<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

વિશ્‍વમાં સર્વ પ્રથમ ‘‘TRAI'' શરૂ કરશે ડિજિટલ કનેકિટવિટી રેટિંગ યોજના

હવે ઘર-ઓફિસ-પ્રોપર્ટી માટે ડિજિટલ કનેકટીવીટીઃ લોકો સ્‍માર્ટ પ્રોપર્ટી ખરીદ કરી શકશેઃ ગ્રાહકોને થશે ફાયદો... : હવે સર્વીસ પ્રોવાઇડર-ડેવલપર્સ માટે કનેકટીવિટી ફરજીયાત બની જશેઃ મોબાઇલ-ડેટા યુઝર્સને વધુ સારી ઝડપી સેવાના લાભ...

રાજકોટ તા.૧૭: TRAI (ટેલિકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા) ગ્રાહકોને સારી ટેલિકોમ સેવાઓ મળી રહે તે માટે વધુ એક યોજના બનાવી રહ્યા છે જેમાં હવે દરેક રહેણાંક અને કોમર્શિયલ બિલ્‍ડીંગમાં ‘‘ડિજિટલ કનેક્‍ટિવિટી રેટિંગ'' યોજના ચાલુ કરવા જઈ રહ્યા છે તે માટે ડ્રાફ્‌ટ અને નિયમો તૈયાર કરવામાં આવ્‍યા છે. આ યોજના હેઠળ દરેક બિલ્‍ડિંગ, ઓફિસ, રેસિડેન્‍શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીઝ માટે સ્‍ટાર આધારિત રેટિંગ આપવામાં આવશે. આ રેટિંગ એજન્‍સીઓ (DCRAs) દ્વારા મેન્‍યુઅલ અને સ્‍ટાન્‍ડર્ડ પદ્ધતિથી આપવામાં આવશે,

TRAIની ડિજિટલ કનેક્‍ટિવિટી રેટિંગમાં નીચેના મુખ્‍ય પેરામીટરો મહત્‍વપૂર્ણગણાશે.

(૧) બિલ્‍ડિંગ/પ્રોપર્ટી સુધી ફાઈબર ઓપ્‍ટિક કનેક્‍શનની ઉપલબ્‍ધતા.

(૨) મોબાઈલ નેટવર્ક (4G/5G) કવરેજ અને તેની ક્‍વોલિટી (અંદર તેમજ બહાર).

(૩) Wi-Fi ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને સ્‍પીડ.

(૪) નેટવર્કની વિશ્વસનીયતા અને ઉપલબ્‍ધતા.

(૫) એકથી વધુ સર્વિસ પ્રોવાઇડરોની ઉપલબ્‍ધતા.

(૬) નેટવર્ક સ્‍પીડ, ઉપરાંત  ફાઈબર ઓપ્‍ટિક તૈયારીઓ, મોબાઈલ નેટવર્કની ઉપલબ્‍ધતા, Wi-Fi ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, અને સર્વિસ પર્ફોમન્‍સ જેવા પેરામીટર્સનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

TRAI દ્રારા શરૂ થઈ રહેલ રેટિંગના મુખ્‍ય ફાયદા જોઈએ તો...

(૧) ગ્રાહકો માટે ફાયદાઃ ગ્રાહકો (ખરીદદારો) હવે બિલ્‍ડિંગની ડિજિટલ કનેક્‍ટિવિટી રેટિંગ જોઈને પ્રોપર્ટી ખરીદ કરવાનો નિર્ણય કરી શકશે, જેમ કે આજે વીજળી, પાણી અને ગટર ની સુવિધાઓ જોઈ પસંદગી કરે છે તે રીતે.

અત્‍યારે ડિજિટલ કનેક્‍ટિવિટી મહત્‍વનું અંગ બની છે ત્‍યારે સારી રેટિંગ ધરાવતી પ્રોપર્ટી વધુ આકર્ષક બનશે, જેથી લોકો સારી કનેક્‍ટિવિટી સાથેની જગ્‍યા પસંદ કરી શકશે.

હવે ઘર કે ઓફિસમાં અંદર, ડેટા યુઝ વધતા, ત્‍યાં 4G/5G કનેક્‍ટિવિટી કેવી મળે છે તે ખાસ મહત્‍વપૂર્ણ બની ગયું છે, ત્‍યારે લોકો ઝડપથી અને સતત ઈન્‍ટરનેટ/મોબાઈલ સર્વિસ મેળવી શકશે.

ઇન્‍ટરનેટ ખર્ચ માં ઘટાડો થશે, સેવામાં સુધારો થશે, પસંદગી વધશે અને રોજગારી વધશે.

(૨) સર્વિસ પ્રોવાઈડરો ઉપર અસરઃસર્વિસ પ્રોવાઈડર્સ માટે હવે પ્રોપર્ટી મેનેજરો સાથે મળીને બિલ્‍ડિંગમાં ડિજિટલ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સુધારવું ફરજિયાત બની જશે.

સર્વિસ પ્રોવાઈડર્સને તેમના નેટવર્ક કવરેજ અને સર્વિસ ડિટેઇલ્‍સ જાહેર કરવાની ફરજ પડશે, જેથી ગ્રાહકોને સ્‍પષ્ટ માહિતી મળી રહેશે.

કોઈપણ સર્વિસ પ્રોવાઈડર એકલા કરાર કરી શકશે નહીં, તેથી સ્‍પર્ધા વધશે અને સર્વિસ ક્‍વોલિટી સુધરશે. જેનો ફાયદો ગ્રાહકોને મળશે.

આવક મોડલ બદલાશે પણ ખર્ચ ઘટશે, સ્‍પર્ધા વધશે એટલે ગુણવત્તા સુધારવા નવી ટેકનોલોજી લાવવી પડશે. ગ્રાહક કેન્‍દ્રિત સેવા આપવી પડશે. નેટવર્ક વિસ્‍તરણ અને મેનેજમેન્‍ટ માટે નવી તક ઉભી થશે.

(૩) પ્રોપર્ટી ઓનર્સ/ડેવલપર્સ માટેઃવધુ રેટિંગ ધરાવતી પ્રોપર્ટી વધુ ગ્રાહકો, ખરીદદારો અને રોકાણકારોને આકર્ષે, તેથી રેટિંગ વધારવા માટે સર્વિસ પ્રોવાઈડર સાથે તાલમેલ કરવાની ફરજ પડશે.

સારા રેટિંગથી પ્રોપર્ટીની કિંમત વધશે, ગ્રાહકોને આકર્ષી શકશે અને ઝડપી વેંચાણ કરી શકશે.

(૪) બજારમાં મોનોપોલી અટકાવવીઃTRAI બજારમાં એકલાધિકાર (મોનોપોલી) ન રહે તે માટે નિયમન કરે છે અને સ્‍પર્ધા જળવાય તે માટે પગલાં લે છે.

TRAI અને ડિપાર્ટમેન્‍ટ ઓફ ટેલિકોમ, બંને બજારમાં સ્‍પર્ધા જાળવવા માટે જરૂરી પગલાં લે છે, જેથી કોઈ એક કંપની બજારને નિયંત્રિત ન કરે અને એકલતાનો લાભ ન લઈ શકે.

(૫) સર્વિસ ક્‍વોલિટી અને રિર્પોટિંગમાં કડકાઈઃ TRAI સર્વિસ પ્રોવાઇડરોને દરેક રાજ્‍ય અને કેન્‍દ્રશાસિત પ્રદેશ માટે ક્‍વોલિટી ઓફ સર્વિસ (QoS) રિપોર્ટ્‍સ સબમિટ કરવાની ફરજ પાડે છે, જેથી સર્વિસ ક્‍વોલિટી પર સતત નજર રાખી શકાય.

TRAI જરૂરી ડાયરેકશન્‍સ અને ગાઈડલાઈન્‍સ દ્વારા સર્વિસ પ્રોવાઇડરોને નેટવર્ક આઉટેજ અને સર્વિસ ડિસ્‍ટર્બન્‍સ અંગે પણ રિપોર્ટ કરવા મજબૂર કરે છે.

(૬) ગ્રાહકોના હિત માટે નિયમન અને રીડ્રેસલ મિકેનિઝમઃ TRAI સર્વિસ પ્રોવાઇડરોને ગ્રાહકોની ફરિયાદો માટે બે-સ્‍તરીય રીડ્રેસલ મિકેનિઝમ રાખવી ફરજિયાત કરે છે. જો ગ્રાહકને સંતોષકારક જવાબ ન મળે તો તેઓ અપિલેટ ઓથોરિટી સુધી જઈ શકે છે.

TRAI સીધા વ્‍યક્‍તિગત ફરિયાદો હેન્‍ડલ કરતી નથી, પણ સર્વિસ પ્રોવાઇડરો પર ગ્રાહકોના હિતમાં નિયમન લાગુ પાડે છે.

જો કંપનીઓ સ્‍પર્ધાત્‍મક દબાણને યોગ્‍ય રીતે સંભાળે છે, જેમ કે ઓટોમેશન, ગુણવત્તા નિયંત્રણ, નવી ટેક્રોલોજી અપનાવવી, તો તેઓ પોતાની સેવા ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરી શકે છે. બીજી બાજુ, જો સ્‍પર્ધા સાથે સંકલિત ન રહી શકાય તો ગુણવત્તા ઘટી શકે છે અને બજારમાં સ્‍થાન ગુમાવવાનો ખતરો રહે છે.

સ્‍પર્ધાત્‍મક દબાણ સેવા ગુણવત્તા માટે એક મહત્‍વપૂર્ણ પરિબળ છે, જે યોગ્‍ય રીતે સંભાળવામાં આવે તો ગુણવત્તા વધારી શકે છે.

વૈશ્વિક સ્‍તરે, ઘણા વિકસિત દેશોમાં બિલ્‍ડિંગ્‍સ, હોટલ્‍સ, ઓફિસ સ્‍પેસ અને રેસિડેન્‍શિયલ કોમ્‍પ્‍લેક્‍સ માટે ‘‘ડિજિટલ રેડીનેસ'', ‘‘ઇન્‍ટરનેટ સ્‍પીડ રેટિંગ'', ‘‘સ્‍માર્ટ બિલ્‍ડિંગ સર્ટિફિકેશન'' અથવા ‘‘ટેલિકોમ રેડીનેસ'' જેવી રેટિંગ અથવા સર્ટિફિકેશન પ્રથાઓ અમલમાં છે, પણ ડિજિટલ કનેક્‍ટિવિટી રેટિંગ એજન્‍સી દ્રારા દરેક બિલ્‍ડિંગ્‍સ, હોટલ્‍સ, ઓફિસ સ્‍પેસ અને રેસિડેન્‍શિયલ કોમ્‍પ્‍લેક્‍સમાં રેટિંગ સિસ્‍ટમ અમલમાં નથી, આ ડિજિટલ કનેક્‍ટિવિટી રેટિંગ વિશ્વમાં ભારતનો પ્રથમ પ્રયાસ છે.

TRAIની આ પહેલ ભારત માટે વિશિષ્ટ છે, આ ઉપરાંત TRAI, ૨૦૩૦ સુધીમાં પાંચ કરોડ પબ્‍લિક Wi - Fi હોટસ્‍પોટ સ્‍થાપિત કરવાનો લક્ષ્ય ધરાવે છે.

આ રેટિંગ સિસ્‍ટમ ગ્રાહકો માટે સ્‍પર્ધા અને સર્વિસ ક્‍વોલિટી બંનેમાં સુધારો લાવશે, જેનાથી આખરે ગ્રાહકોને સારી સેવા, સ્‍પષ્ટતા, વિકલ્‍પો અને સંતોષની ખાતરી મળી રહેશે.(૩૮.૨૦)

- બાબુભાઇ મેનપરા

નિવળત્ત BSNL અધિકારી

(12:01 PM IST)