<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

ઓપરેશન સિંદૂર પછી, ભારતે શરૂ કર્યું ઓપરેશન સિંધુ: ઇઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે નિર્ણય લેવામાં આવ્યો

ઓપરેશન સિંધુ હેઠળ ઉત્તરી ઈરાનમાંથી લગભગ 110 વિદ્યાર્થીઓને બહાર કાઢયા :આ વિદ્યાર્થીઓને આર્મેનિયા જવાનું કહેવાયુ જ્યાંથી તેમને નવી દિલ્હી પાછા લાવશે

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના 'યુદ્ધ' વચ્ચે, ભારતે ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાના ઉદ્દેશ્યથી 'ઓપરેશન સિંધુ' શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ, પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. ઓપરેશન સિંદૂર હેઠળ, પાકિસ્તાન અને પીઓકેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એરબેઝ પણ નાશ પામ્યો હતો.

   વિદેશ મંત્રાલયના સત્તાવાર નિવેદન અનુસાર, ઉત્તરી ઈરાનમાંથી લગભગ 110 વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓને આર્મેનિયા જવા માટે કહેવામાં આવ્યું હતું, જ્યાંથી તેમને નવી દિલ્હી પાછા લાવવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, "ભારતે ઈરાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું હતું. ભારતે 17 જૂનના રોજ ઈરાન અને આર્મેનિયામાં અમારા મિશનની દેખરેખ હેઠળ ઉત્તર ઈરાનમાંથી 110 વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા, જેઓ આર્મેનિયામાં પ્રવેશ્યા હતા. તેઓ ખાસ ફ્લાઇટમાં યેરેવનથી રવાના થયા હતા અને 19 જૂન 2025ની સવારે નવી દિલ્હી પહોંચશે.''

   ઈરાનમાં 4,000 થી વધુ ભારતીય નાગરિકો રહે છે, જેમાંથી અડધા વિદ્યાર્થીઓ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ જમ્મુ અને કાશ્મીરના છે અને તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં નોંધાયેલા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ યેરેવનના ઝ્વર્ટનોટ્સ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી રવાના થઈ છે અને ગુરુવાર - 19 જૂનની સવારે ભારત પહોંચવાની અપેક્ષા છે. આ પહેલી વાર નથી જ્યારે ભારત સરકારે યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે ખાસ સ્થળાંતર કામગીરી શરૂ કરી હોય.

   વર્ષ 2023 માં, ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું હતું, જેનો હેતુ હમાસ સાથેના યુદ્ધ દરમિયાન ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાનો હતો. આવી જ એક કામગીરી - ઓપરેશન ગંગા - યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે 2022 માં શરૂ કરવામાં આવ્યું હતું. રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી

(11:42 PM IST)