<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

હિમાચલમાં ભારે વરસાદ વચ્ચે પત્રીઘાટ નજીક મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં પડી: 2 લોકોના મોત: 24 ઘાયલ

જાહુથી મંડી રૂટ પર જતી એક ખાનગી બસ પત્રીઘાટ ખાતે રસ્તા નીચે 500 ફૂટ ઊંડી ખીણમાં પડી: બસમાં લગભગ 25-30 મુસાફરો હતા

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે એક ખાનગી બસ ખીણમાં જઈને પડી ગઈ હતી. મંગળવારે સવારે મંડી-જાહુ રોડ પર પત્રીઘાટ નજીક બનેલા આ દુ:ખદ અકસ્માતમાં 2 મુસાફરોના મોત થયા છે અને 24 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસ જહુથી મંડી જઈ રહી હતી. સ્થાનિક લોકો અને અધિકારીઓએ બચાવ કાર્ય શરૂ કર્યું હતું, પરંતુ ભારે વરસાદને કારણે તેમાં અવરોધ આવી રહ્યો છે.

જાહુથી મંડી રૂટ પર જતી એક ખાનગી બસ પત્રીઘાટ ખાતે રસ્તા નીચે 500 ફૂટ ઊંડી ખીણમાં જઈને પડી હતી. ઘટના સમયે બસમાં લગભગ 25-30 મુસાફરો હતા. આમાંથી લગભગ 24 મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં બે લોકો બસની અંદર અને નીચે દટાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. બસની અંદર ફસાયેલા વ્યક્તિના પગ તૂટી ગયા છે અને ઘણી મહેનત પછી તેને બહાર કાઢવામાં આવ્યો છે.

 બસ ખીણમાં પડવાથી બસની નીચે એક વ્યક્તિ આવી ગયો હતો, જેનું ઘટના સ્થળે જ મોત થયું છે. જેની ઓળખ રાજગીર ચંદ તરીકે થઈ છે. મૃતક બસનો ડ્રાઈવર હોવાનું કહેવાય છે અને તેના ડ્રાઇવિંગ લાઇસન્સ પરથી તેની ઓળખ થઈ છે. અકસ્માત બાદ કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં લોકો ઘાયલોને બહાર કાઢતા જોવા મળે છે. આમાં લોકો બસની અંદર એક વ્યક્તિ ફસાયેલી હોવાની પણ વાત કરી રહ્યા છે.

(6:36 PM IST)