તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
કેપ્ટન સુમિતનો મૃતદેહ મુંબઈના પવઈ સ્થિત ઘરે પહોંચ્યો : પિતા ભાંગી પડ્યા :આંસુભરી આંખે તેમણે વિદાય આપી
સુમિત ખૂબ જ જલ્દી રાજીનામું આપીને તેમના પિતાની સેવા કરવાની યોજના બનાવી રહ્યો હતો

અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં કેપ્ટન સુમિત સભરવાલનું પણ મોત થયું હતું. આજે મંગળવારે સવારે ડીએનએ ટેસ્ટ બાદ કેપ્ટન સુમિતનો મૃતદેહ મુંબઈના પવઈ સ્થિત તેમના ઘરે પહોંચ્યો છે. પુત્રના મૃતદેહને જોઈને તેમના પિતા ભાંગી પડ્યા હતા. આંસુભરી આંખે તેમણે વિદાય આપી હતી. ઉલ્લેખનીય છે કે સુમિત ખૂબ જ જલ્દી રાજીનામું આપીને તેમના પિતાની સેવા કરવાની યોજના બનાવી રહ્યો હતો.
કેપ્ટન સુમિત સભરવાલનો મૃતદેહ આજે તેમના ઘરે પહોંચ્યો હતો. સુમિત સભરવાલના મૃતદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો, જ્યાં તેમના ઘણા સંબંધીઓ અને પરિવારના સભ્યો હાજર હતા. તેમના પિતા પુષ્કરાજે તેમને આંસુભરી આંખો સાથે વિદાય આપી. વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ તેમના પુત્રને કેટલો પ્રેમ કરતા હતા. સુમિત સભરવાલ પણ તેમના પિતાને ખૂબ પ્રેમ કરતા હતા.
60 વર્ષીય પાઇલટ સુમિત સભરવાલ વિમાનના અન્ય પાઇલટ્સની તુલનામાં સૌથી અનુભવી હતા. તેમના પિતા 90 વર્ષના છે. સુમિત ખૂબ જ ટૂંક સમયમાં નિવૃત્ત થવાના હતા જેથી તેઓ બાકીનો સમય તેમના પિતા સાથે વિતાવી શકે. કેપ્ટન સુમિતના ઘરની નજીક રહેતી ઉષા તડવલેકર પણ મીડિયા સાથે વાત કરતી વખતે અચાનક રડી પડી. તેણે કહ્યું કે તેણે સુમિત સાથે એર ઇન્ડિયામાં કેબિન ક્રૂ તરીકે સેવા આપી છે. તે લગભગ 37 વર્ષ સુધી એર ઇન્ડિયામાં કેબિન ક્રૂ હતી અને હવે નિવૃત્ત થઈ ગઈ છે.
12 જૂન 2025ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171, લંડન જતી વખતે ટેકઓફ બાદ થોડી મિનિટોમાં મેઘાણીનગર નજીક ક્રેશ થઈ. ઘટના બપોરના 1.40ની આસપાસ બની હતી. આ બોઈંગ 787 ડ્રીમલાઈનરમાં 230 મુસાફરો, 10 ક્રુ મેમ્બર, બે પાઈલટ સવાર હતા.દુર્ઘટનામાં માત્ર એક વ્યક્તિ બચી, બાકીના તમામના મોત થયા હતા.. વિમાન BJ મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે અથડાયું, જેમાં 4 મેડિકલ વિદ્યાર્થીઓના પણ મોત થયા છે. તમામ મુસાફરો એટલી હદ સુધી સળગી ગયા હતા કે ડીએનએ દ્વારા ઓળખ કરાઈ રહી છે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
