<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

મંત્રીના ઘર બહાર જ ગોળીબાર અને રૂ.૪૦૦ની લૂંટ

બિહારમાં કાયદો વ્‍યવસ્‍થાના ધજાગરા

પટણા તા.૧૯: બિહારમાં ગુનેગારોની હિંમત એટલી વધી ગઈ છે કે, જાહેરમાં થતી ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. જેનો સૌથી તાજો મામલો પોલો રોડના VVIP વિસ્‍તારમાંથી સામે આવ્‍યો છે, જ્‍યાં ગુનેગારોએ એક યુવકને જાહેરમાં ગોળી મારવામાં આવી હતી. આ વિશે પોલીસે તપાસ કામ શરૂ કરી છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, ગુનેગારોએ રાહુલ નામના યુવક પર ગોળી ચલાવી હતી, જેનો હવે મોબાઈલ ફોન મળી આવ્‍યો છે. બંને હુમલાખોરો બાઇક પર આવ્‍યા હતા. હુમલો કર્યા બાદ તેઓ રાહુલના ખિસ્‍સામાંથી ૪૦૦ રૂપિયા છીનવીને ફરાર થઈ ગયા હતા. હાલ, પોલીસે આ મામલે આરોપીને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જણાવી દઈએ કે, આ હુમલો મંત્રી અશોક ચૌધરીના આવાસ ગેટ પર થયો હતો. RJD નેતા તેજસ્‍વી યાદવનો બંગલો પણ તેનાથી ખૂબ નજીક હતો. આ સિવાય અનેક અધિકારી અને ન્‍યાયાધીશના આવાસ પણ અહીં જ છે.

નોંધનીય છે કે, પટનામાં આજે જ નવા SP કાર્તિકેય શર્માએ પોતાનો પદભાર સંભાળ્‍યો છે. એવામાં આજે જ આ ઘટના બનવી તે અનેક સવાલો ઊભા કરે છે.

જણાવી દઈએ કે, એક અઠવાડિયા પહેલાં પણ પટનામાં ધોળા દિવસે આવી ઘટના બની હતી. જેમાં આલમગંજ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં એક મહિલા અને તેમની દીકરીની ગોળી મારીને હત્‍યા કરી દેવાઈ હતી. જોકે, મહિલાનો પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થયો હતો. આ ઘટના શહેરના અર્ફાબાદ નહેર પાસે બની હતી. મળતી માહિતી મુજબ, પોલીસ દ્વારા ઘટનાસ્‍થળ પર પહોંચીને તમામ ઈજાગ્રસ્‍તોને નજીકની સરકારી હોસ્‍પિટલમાં પહોંચાડવામાં આવ્‍યા હતા, જ્‍યાં ડોક્‍ટર્સે મહિલા અને તેમની દીકરીને મળત જાહેર કરી. જોકે, પતિની સ્‍થિતિ હજુ ગંભીર જણાવવામાં આવી રહી છે. પ્રત્‍યક્ષદર્શીના જણાવ્‍યા અનુસાર, હુમલાવર અજાણ હતા અને તેમણે અચાનક ફાયરિંગ શરૂ કરી અને બાદમાં ત્‍યાંથી ફરાર થઈ ગયા.(૩૮.૨૯)

(4:21 PM IST)