<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

સુપ્રિમ કોર્ટના નિયમોમાં સુધારો : હવે શનિવારે પણ ખુલ્લી રહેશે રજિસ્‍ટ્રી

સુપ્રિમ કોર્ટે નોટિસ અને ગેજેટ નોટિફિકેશન જાહેર કર્યુ : દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રાખવાની પ્રથા રદ : બધા જ શનિવાર કામકાજ ચાલુ રહેશે

નવી દિલ્‍હી : સુપ્રીમ કોર્ટે, રાષ્‍ટ્રપતિની મંજૂરી સાથે, સુપ્રીમ કોર્ટ નિયમો, ૨૦૧૩માં મહત્ત્વપૂર્ણ સુધારો કર્યો છે. આ નવા નિયમો ૧૪ જુલાઈ ૨૦૨૫થી અમલમાં આવશે. આ સુધારાનો મુખ્‍ય હેતુ કોર્ટની રજિસ્‍ટ્રી અને ઓફિસના કામકાજના દિવસો તેમજ સમયમાં ફેરફાર કરીને કાર્યક્ષમતા વધારવાનો છે.

મુખ્‍ય સુધારાઓ

શનિવારની રજા રદ્દ : અગાઉ દર મહિનાના બીજા અને ચોથા શનિવારે રજિસ્‍ટ્રી બંધ રહેતી હતી, પરંતુ હવે આ પ્રથા નાબૂદ કરવામાં આવી છે.

દર શનિવારે કામકાજ : નવા નિયમો અનુસાર, સુપ્રીમ કોર્ટની રજિસ્‍ટ્રી અને ઓફિસો હવે દર શનિવારે સવારે દસ વાગ્‍યાથી બપોરે એક વાગ્‍યા સુધી ખુલ્લી રહેશે. જોકે, શનિવારે બપોરે બાર વાગ્‍યા પછી માત્ર તાકીદના કામો જ સ્‍વીકારવામાં આવશે.

સોમવારથી શુક્રવારનો સમયઃ ઓફિસો સોમવારથી શુક્રવાર સવારે દસ વાગ્‍યાથી સાંજે પાંચ વાગ્‍યા સુધી ખુલ્લી રહેશે. સાંજે ૪.૩૦ પછી ફક્‍ત તાકીદના કામો જ સ્‍વીકારાશે.

રજાઓનો સમયઃ કોર્ટ અને ઓફિસ બંને માટે રજા હોય તેવા દિવસો સિવાય, જેમ કે આંશિક કોર્ટ કામકાજના દિવસો અથવા નાતાલ અને નવા વર્ષની રજાઓ દરમિયાન, ઓફિસો મુખ્‍ય ન્‍યાયાધીશ દ્વારા નિર્ધારિત સમયે ખુલ્લી રહેશે.

આ સુધારા ભારતીય બંધારણની કલમ ૧૪૫ હેઠળ આપેલી સત્તાઓના આધારે કરવામાં આવ્‍યા છે અને તેનું નોટિફિકેશન ભારતના ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્‍યું છે.

આ ફેરફારો સુપ્રીમ કોર્ટના રજિસ્‍ટ્રી વિભાગને લાગુ પડશે.

આ પગલાંથી કોર્ટની વહીવટી કામગીરીમાં વધુ પારદર્શિતા અને કાર્યક્ષમતા આવશે તેવી અપેક્ષા છે.

(4:23 PM IST)