયબર ફ્રોડનો ભોગ બનનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. જેમાં અગાઉ પણ કેટલાક IPS અને IAS અધિકારીઓનો સમાવેશ થઈ ચૂક્યો છે. આ ગંભીર ઘટના બાદ CBI તુરંત એક્શનમાં આવી છે અને આંતરરાજ્ય સાયબર ક્રાઇમ યુનિટ્સ પણ આ માફિયાઓને બરોબર પાઠ ભણાવવા માટે સક્રિય બન્યા છે. શ્રી પ્રવીણ સિંહા જેવા ઉચ્ચ અધિકારીને નિશાન બનાવવાની આ ઘટના સાયબર ગુનેગારોની બદમાશીની હદ દર્શાવે છે અને ડિજિટલ સુરક્ષા સામેના પડકારોને વધુ ગંભીર બનાવે છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
