હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
160 બાંગ્લાદેશી નાગરિકોના પ્રત્યર્પણની પ્રક્રિયા માટે પુણે જતા પોલીસ કાફલાના વાહનને અકસ્માત નડ્યો
અચાનક મારેલી બ્રેકને કારણે પોલીસનાં વાહનો એકબીજા સાથે અથડાયાં જેમાં 19 પોલીસ કર્મચારી અને 12 બાંગ્લાદેશી ઘાયલ થયા

મુંબઈ: બાંગ્લાદેશી નાગરિકોના પ્રત્યર્પણની પ્રક્રિયા માટે પુણે જઈ રહેલા પોલીસ કાફલાના વાહનોને રાયગડ જિલ્લાના ભાતાન ટનલમાં વિચિત્ર અકસ્માત નડ્યો હતો. એક વાહનના ડ્રાઈવરે અચાનક મારેલી બ્રેકને કારણે પોલીસનાં વાહનો એકબીજા સાથે અથડાયાં હતાં, જેમાં 19 પોલીસ કર્મચારી અને 12 બાંગ્લાદેશી જખમી થયા હતા. 160 બાંગ્લાદેશીઓને લઈ જતા કાફલામાં મુંબઈ અને નવી મુંબઈ પોલીસનાં વાહનો હોવાનું જાણવા મળ્યું હતું.
રાયગડનાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આંચલ દલાલે જણાવ્યું હતું કે ઘટના મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર રસાયણી નજીકના ભાતાન ટનલમાં બુધવારની સવારે 7.45 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતમાં ઘવાયેલાઓને સારવાર માટે નવી મુંબઈની એમજીએમ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમાંથી મુંબઈ પોલીસના પ્રોટેક્શન બ્રાન્ચમાં ફરજ બજાવતા વિજય માનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી અનુસાર મુંબઈ અને આસપાસના પરિસરમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ બાંગ્લાદેશીઓને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા હતા. કાનૂની પ્રક્રિયા પછી બાંગ્લાદેશીઓને તેમના વતનમાં પાછા મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
જેલમાં બંધ 160 બાંગ્લાદેશીના પ્રત્યર્પણની પ્રક્રિયા ચાલી રહી હતી. 160માંથી 40 બાંગ્લાદેશી મુંબઈમાંથી પકડાયા હતા, જ્યારે બાકીના મીરા-ભાયંદર, થાણે અને નવી મુંબઈથી ઝડપાયા હતા. ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (એફઆરઆરઓ)ના સંકલનથી 160 બાંગ્લાદેશીને બુધવારની સવારે પુણેના લોહગાંવ ઍરપોર્ટ લઈ જવાઈ રહ્યા હતા.
એસપી આંચલ દલાલના કહેવા મુજબ પોલીસનાં 19 વાહનોના કાફલામાં આ બાંગ્લાદેશીઓને પુણે લઈ જવાતા હતા. કાફલો ભાતાન ટનલમાં પહોંચ્યો ત્યારે એક વાહનના ડ્રાઈવરે એકાએક બ્રેક મારતાં છથી સાત વાહન એકબીજા સાથે ભટકાયા હતા. આ ઘટનામાં 19 પોલીસ અને 12 બાંગ્લાદેશીને ઘવાયા હતા. એક પોલીસ કર્મચારીને ગંભીર ઇજા થઈ હતી, જ્યારે બાકીનાને નજીવી ઇજા થઈ હતી. આ પ્રકરણે રસાયણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
દરમિયાન અકસ્માતને પગલે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાને કિનારે ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
